અભ્યાસમાં ગણિત એક એવો વિષય છે જેનાથી સામાન્ય રીતે બાળકો દૂર ભાગતા હોય છે. શાળામાં ભણાવતા આ વિષય વિદ્યાર્થીઓને વધારે પસંદ નથી પડતો અને જેથી ગણિત વિષયથી વિદ્યાર્થીઓ દૂર રહેતા હોય છે. પરંતુ સુરતમાં સાડા સાત વર્ષનાં નાનાં બાળકે પાણીમાં ગણિત કરીને કમાલ કરી બતાવી છે.એટલું જ નહીં પાણીમાં ગણિત કરવા માટે તેને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ મેળવ્યું છે. સુરતમાં રહેતા સાડા સાત વર્ષના અદ્વૈત અગ્રવાલે અનોખી કમાલ કરી બતાવી છે. અન્ડરવોટરમાં રહીને તેને સૌથી ઓછી સેકન્ડમાં લાંબા લાંબા સરવાળા કરીને એક અનોખો રેકોર્ડ બનાવ્યો છે.સુરત શહેરમાં રહેતા 7 વર્ષના બાળક અદ્વૈતે એવી કમાલ કરી બતાવી છે કે ન માત્ર તેનો પરિવાર પણ સમગ્ર સુરત અને ગુજરાત પણ તેના માટે ગર્વ અનુભવે છે. અદ્વૈતે પાણીમાં રહીને સૌથી ઝડપી સરવાળા ગણવાનો રેકોર્ડ બનાવીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યુ છે.
અદ્વૈતની માતા શીખા અગ્રવાલના જણાવ્યા પ્રમાણે અદ્વૈત એક વર્ષનો હતો. ત્યારથી જ તેને ગણિતના વિષયમાં ખૂબ રસ હતો. નાની ઉંમરથી જ તેને ગણિતના દાખલા ગણવાનું ખુબ પસંદ પડતું હતું. અદ્વૈતનું નામ થાય છે યુનિક એટલે સૌથી અલગ. અને તેના નામ પ્રમાણે જ તેણે કંઈક અલગ કરવાનો વિચાર કર્યો.ગણિત વિષયમાં પહેલાથી રુચિ હોવાથી અદ્વૈતે સૌથી પહેલા મેથ્સ વિષયનું કોચિંગ લીધું હતું અને તે પછી તેણે સ્વીમિંગનું પણ કોચિંગ કર્યું હતું. આ બંને કળાને એક સાથે ભેગા કરીને તેને અન્ડરવોટરમાં દાખલા ગણવાનો એક રેકોર્ડ બનાવ્યો છે. અદ્વૈત નાનપણથી જ ઈચ્છતો હતો કે તે ગુજરાત અને સુરત માટે કંઈક અલગ કરે અને આખરે તેણે કરી પણ બતાવ્યું છે. અન્ડરવોટરમાં રહીને 40 સેકન્ડમાં લાંબા સરવાળાનું ગણિત કરીને તેણે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.અત્યાર સુધી આવો રેકોર્ડ કોઈએ કર્યો હોવાનું સામે આવ્યુ નથી. આજે સુરતના પીપલોદ ખાતે એક સ્વિમિંગ પુલમાં આ રેકોર્ડ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અદ્વૈતે આ રેકોર્ડ પોતાના નામે અંકિત કર્યો હતો.