હારીજ શહેરમાં ગટર–રોડની બેફામ અવ્યવસ્થા.

ખુલ્લાં ગટરના ખાડામાં કાર ખાબકતા નાગરિકોનો ગુસ્સો ફાટી નીકળ્યો, તંત્રની બેદરકારી સામે ઉગ્ર પ્રશ્નો.

હારીજ શહેરમાં ગટર–રોડની બિસ્માર હાલત -બેદરકારી ચરમસીમાએ: ખુલ્લાં ગટરના ખાડામાં કાર ખાબકી, નાગરિકોમાં ભારે રોષ

પાટણ હારીજ શહેરમાં ગટર અને રોડની અવ્યવસ્થા હવે એટલી ગંભીર બની ગઈ છે કે સામાન્ય તકલીફો હવે સીધા જોખમમાં ફેરવાઈ રહી છે. શહેરના મેન બજાર સહિતના અનેક વિસ્તારોમાં ગટરનાં ઢાંકણ લાંબા સમયથી તૂટેલા અને ખતરનાક રીતે ખુલ્લાં પડેલા જોવા મળે છે, જેના કારણે નાના–મોટા અકસ્માતોની ભીતિ નાગરિકોમાં સતત વધતી જાય છે. અનેક રજૂઆતો, ફરિયાદો અને જોખમ સૂચક પરિસ્થિતિઓ હોવા છતાં નગરપાલિકાની કામગીરીમાં કોઈ ગતિ દેખાતી નથી, જેને કારણે નાગરિકોમાં અસંતોષ સાથે ગુસ્સાનો માહોલ છવાયો છે.

 

ત્રણ દિવસ પહેલાં બનેલી ઘટના શહેરની બેદરકારીને ઉજાગર કરતાં વધુને વધુ ચિંતાજનક હતી. મેન બજારમાં તૂટેલા ગટર ઢાંકણને કારણે એક કાર સીધી ગટરનાં ખાડામાં ખાબકી ગઈ હતી, જેના દ્રશ્યો જોઈ લોકોમાં આંચકો ફેલાયો હતો. સદભાગ્યે જાનહાનિ ટળી હતી, પરંતુ આ બનાવે શહેરની સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે. નાગરિકો પૂછે છે કે શું તંત્ર મોટા અકસ્માતની રાહ જોયા બાદ જ હરકતમાં આવશે કે શહેરના જીવનમૂલ્યને એવુ જ જોખમમાં મૂકી રાખશે?

નાગરિકોના જણાવ્યા પ્રમાણે નગરપાલિકાએ તાજેતરમાં નવા ગટર ઢાંકણ મંગાવ્યા છે, પરંતુ તેને યોગ્ય જગ્યાએ મૂકવાની કામગીરી અધવચ્ચે અટવાઈ ગઈ છે. નવા ઢાંકણો રોડની બાજુએ ધૂળ ખાતા પડ્યા છે જ્યારે ખૂલેલા અને જોખમકારક ગટરનાં ખાડા તેમ જ સ્થિતિમાં ઉભા છે. નાગરિકો આને માત્ર બેદરકારી નહીં પરંતુ તંત્રની જવાબદારી પ્રત્યેની ઉદાસીનતા અને તંત્રના વ્યવસ્થાપનના અભાવનું સ્પષ્ટ ઉદાહરણ ગણાવે છે.

મેન બજારમાં હાલની સ્થિતિ વધુ ભયાનક બની રહી છે, કારણ કે ગટરમાંથી ગંદુ પાણી સતત ઉભરાઈ રહ્યું છે. વેપારીઓ, દુકાનદારો અને ગ્રાહકોને રોજિંદું આવનજાવન મુશ્કેલ બની ગયું છે, દુકાનોમાં દુર્ગંધ, મચ્છર–માખી અને ગંદકીના કારણે વેપારમાં સીધી અસર દેખાઈ રહી છે. વેપારીઓનો આક્ષેપ છે કે લાંબા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ કાયમી ઉકેલ માટે તંત્ર પ્રત્યક્ષરૂપે આગળ આવ્યું નથી. “અમને દુકાન ચલાવવામાં તકલીફ તો પડે જ છે, પણ ગંદકી અને દુર્ગંધમાં વ્યવસાય ચાલવો મુશ્કેલ બન્યો છે,” એમ વેપારીઓનું કહેવું છે.

 

શહેરના રસ્તાઓની વાત કરીએ તો હારીજના મુખ્ય માર્ગો હાલમાં ગાડા–ખાડાઓથી ભરાયા છે. રાત્રિ દરમિયાન વાહનચાલકોને જોખમ વધુ વધી જાય છે. નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા યોગ્ય મટિરિયલના બદલે કચરો અને કપચાં વડે કામચલાઉ સમારકામ કરીને માત્ર દેખાવ પૂરું કરે છે, જેના કારણે થોડા દિવસોમાં જ ખાડા ફરી ઊભા થાય છે. વાહનચાલકોને ટાયર, સસ્પેન્શન અને અન્ય મરામત માટે ભારે ખર્ચ વેઠવો પડે છે, સાથે અકસ્માતોની શક્યતાઓ પણ વધી જાય છે.

ટેક્સ સમયસર ચૂકવનારા નાગરિકો હવે ખુલ્લેઆમ સવાલ કરી રહ્યા છે કે શહેરની મૂળભૂત સુવિધાઓનો લાભ તેઓ ક્યારે મેળવે? બજેટ, ટેન્ડર અને વિકાસના દાવા કાગળોમાં પૂરતા રહ્યા છે, પરંતુ જમીન પર સુધારો જોવા મળતો નથી. નાગરિકોનું કહેવું છે કે તંત્રને ગટર, રસ્તા અને સ્વચ્છતા બાબતે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે, નહીં તો સતત વધતી આ સમસ્યાઓ હારીજ શહેરના વિકાસને પાછળ ધકેલી દેશે.

હારીજ શહેરના નાગરિકોની એક જ માંગ છે—શહેરમાં ગટર ઢાંકણ તાત્કાલિક બદલવામાં આવે, ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે, રસ્તાઓનું ગુણવત્તાવાળું સમારકામ કરવામાં આવે અને દરેક પ્રકારના કામમાં પારદર્શિતા સાથે જવાબદારી નક્કી કરવામાં આવે. નાગરિકો સ્પષ્ટ કહે છે કે વિકાસના દાવા ત્યારે જ માન્ય બનશે જયારે તંત્ર વાસ્તવિકતા સાથે કાર્ય કરશે અને શહેરની મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવશે.

samay sandesh
Author: samay sandesh

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

રાશિફળ
શુ તમને ચૂંટણીમા રસ છે. ?