ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આગના બનાવો વધતાં જઇ રહ્યાં છે અને આવા કિસ્સામાં ઘણા લોકો ગંભીર રીતે દાઝી જતાં હોય છે, તો ઘણા લોકો મોતને ભેટતા હોય છે. હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના બની છે. પાંડેસરા GIDCમાં આવેલ રાણીસતી મિલમાં આગ લાગી છે અને આગ લાગવાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે. આગ લાગ્યાની જાણ ફાયરબ્રિગેડને થતાં ફાયરબ્રિગેડનો કાફલો 15 ગાડીઓ સાથે ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આગ ઘણી ભયાનક છે અને જેને કારણે ધુમાડાનાં ગોટેગોટા 1 કિલોમીટર સુધી જોવા મળી રહ્યા છે. પાંડેસરા GIDCની મિલમાં ભીષણ આગ લાગવાને પગલે પોલિસ અને ફાયરવિભાગ દોડતો થઇ ગયો છે. ડાઇંગ પ્રિન્ટિંગની અંદર અચાનક આગ ભભૂકી ઊઠતા જોતજોતાંમાં આગે આખી મિલને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.
આગ લાગતાં આસપાસની મિલોમાં પણ ફફડાટનો માહોલ ફેલાઇ ગયો હતો. એકાએક આગ ભભૂકી ઊઠતાં દોડધામ મચી જવાં પામી હતી. ફાયર વિભાગ દ્વારા હાલ આગ બુઝાવવાની કામગીરી થઇ રહી છે અને હાલ ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ લાગતાની સાથે જ આસપાસનાં કારખાનાંમાં કામ કરતા કામદારોનાં ટોળાં પણ મોટી સંખ્યામાં ઊમટી પડ્યાં હતા.ઉલ્લેખનીય છે કે, ડાઇંગ પ્રિન્ટિંગની અંદર જે કેમિકલ અને યાર્નનો ઉપયોગ થતો તે પેટ્રોલિયમ પદાર્થથી તૈયાર થતો હોય છે જેને કારણે તે ઘણો જ્વલનશીલ હોય છે અને આ કારણે જ તેના પર સાદા પાણીથી કંટ્રોલ કરવુ મુશ્કેલ બની જતુ હોય છે. જેને કારણે ફાયર વિભાગ દ્વારા ફોર્મયુક્ત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે.
શહેરની બીજા ફાયર સ્ટેશનની ગાડીઓ પણ હાલ ઘટનાસ્થળે આવવાં રવાનાં થઇ ગઇ છે. હાલ તો જાનહાનિના કોઇ સમાચાર સામે આવ્યા નથી અને આગ લાગવાનું કોઇ ચોક્કસ કારણ પણ જાણી શકાયુ નથી.