સુરેન્દ્રનગર જિલ્લાના કોટડા ગામના રોહિતભાઈ જીડીયા તમિલનાડુ નૌ સેનામાં ફરજ બજાવતાં વીર જવાન શહીદ થતા ગામમાં શોકનો માહોલ
હાલ કોટડા ગામના 7 જેટલા જવાનો નૌસેના, ભૂમિદળ, BSF, સહિતની દેશ માટે સેવાઓ આપી રહ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ રહ્યા છે. ત્યારે ત્રણ વર્ષ પહેલા ભારતીય નૌ સેનામાં જોડાયેલા કોટડા ગામના યુવાન રોહિતભાઇ જીડિયા કે જેઓ હાલ તમિલનાડુ ખાતે નેવલ બેઝ પર INS કટ્ટાબોમન પર ફરજ બજાવતા હતા. જેઓનું ફરજ દરમિયાન જવાનનું આકસ્મિક અવસાન થયાની જાણ થતાં પરિવાર સાથે સમગ્ર ગામમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. યુવાન રોહિતભાઈ જીડીયાના નશ્વર દેહને લઇ નૌ સેનાના જવાનો સાયલા પહોંચ્યા હતા. ત્યાંથી લઈ તેમના ગામ કોટડા સુધી સેંકડો લોકો બાઇક, કાર લઇને જોડાયા હતા. શહીદ યુવાનને વિરાંજલી આપવા માટે રૂટ પરના ગામોમાં શાળાના બાળકો, ગ્રામજનો ઠેર ઠેર પુષ્પ લઈને ઊભા રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. કોટડા ગામે યુવાનના ઘરે તેમજ અંતિમ ધામે સેનાના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું તેમજ સાયલા – ધજાળા પોલીસના અધિકારીઓ, સેનાના નિવૃત જવાનો તેમજ પરિવારજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઇ હતી. શહીદ થયેલા જવાન રોહિતભાઇના નશ્વર દેહને ઘરે લાવવા સમયે હૃદયથી ભાંગી પડેલા માતા પિતા તેમજ ખાસ કરીને તેમના સગર્ભા પત્ની સહિતના લોકોના હૈયાફટ રુદનથી હાજર લોકોની આંખો પણ ભીની થઇ જવા પામી હતી. અંતિમ સંસ્કાર સમયે વંદેમાતરમ, ભારત માતા કી જય અને રોહિતભાઇ અમર રહોના નારા સાથે શહીદને અંતિમ વિદાય આપવા વખતે વાતાવરણ ગમગીન બની ગયું હતું.
શહીદ યુવાન ત્રણ ભાઈઓમાં સહુથી મોટા હતા
યુવાન રોહિતભાઇ તેમના પરિવારમાં ત્રણ ભાઈઓમાંથી મોટા હતા તેમજ દોઢ માસ પહેલા જ તેઓ રજા પર વતનમાં આવ્યા હોવાનું કુંટુંબી સ્વજન અને રાજકીય સામાજિક આગેવાન નાગરભાઇ જીડીયાએ જણાવ્યું હતું. આશાસ્પદ યુવાનના આકસ્મિક મોતથી સહુથી મોટો આઘાત તેમના સગર્ભા પત્નીને લાગ્યો હતો. ત્યારે પોતાના સંતાનનાં અવતરણ પહેલા જ પિતાનું અવસાન થતા પરિવાર શોકમગ્ન બની ગયો હતો.
અધિકારીઓ, આગેવાનોએ શહીદને શ્રદ્ધાંજલિ અર્પી
શહીદ રોહિતભાઇ મશરુંભાઇ જીડિયાની અંતિમ યાત્રા સમયે તેમને પોલીસ અધિકારીઓ, રાજકીય, સામાજિક આગેવાનો, નિવૃત્ત સૈન્ય જવાનો, મામલતદાર સહિતના અગ્રગણ્ય લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
સાયલા પંથકના યુવાનોમાં સેના પ્રત્યે રુચિ વધી રહી છે
ઝાલાવાડના સાયલા તાલુકામાં આવેલ ગામોમાંથી યુવાનો તેમજ યુવતીઓમાં શિક્ષણ સાથે સૈન્ય તથા પોલીસમાં ભરતી થઈ દેશ સેવા કરવા માટેની રુચિ વધી રહી છે. ત્યારે શહીદ યુવાનના વતન કોટડા ગામના સાત જેટલા યુવાનો હાલ નૌસેના, ભૂમિદળ તેમજ બીએસએફ સહિતમાં સેવાઓ આપી રહ્યા છે.