સુરતના ભેસ્તાન વિસ્તારમાં આવેલી એક દુકાનની અંદરથી સરકારી અનાજનો જથ્થોસુરતમહાનગરપાલિકાની ટીમ દ્વારા કબ્જે કરવામાં આવ્યો હતો. 400 કટ્ટા જેટલું અનાજ દુકાનમાં પડેલું હતું. આ અનાજનું વિતરણ ગરીબ લોકોને કરવાનું હોય છે પરંતુ, તે અનાજ દુકાનમાંથી મળી આવતા કોંગ્રેસ દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને આવેદન આપીને રજૂઆત કરવામાં આવી હતી કે, જે દુકાન પરથી સરકારી અનાજનો જથ્થો પકડાયો હોય તે દુકાનદાર અને માલ લઈ જનાર આ તમામ સામે પોલીસ ફરિયાદ કરી તેની ધરપકડ કરવામાં આવે.જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવેલા કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે, કેન્દ્ર સરકાર તરફથી વિનામૂલ્યે PMGKAY ઘઉં તેમજ ચોખા સપ્ટેમ્બર-2022 સુધી આપવામાં આવનાર છે.
તેમજ રાજય સરકાર તરફથી પણ જથ્થો આપવામાં આવે છે. પરંતુ દુકાનદાર અને અનાજ માફિયાઓની મિલીભગતને કારણે રેશનકાર્ડ ધારકોને વ્યાજબી ભાવની દુકાન પરથી જથ્થો ઓછો આપવામાં આવે છે. તેમજ દુકાનદાર ધ્વારા અનાજ માફિયાઓની મિલીભગતથી જથ્થો એક સાથે સગેવગે કરવાની ફરીયાદ પણ સામે આવે છે.જિલ્લા પુરવઠા અધિકારી તરીકે કાળાબજારી રોકવાની જેમની જવાબદારી છે તેઓ તદ્દન નિષ્ફળ નિવડ્યાં છે. કોંગ્રેસ દ્વારા એવા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે, અનાજની કાળાબજારીમાં સમગ્ર પુરવઠા તંત્ર સામેલ છે અથવા આંખ આડા કાન કરીને અનાજ માફિયાઓને બચાવે છે.કોંગ્રેસ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે, છેલ્લાં બે વર્ષથી સુરત શહેરની જાગૃત જનતાં તરફથી સુરતનાં અલગ અલગ ઝોનમાંથી અનાજની કાળાબજારી પકડી પાડવામાં આવી છે.
ત્યારબાદ પોલીસ દ્વારા અનાજનો જથ્થો પકડી કેસ કરવામાં આવે છે. હાલમાં પણ બે દિવસ પહેલાં જ લિંબાયત વિસ્તારમાંથી 400 કટ્ટા સરકારી અનાજનો જથ્થો પકડવામાં આવ્યો છે. જેથી હાલ વ્યાજબી ભાવની દુકાન ઉપર જથ્થો વિતરણ કરવામાં આવે છે. તે પૂરવઠાની પુરવઠા નિરીક્ષક તેમજ અન્ય સ્ટાફની નિમણુંક કરી જથ્થો કલેક્ટરની અધ્યક્ષતા હેઠળ વિતરણ થાય તેવી વ્યવસ્થા કરવાં વિનંતી છે.કોંગ્રેસની માગણી છે કે, છેલ્લાં બે વર્ષમાં કોરોનાની મહામારી દરમિયાન આજદિન સુધી અલગ અલગ ઝોનમાંથી જે પણ દુકાન પરથી અનાજનો જથ્થો પકડાયો છે. તે તમામ દુકાનદાર અને માલ લઈ જનાર સામે પોલીસ ફરીયાદ કરી તેઓની પાસા હેઠળ ધરપકડ કરવામાં આવે.