રાજકોટ : જેતપુરમાં મહિલાના ગળામાંથી સોનાના ચેનની ચીલઝડપ કરનાર ત્રણ શખ્સોને ગ્રામ્ય એલ.સી.બી એ ઝડપી લીધા
રાજકોટ જિલ્લાના જેતપુરમાં શુક્રવારે સાંજે ચાલવા નીકળેલ મહિલાના ગળામાંથી સોનાના ચેનને ઝૂંટવી ચીલઝડપના ગુનામાં રાજકોટ ગ્રામ્ય એલ.સી.બી. પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી સોનાનો ચેન તેમજ વાહન અને રોકડ સહીત કુલ ૧.૧૨ લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ગત ૨૪ માર્ચને શુક્રવારના રોજ સાંજના ૬:૦૦ વાગ્યાનાં સુમારે જેતપુરના શાંતીનગર સોસાયટીમાં ચાલવા નિકળેલા એક મહિલાના ગળામાંથી બાઇક પર ડબલસવારીમાં આવેલા શખ્સોએ સોનાની ચેનની ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા. જે બાદ અલગ અલગ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમિયાન રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીની ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે કપીલ ઉર્ફે ટીનો નીમાવત (રહે. ધોરાજી) તેના સાગરીતો સાથે વિરપુરથી જેતપુર તરફ આવવાનો છે. જેથી જેતપુર ધારેશ્વર વિસ્તારમાં જેતપુરમાં પ્રવેશ કરતા રસ્તે વોચ ગોઠવી કપીલ ઉર્ફે ટીનો દયારામ નીમાવત તથા તેના બે સાગરીત રસિક પરમાર અને અજય પરમારને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે એક બાઇકમાં ત્રણ સવારી બેસી આવતા આરોપીઓને પકડી અંગ ઝડતી લઇ તપાસ કરતા તેના પાસેથી એક સોનાનો ચેઇન મળી આવેલી જે અંગે આધાર પુરાવા માંગતા આરોપીઓ ગલ્લા તલ્લા કરવા લાગેલ અને તેઓની આગવી ઢબે પુછપરછ કરતા આ ચેઇન ગઇ ૨૪ માર્ચના રોજ સાંજના મહીલાના ગળામાંથી ઝુંટવીને લઇ ગયેલ હોવાની કબુલાત આપી હતી.
આરોપીઓ પાસેથી સોનાનો ચેન, મોટરસાઇકલ અને રોકડ રકમ મળી કુલ ૧.૧૨ લાખનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી અજય પરમાર અગાઉ રાજકોટ શહેરમાં ૧૫ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તેમજ કપિલ ઉર્ફે ટીનો નિમાવત જામનગર, રાજકોટ, જેતપુર અને ધોરાજી મળી કુલ ૧૬ જેટલા ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. જયારે રસિક પરમાર જામનગરમાં ડબલ મર્ડરના ગુનામાં તેમજ પોરબંદરમાં ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું છે.