સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વૈદિક હોળી નો વ્યાપ વધ્યો
વૈદિક પરંપરાને આધીન ગાયનાં છાણમાંથી બનેલી ગોબરસ્ટીકની મદદથી વૈદિક હોળી પ્રગટાવવાનાં સંકલ્પમાં આ વર્ષે સેંકડો શહેરીજનો જોડાયા છે.2019ની સાલમાં સુરત શહેરમાંથી શરૂ થયેલી ઝુંબેશને દક્ષિણ ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં સહર્ષ આવકાર મળી રહ્યો છે. ‘સંદેશ’ના ઉપક્રમે અને પીપોદરાની એલ.બી.ગૌક્રાંતિ સંસ્થાન દ્વારા શરૂ કરાયેલી સંકલ્પયાત્રાને સુરતવાસીઓએ શાનદાર સ્વીકૃતિ આપી છે. દરમિયાન ગુરુવારે સાંજના સુમારે ઠેરઠેર હોલિકાદહનના કાર્યક્રમો સાથે જ પર્યાવરણના જતન અને ગૌવંશના સંવર્ધન, સ્વાવલંબન માટે પણ અનેરો સંદેશો આપવામાં આવશે.
ગત વર્ષે કોરોના મહામારીના ગ્રહણ સામે આ વર્ષે શહેરીજનોમાં સ્વયંભૂ જાગૃતિ આવતા ગૌશાળાઓ દ્વારા બેથી ત્રણ ગણી વધુ ગોબરસ્ટીક બનાવી હતી. હોળી પર્વના અઠવાડિયા પહેલાથી જ ઇન્ક્વાયરીનો મારો જોવા મળ્યો હતો. તે સાથે જ ગુરુવારે વરાછા, અમરોલી, કતારગામ, અડાજણ, ઉધના સહિતના વિસ્તારોમાં વૈદિક હોળી દૃશ્યમાન થશે. આ નિમિત્તે ગૌશાળા, ગૌપ્રમીઓ દ્વારા ફરીવાર હોળી તો વૈદિક જ પ્રગટાવવાની અને પ્રહ્લાદની જેમ પર્યાવરણ બચાવવાની અરજ કરવામાં આવી છે. ગૌશાળા, ગૌપ્રેમીઓના જણાવ્યા મુજબ, ગૌમયકાષ્ઠથી તૈયાર થતી વૈદિક હોળી પ્રગટાવવાથી ગૌવંશના સ્વાવલંબનનો સંદેશ મળે છે. પર્યાવરણને પણ લાભ થાય છે. વૈજ્ઞાનિક ઢબે જોઇએ તો, ગૌમયકાષ્ઠ પ્રગટાવવાને કારણે વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધે છે. વાતાવરણમાં ઇથીલીન ઓક્સાઇડ, પોપીલીન ઓક્સાઇડ છૂટા પડે છે.
ઓપરેશન થિયેટરમાં બેક્ટેરિયાનો નાશ ખરવા આ બન્ને ઓક્સાઇડનો ઉપયોગ થાય છે. આમ, પર્યાવરણની માવજત માટે પણ વૈદિક હોળી લાભદાયી નીવડે છે.
સુરતના સણિયા કણદે ગામમાં ગૌમાતાના સંવર્ધનના ઉદ્દેશ સાથે ગુરુવારે 5 હજાર કિલો ગોબરસ્ટીકની મદદથી વિક્રમસર્જક વૈદિક હોળીનું દહન થશે. સણિયા કણદે કરાડવા ગ્રૂપ પંચાયતના યુવા સરપંચ દ્વારા આસપાસના ગામ ફરીને ગ્રામવાસીઓને વૈદિક હોળી જ પ્રગટાવવા માટેનું જાગૃતિ અભિયાન પણ છેડવામાં આવ્યું છે. યુવા સરપંચ જશપાલસિંહ સોલંકીએ જણાવ્યું હતંુ કે, 21મી સદી હિન્દુસ્તાનની સદી કહેવાશે. તે સમયે ગાય, ગંગા અને ગીતાના રક્ષણ માટે યુવાનોએ આગળ આવવું પડશે. જો યુવાનો આગળ નહીં આવે, તેમનું રક્ષણ નહીં કરીએ તો સંસ્કૃતિને મોટું નુકસાન થશે. યુવાનોમાં જાગૃતિ માટે કોસાડ ગામની શ્રાી હરિ ગૌશાળાનાં બટુક ચોવટીયા સાથે મળીને 5 ટનની વૈદિક હોળી પ્રગટાવવાનો સંકલ્પ કર્યો છે. ગાયના એક છાણામાં એક ચમચી ઘી અને એક ચમચી ચોખા નાંખી હોમવામાં આવતા એક ટન ઓક્સિજન મળે છે. તે સામે 5 ટન વૈદિક હોળીથી વિપુલ માત્રામાં ઓક્સિજન મળશે. વાયુનું શુદ્ધીકરણ થશે.