રાજકોટ : સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકામાં ૪ તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી પુર ઝડપે: જસદણ વિંછીયા વિસ્તારમાં પાણી વિતરણ માટે ૨૮ માઈક્રો ઈરીગેશન યોજનાઓ અને ૮ કેનાલ કાર્યરત
બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદને સ્પર્શતો રાજકોટ જિલ્લાનો વિંછીયા તાલુકો સર્વાંગી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. ઓછો વરસાદ ધરાવતા આ વિસ્તારની જમીન કઠણ અને પથરાળ હોવાથી આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ ઓછો થઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ વિસ્તારમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને સીંચાઈ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના માર્ગદર્શન હેઠળ પાણી પુરવઠા વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓએ તળાવોને ઊંડા કરવા તેમજ પાળાઓ મજબૂત કરવાનું કામ એકદમ ત્વરાથી કરવામાં આવી રહ્યુ છે. જસદણ વિંછીયા વિસ્તારમાં કૂલ ૨૮ જેટલી માઈક્રો ઈરીગેશન યોજનાઓ કાર્યરત છે અને ૮ જેટલી કેનાલ થકી આ વિસ્તારોમાં પાણી પુરુ પાડવામાં આવે છે.
વિંછીયાથી લગભગ ૯ કિલોમીટરના અંતરે આવેલ જનડા ગામની અંદાજિત વસ્તી ૩૦૦૦ની છે. આ ગામના પાદરમાં આવેલ તળાવને ઊંડા કરવાનું કામ છેલ્લા ૧ મહિનાથી સતત ચાલુ છે. અહીં નાના તળાવને વિસ્તારિત કરીને ઉંડાઇ વધારવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. લગભગ ૫ ફુટ જેટલી પાળ બંધાયેલ હતી, તેના ઉપર માટી નાંખીને પાળને લગભગ ૧૩થી ૧૫ ફૂટ ઉંચી કરવામાં આવી રહી છે. આ પાળ લગભગ ૧૦ ફૂટ જેટલી પહોળાઇ સાથે મજબૂત રીતે પાણીને રોકી શકે તેવી છે. તળાવની કેપેસિટી ૦.૭૧ એમ.સી.એફ.ટી. હતી, જે આ કામ પૂર્ણ થયે લગભગ ત્રણ ગણી એટલે કે ૨.૧૦ એમ.સી.એફ.ટી. થશે.
જનડા ગામના સરપંચશ્રી સંજયભાઇ બાવળીયા જણાવે છે કે, લગભાગ ૩૫-૪૦ વર્ષ જૂના આ તળાવને ઊંડુ કરવાની અને પાળ મોટી કરવાની કામગીરી પ્રથમ વાર કરવામાં આવી રહી છે. ખોદકામથી નીકળતી માટી સરકારી મશીનરી દ્વારા ખેડુતોને મફતમાં ભરી આપવામાં આવે છે.
ખેડૂતો સ્વખર્ચે દરરોજ લગભગ ૨૦૦ ફેરા ટ્રેક્ટરના કરીને આ અમૂલ્ય માટી તેમના ખેતરમાં પાથરવા માટે લઇ જાય છે. બે વર્ષથી આ વિસ્તારમાં ટપક પદ્ધતિથી વૃક્ષો ઉછરી રહ્યા છ. ચોમાસામાં તળાવ ભરાતાં આવતા વર્ષે ઉનાળુ પાક પણ લઇ શકાશે અને તળાવના પાણીને લીધે તળ ઉંચા આવતાં પીવાના પાણીમાં પણ લાભ થશે. હાથસણી, અમરાપુર, દેવળીયા, વગેરે આસપાસના ગામોના લગભગ ૨૫૦ જેટલા ખેડુતોને આનાથી ફાયદો થશે.
જનડા ગામના ખેડુત મનસુખભાઇ જણાવે છે કે તળાવ ખોવાનીની કામગીરીથી અમને ખુબ ફાયદો થયો છે. સરકારી ખોદકામના મશીનોથી અમને દરરોજના ૩૦ ટ્રેક્ટરથી ૨૦૦ ફેરા જેટલી માટી મળે છે. જે હું મારી ૭-૮ વિઘા જમીનમાં પાથરૂં છું. માટી મને કોઇ પણ જાતના ખર્ચા વગર મને મળી શકી છે, જેનાથી મારી જમીનની ગુણવત્તા સુધરશે, અને પાણી મળવાથી ઊપજ અને આવકમાં વધારો થશે.
દરેક જગ્યાએ બે બુલડોઝર અને બે ટ્રક તેમજ અન્ય જરૂરી મશીનરી દ્વારા સમગ્ર દિવસ દરમ્યાન આ કામ કરવામાં આવી રહ્યું છે. તળાવોમાંથી નીકળતો ફળદ્રુપ કાંપ ગામના ટ્રેક્ટરો વિનામુલ્યે ભરી દઇને ખેતરમાં ભરવા માટે ખેડુતોને આપવામાં આવી રહયો છે, જેથી તેમના ખેતરોની ફળદ્રુપતામાં વધારો થઈ શકે. જનડા, પીપરડી, રેવાણીયા ખાતેના તળાવોને ઊંડા કરવા તેમજ માટીપાળાનું મરામત કામ થઇ રહ્યુ છે.
પીપરડી ગામ અંદાજિત ૯ હજારની વસતી ધરાવે છે અને વિંછીયાથી લગભગ ૧૦ કિલોમીટરના અંતરે આવેલ છે. પીપરડી ગામ પાસે આવેલ તળાવ આખા ગામની ખેતી માટે પાણીનો મોટો સ્ત્રોત છે. આ તળાવને ઉંડું અને વિસ્તારિત કરવામાં આવી રહ્યુ છે, તેમજ તે માટે તળાવની બાજુમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનને સ્થળાંતરિત કરીને થાંભલાની જગ્યાએ નવું ખોદકામ કરીને તળાવને વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. લગભગ ૧૫ દિવસથી આ તળાવ ખાતે કામગીરી ચાલુ છે. તળાવની કેપેસિટી ૧.૦૬ એમ.સી.એફ.ટી. હતી, જે આ કામ પૂર્ણ થયે ૧.૮૫ એમ.સી.એફ.ટી. થશે.
આ તળાવોથી ખેડુતોને પીવાનાં અને સિંચાઈનાં પાણી માટે સીધો લાભ થશે તેમજ વરસાદની ઋતુમાં સારો વરસાદ થતાં આ તળાવોમાં પાણી ભરાવાથી તળાવની આસપાસની આશરે ૨૫-૫૦ હેક્ટર જમીનનાં ભુગર્ભ જળનાં તળ ઉંચા આવશે અને ખેડુતો વર્ષમાં એકથી વધુ પાક લઈ શકશે. ખેડુતો ઉપરાંત ગ્રામજનોને પણ આડકતરી રીતે આ કાર્ય લાભ કરે છે. જગના તાતને પાણી પુરૂ પાડીને સિંચાઇની સમસ્યાઓ દૂર કરીને વિંછીયા તાલુકાની ધરતીને સુજલામ સુફલામ કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.