સુરતના વરાછા વિસ્તારમાં સરકારી સાયન્સ કોલેજ શરૂ કરવા લોકો દ્વારા માંગ ઉઠી હતી. વિદ્યાર્થી આગેવાનોની સાથે આગેવાનોએ સરકારને આવેદનપત્ર પણ આપ્યું હતું. દરમિયાન ઉચ્ચ શિક્ષણ કમિશનરે સુરતના વરાછા સહિત રાજ્યની સાત સરકારી કોલેજો શરૂ કરવાની મંજૂરી આપતા વિદ્યાર્થીઓ ખુશ છે. આ નવી કોલેજ શરૂ કરવા માટે આચાર્ય સહિત ટીચીંગ, નોન ટીચીંગ સહિત 17 સ્ટાફને પણ મંજૂરી આપવામાં આવી છે. સાથે જ કોલેજમાં એડમિશનની કામગીરી પણ આગામી શૈક્ષણિક વર્ષ 2022-23થી શરૂ થશે.જયાં સુધી નવી કોલેજ માટે બિલ્ડીંગ નહીં બને ત્યાં સુધી પાલિકા ખાલી પડેલી શાળાઓમાં કોલેજ શરૂ કરશે. સરકારી શાળા કોલેજ શરૂ કરવાની માંગ વિદ્યાર્થી સંગઠનો, સેનેટ સભ્યો, પૂર્વ ધારાસભ્ય વગેરે દ્વારા લાંબા સમયથી તેની માંગણી કરવામાં આવી રહી હતી.
આખરે વરાછા વિસ્તારમાં સરકારી કોલેજની માંગણી સંતોષાઈ જતાં વિદ્યાર્થીઓને મોટી રાહત મળી રહેશે.વિદ્યાર્થીઓનું કહેવું હતું કે વરાછા વિસ્તાર ખુબ મોટો છે. અને હવે નવા વિસ્તારોના સીમાંકન બાદ અહીં વ્યાપ ખુબ વધ્યો છે. સુરત શહેરમાં 40% વિદ્યાર્થીઓ સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાંથી આવે છે તેમ છતાં આ વિસ્તારમાં એકપણ સરકારી કોલેજ નથી.જેના કારણે આ વિસ્તારના વિદ્યાર્થીઓને દૂર તેમજ અન્ય સિટીમાં કોલેજ માટે જવું પડે છે, તેમજ પરિવહન ખર્ચ પણ લાગે છે..ગરીબ તથા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓએ દુર દુર અન્ય વિસ્તારોમાં કોલેજોમાં અથવા વધુ ખર્ચો કરીને ખાનગી કોલેજમાં ભણવું પડે છે..ત્યારે હવે અહીંનાં વિદ્યાર્થીઓએ સરકારી કોલેજ માટેની માંગણી પ્રબળ બનાવી હતી.લાંબા સમયથી વિદ્યાર્થીઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ સ્થાનિક ધારાસભ્યો અને યુનિવર્સટી ખાતે તેની વારંવાર રજૂઆતો પણ કરવામાં આવી રહી હતી. પણ આખરે વરાછા વિસ્તારમાં અલાયદી સરકારી કોલેજને માન્યતાં મળતાં વિદ્યાર્થીઓને મોટો હાશકારો થયો છે.