વર્ષો પહેલા ગાંધીજીએ આ મંદિરમાં રાતવાસો કર્યો હતો: મંદિરમાં 12 જ્યોર્તિલિંગની પણ સ્થાપના કરાઇ છે: શ્રાવણમાસમાં રોજ અવનવા શણગારો કરાય છે શિવને: કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઇન્સના પાલન સાથે ભક્તોને દર્શનની છૂટ.
જામનગર જિલ્લામાં અનેક શિવાલયો આવેલા છે અને આ દરેક શિવમંદિર કઇંક રસપ્રદ ઇતિહાસ ધરાવે છે. આજે જાણીએ જામનગરના બેડ ગામે આવેલ બેડેશ્વર મહાદેવના રસપ્રદ ઈતિહાસ વિષે.
જામનગર શહેરના બેડ ગામની મધ્યમાં બેડેશ્વર દાદાનું પ્રાચીન ભવ્ય શિવ મંદિર છે. જેમાં સ્વયંભૂ બેડેશ્વર મહાદેવ બીરાજમાન છે. આશરે 550 વર્ષ પહેલા અહીં શિવલિંગ સ્વયંભૂ પ્રગટ થઈ હતી. મહાદેવ આપોઆપ પ્રગટ થયા હોવાથી ભક્તોમાં અનેરી શ્રદ્ધા છે. રોજે શિવના દર્શનાર્થે અનેક ભક્તો ઉમટી પડે છે. તેમાં પણ શ્રાવણમાસમાં તો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે.

પરંતુ હાલ ચાલી રહેલી કોરોના વાઇરસની મહામારીના પરિણામે મંદિરમાં માત્ર બે-બે ભક્તોને દર્શન કરવાની છૂટ આપવામાં આવે છે. અને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. શ્રધ્ધા અને ભાવપૂર્વક દાદાના દર્શનથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. શ્રાવણ માસમાં મંત્રોચ્ચાર સાથે જલાભિષેક, ઉતર પૂજન, દિપમાલા કરવામાં આવે છે. શ્રાવણ માસના દર સોમવાર તથા સાતમ-આઠમ, અમાસના દિવસે મહાદેવને વિવિધ પ્રકારના શણગાર અને ભોગ ધરવામાં આવે છે.
મંદિરના પૂજારી ભાવેશગીરી અરવિંદગીરી ગૌસ્વામી સાથેની વાતચિતમાં તેઓએ જણાવ્યુ હતું કે મંદિરમાં મહાદેવની શિવલિંગ ઉપરાંત બાજુમાં ભારતના નકશા સાથે 12 જ્યોર્તિલિંગ બનાવવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં ભવાનીમાં, શીતળામાં, બાલકૃષ્ણ, કાળભૈરવ, બટુકભૈરવ અને રાધાક્રુષ્ણના પણ મંદિર આવેલ છે. અને પૂર્વજોની સમાધિ પણ આવેલી છે.
વર્ષો પહેલા જ્યારે ગાંધીજી પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે જામનગરના બેડ ગામે આવેલ આ શિવાલયમાં તેઓએ રાતવાસો પણ કરેલ હતો. દરેક ભક્તોના આકર્ષણના કેન્દ્ર બેડેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણમાસમાં વિવિધ પ્રકારના ભોગનું પણ આયોજન કરવામાં આવે છે. જેના દર્શનાર્થે અનેક ભક્તોની દરવર્ષે ભીડ ઉમટી પડે છે અને સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવના દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવે છે.