સુરત : મહિલા સશક્તિકરણ અભિગમ અંતર્ગત સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ
(નારીશક્તિને સન્માનવાનો આ અવસર એટલે પ્રકૃતિની એક અનોખી શક્તિને વંદન કરવાનો અવસર : યોગેશ પટેલ મહામંત્રી, સુ.જિ. ભાજપા)
પ્રવર્તમાન સમયમાં રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓએ પોતાની ક્ષમતા પુરવાર કરી રહી છે. આ હકીકતને વેગ આપવા તથા મહિલા ઉત્થાન અને સન્માનનાં શુભ હેતુસર સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ઓલપાડ તાલુકાનાં માસમા ગામ સ્થિત HNV ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું.
આગામી મહિલાદિનની ઉજવણીનાં ભાગરૂપે યોજાયેલ આ ટુર્નામેન્ટમાં સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતી શિક્ષિકા બહેનોએ ઉત્સાહ અને ગૌરવભેર ભાગ લીધો હતો. ‘સ્ત્રી સશક્તિકરણ કપ – 2023’ નામક આ ટુર્નામેન્ટ કુલ સાત ટીમો (ચોર્યાસી, પલસાણા, ઉમરપાડા, ચોર્યાસી, ઓલપાડ, મહુવા, કામરેજ) વચ્ચે રમાડવામાં આવી હતી. જેનું ઉદ્દઘાટન સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઇ મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી તથા દંડક કિરણભાઈ પટેલનાં સંયુક્ત હસ્તે કરવામાં આવ્યું હતું. ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોરે ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયતનાં પ્રમુખ અમિતભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ મુકેશભાઈ પટેલ, શાસક પક્ષનાં નેતા વનરાજસિંહ બારડ, ટીશર્ટનાં દાતા નઝીરભાઈ મિર્ઝા, ટ્રોફીનાં દાતા પ્રવિણભાઈ મકવાણા (પ્રમુખ, ભાજપા એસ.સી. મોરચો) તથા સેજલબેન રાઠોડ (કેન્દ્રાચાર્યા, સાયણ), હેમેન્દ્રસિંહ વાંસિયા (LIC એજન્ટ) ઉપરાંત અરવિંદ ચૌધરી, રીના રોઝલીન, દિનેશ ભટ્ટ, ઇમરાનખાન પઠાણ, અનિલ ચૌધરી સહિતનાં જિલ્લા સંઘનાં હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
સમાપન સમારોહમાં ઉપસ્થિત સુરત જિલ્લા ભાજપા મહામંત્રી યોગેશભાઈ પટેલે મહેમાનો, ખેલાડીઓ તથા દર્શકો સંબોધતા જણાવ્યું હતું કે વર્ષોથી સામાજિક, ધાર્મિક તેમજ અન્ય દબાણો વચ્ચે ઘેરાયેલી સ્ત્રી આજે નવી કેડી કંડારીને સ્વતંત્રતા, સમાનતા અને વિકાસનાં આકાશમાં ઉડાન ભરી રહી છે. તેમણે આજનાં આ ‘વિશિષ્ટ’ આયોજન બદલ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં હોદ્દેદારોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતાં.
આ પ્રસંગે તાલુકા પંચાયતનાં પ્રમુખ અમિતભાઈ પટેલે પોતાનાં ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં મહિલાઓનું દરેક ક્ષેત્રે સશક્તિકરણ કરવાનાં પ્રયત્નો થઇ રહ્યા છે. તેમને સમાનતા, સ્વાયત્તતા અને સન્માન જેવાં અધિકારોથી સંપન્ન બનાવવાની શરૂઆત કુટુંબ, શાળા અને સમાજથી કરવી જોઈએ.
આ ટૂર્નામેન્ટમાં તમામ લીગ મેચોનાં અંતે પ્રથમ સેમિફાઇનલ ઓલપાડ અને પલસાણા વચ્ચે રમાઇ હતી, જેમાં ઓલપાડની ટીમ વિજેતા બની હતી. જયારે બીજી સેમિફાઇનલ મહુવા અને કામરેજ વચ્ચે રમાઇ હતી, જેમાં કામરેજની ટીમ વિજેતા બની હતી. અંતમાં ફાઇનલ મેચ ઓલપાડ અને કામરેજ વચ્ચે રમાઇ હતી. કામરેજની ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 8 ઓવરમાં 3 વિકેટે 61 રન કર્યા હતાં. જે ટાર્ગેટ ઓલપાડની ટીમે 6 ઓવરમાં વિના વિકેટે પાર પાડ્યો હતો. આમ ઓલપાડની ટીમનો 10 વિકેટે ભવ્ય વિજય થયો હતો. ફાઇનલ મેચમાં બેસ્ટ બોલર તરીકે પ્રિતિ પટેલ (અટોદરા), બેસ્ટ બેટ્સવુમન તરીકે અનુરાધા પટેલ (લસકાણા) જ્યારે વુમન ઓફ ધ સીરીઝનો ખિતાબ નેહલ મહિડા (કીમ)એ મેળવ્યો હતો. ચેમ્પિયન ટીમ તથા રનર્સઅપ ટીમને ઉપસ્થિત મહેમાનોનાં હસ્તે ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી.
ટુર્નામેન્ટ વિવિધ મેચોમાં અમ્પાયર તરીકે બકુલેશ પટેલ, મનોજ પટેલ, રાકેશ પટેલ, વિપુલ ત્રિવેદી તથા વિવેક બુટવાલાએ ઉત્કૃષ્ટ સેવા બજાવી હતી. કોમેન્ટરર તરીકે યાસીન મુલતાનીએ સેવા આપી હતી. પ્રારંભથી અંત સુધી ઉદઘોષક તરીકે સીથાણનાં સી.આર.સી. કો-ઓર્ડિનેટર રાકેશ મહેતાએ ફરજ બજાવી હતી. અંતમાં સૌ મહિલા ખેલાડીઓનો આભાર વ્યક્ત કરતાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે આવનારા દિવસોમાં પણ આજ રીતે આત્મવિશ્વાસ સાથે દરેક ક્ષેત્રે પડકારો ઝીલવા આહવાન કર્યું હતું. એમ જિલ્લાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.