સુરતમાં વેપારીને FB પર બદનામ કરનારી યુવતી અને તેના મિત્ર ઝડપાયાં
મોટા વરાછા વિસ્તારના વેપારીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટા ફેસબુક પર વાયરલ કરનાર મોટા વરાછાની યુવતી અને તેના ફેસબુક ફ્રેન્ડની સાઇબર ક્રાઇમે ધરપકડ કરી છે.વેપારીએ લગ્ન માટે રિજેક્ટ કરતા બદલો લેવાના ઇરાદે યુવતીએ મિત્રની મદદથી આ કારસ્તાન કર્યુ હોવાનું સામે આવ્યું છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના મોટા વરાછામાં સુદામાચોક ખાતે શિવનગર સોસાયટીમાં રહેતા હિરેનભાઇ ખુંટ એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે. ગત તા. 9મીના રોજ બપોરનાથ સુમારે તેમના સાઢુભાઇ કૌશિક ડોંડાએ કોલ કરી તેમણે જણાવ્યું કે, ફેસબુક પર રિન્કલ ભૂદેલિયા નામની ફેસબુક આઇડી પરથી તેમનાં આઇડી પર હિરેનભાઇના કોઇ યુવક સાથે અશ્લીલ ફોટો મોકલાયો છે.કૌશિક ડોંડાએ ફેસબુક મેસેન્જરથી હિરેન ખુંટને આ ફોટોગ્રાફ મોકલી આપ્યો હતો. કોઇકે તેમનો ફેસ મોર્ફ કરી અજાણી યુવતી સાથેનો બીભત્સ ફોટો અપલોડ કર્યો હતો.
ફેક આઇડી બનાવી હિરેનભાઇને બદનામ કરવા સગાં-સંબંધીને અશ્લીલ ફોટા મોકલાયા હતા. હિરેન ખૂંટે આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી.આ દરમિયાન સાઇબર ક્રાઇમની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે વિમલ ઘેટીયા અને સુમિતા સુતરિયાની ધરપકડ કરી હતી. પોલીસનાં જણાવ્યાં પ્રમાણે, હિરેન ખૂંટે લગ્ન માટે સુમિતાને રિજેક્ટ કરી હતી. જે બાદ હિરેનની અન્ય યુવતી સાથે સગાઇ પણ થઇ ગઇ હોવાથી સુમિતાએ હિરેનને બદનામ કરવા તથા સગાઇ તોડી નાંખવા માટે ફેક આઇડી બનાવી હિરેનના અશ્લીલ ફોટાં તેના સગાં-સંબંધીને મોકલી આપ્યા હતા.