હાથીના ભૂતપૂર્વ માલિકો અને મહાવતો વનતારામાં રોજગારની તકો દ્વારા નવી આજીવિકા અપનાવશે
જામનગર, ગુજરાતઃ દીર્ઘદૃષ્ટા પરોપકારી અનંત અંબાણીએ સ્થાપેલી અત્યાધુનિક એનિમલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સંસ્થા, વનતારા અરુણાચલ પ્રદેશની શોષણકારી લોગિંગ ઇન્ડસ્ટ્રીમાંથી મુક્ત કરાયેલા 20 હાથીઓ – 10 નર, 8 માદા, 1 અલ્પ-પુખ્ત અને એક બાળ હાથીને આવકારવાની તૈયારી કરી રહ્યું છે. આ બચાવ કામગીરી ત્રિપુરા હાઈકોર્ટ દ્વારા રચવામાં આવેલી અને ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા અનુમોદિત હાઇ-પાવર્ડ કમિટીની મંજૂરી સાથે પ્રાણીઓના વર્તમાન માલિકોની સંપૂર્ણ સંમતિ સાથે હાથ ધરવામાં આવી છે. આ હાથીઓને ટૂંક સમયમાં વનતારામાં તેમનું કાયમી ઘર મળશે, જે કુદરતી રીતે તેમના મૂળ નિવાસસ્થાનને પ્રતિબિંબિત કરે છે, જ્યાં તેઓ સાંકળના બંધન વિના જીવશે અને તેમને ક્યારેય મજૂરી માટે ફરજ પાડવામાં આવશે નહીં.
બચાવી લેવાયેલા હાથીઓમાં એક લક્ષ્મીનો સમાવેશ થાય છે, જે 10 વર્ષની કેદમાં જન્મેલી અલ્પ-પુખ્ત વયની છે અને તે ઊંડા, સારવાર નહીં કરાયેલા ઘાને કારણે તેના પાછળના પગ પર વજન સહન કરવા માટે સંઘર્ષ કરી રહી છે, ઉપરાંત તેના અત્યંત સંવેદનશીલ જમણા કાન પિન્નામાં એક ઇંચના વ્યાસના તાજા ઘાથી પણ પીડાઈ રહી છે. આ બંને ઘા તેના પર માનવ વર્ચસ્વ સ્થાપિત કરવા માટેની ક્રૂર ટેમિંગ પ્રોસેસ દરમિયાન કરવામાં આવ્યા હતા. બે વર્ષની અને કેદમાં જન્મેલી બાળ હાથણી માયાને તેની માતા રોંગમોતી સાથે બચાવી લેવામાં આવી હતી, જેણે લાંબા સમય સુધી લોગીંગનું કામ કરવાથી છાતી અને નિતંબ પર સતત ભારેખમ વજન ઉંચકવાથી થતાં જખમ સહન કર્યા હતા. એક સંપૂર્ણ પુખ્ત હાથી રામુ તેના 4-6 મહિનાના આક્રમક થવાના સમયગાળા મુસ્ટ પીરિયડ દરમિયાન તેને નિયંત્રિત કરવા માટે તેના આગળના અને પાછળના પગને સાથે સખત રીતે બાંધી રાખવામાં આવ્યા હતા અને તેના પરિણામે તે સખત શારીરિક અને માનસિક તકલીફમાં રહ્યો હતો. વધુ એક પુખ્ત હાથી બાબુલાલ ભોજન સામગ્રી શોધવા દરમિયાન જંગલી પુખ્ત હાથી સાથેના સંઘર્ષને કારણે ગંભીર રીતે તૂટેલી અને લોહી નીકળતી પૂંછડીની વેદનાથી પીડાય છે. લાંબો સમય કેદમાં રહેવાના કારણે પોતાનો બચાવ કરવા માટેની જરૂરી કુદરતી આવડતો તે ભૂલી ગયો હતો.
હાથીઓ માટે આજીવન સંભાળ પૂરી પાડવા ઉપરાંત, આ પ્રોજેક્ટ વનતારા ખાતે હાથીના માલિકો, મહાવતો અને તેમના પરિવારો માટે આજીવિકાની નવી તકો પૂરી પાડે છે. મહાવતો અને સામેલ અન્ય લોકો હાથીઓના સંચાલન માટેની માનવીય અને વૈજ્ઞાનિક રીતે સમર્થિત પદ્ધતિઓમાં સઘન તાલીમ મેળવશે, હાથીઓ માટે દયાળુ સંભાળનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે અને આ અભિગમને સમર્થન આપવા માટે જ્ઞાન અને કૌશલ્યો સાથે તેમની સંભાળ રાખનારાઓને સશક્ત બનાવશે.
આ સંસ્થાએ વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટ, 1972 હેઠળ તમામ જરૂરી દસ્તાવેજો મેળવ્યા છે, જેમાં ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અને અરુણાચલ પ્રદેશ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસેથી ટ્રાન્સપોર્ટ પરમિટ મેળવવાનો સમાવેશ થાય છે. હાથીઓને ખાસ ડિઝાઇન કરાયેલી એલિફન્ટ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવશે, જેમાં બચ્ચું માયા તેની માતા સાથે મુસાફરી કરશે.
હાથીના પશુચિકિત્સકો, પેરાવેટ્સ, સિનિયર કેરટેકર્સ અને વનતારાના એમ્બ્યુલન્સ ડ્રાઇવરોનો સમાવેશ કરતી 200થી વધુ નિષ્ણાતોની સમર્પિત ટીમ સખત પરિવહન માર્ગદર્શિકાઓ અને પ્રાણી કલ્યાણ ધોરણોનું પાલન કરવાની સાથે પ્રાણીઓના સલામત અને અનુપાલન પરિવહનની ખાતરી કરશે.
આઇયુસીએન/એસએસસી એશિયન એલિફન્ટ સ્પેશિયાલિસ્ટ ગ્રૂપની દ્વિવાર્ષિક જરનલ ગજહમાં 2020માં પ્રકાશિત થયેલું એક સંશોધન પત્ર દર્શાવે છે કે અરુણાચલ પ્રદેશમાં નોંધપાત્ર સંખ્યામાં ખાનગી માલિકીના હાથીઓ કેદમાં ઉછેરવામાં આવે છે. આ હાથીઓને ઘણીવાર જંગલી વિસ્તારોની નજીકમાં રાખવામાં આવે છે, જ્યાં બંધક હાથીઓ જંગલી પુખ્ત હાથીઓના સંપર્કમાં આવે છે. જોકે, હાથીઓની ખાનગી માલિકી ઘટી રહી છે, કારણ કે લોગિંગ પર પ્રતિબંધને પગલે વનસંવર્ધન કામગીરીમાં તેમના ઉપયોગની માંગ પણ ઘટી છે.
નમસાઈના ડિવિઝનલ ફોરેસ્ટ ઓફિસર શ્રી તબાંગ જામોહે પુષ્ટિ કરી હતી કે, “અરુણાચલ પ્રદેશમાં લગભગ 200 બંધક હાથીઓની સક્રિય સંવર્ધન વસ્તી સાથે, તેમના આરોગ્ય અને કલ્યાણની નજીકથી દેખરેખ રાખવા માટે ડીએનએ પ્રોફાઇલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત કમિટીના નિર્દેશ મુજબ વનતારા ખાતેના રાધે કૃષ્ણ ટેમ્પલ એલિફન્ટ વેલફેર ટ્રસ્ટમાં 20 હાથીઓની ટ્રાન્સફર આ પ્રાણીઓના ઉજ્જવળ ભવિષ્યની ખાતરી આપે છે. આ પહેલ સ્થાનિક સમુદાયોને વૈકલ્પિક આજીવિકા પૂરી પાડવાની સાથે પ્રાણી કલ્યાણમાં વધારો કરે છે, એ સાથે સંરક્ષણ, સામુદાયિક સુખાકારી અને વન સંરક્ષણ વચ્ચે સંતુલન જાળવી રાખે છે.”
ઇટાનગર બાયોલોજિકલ પાર્કના વેટરનરી ઓફિસર ડો. સોરાંગ તડપે જણાવ્યું હતું કે, “બંદીવાન હાથીઓ ઘણીવાર ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાય છે, જેમાં કઠોર શ્રમ, તાલીમ અને લાંબી સાંકળોને કારણે ઇજાઓ, સંધિવા અને માનસિક આઘાતનો સમાવેશ થાય છે. ઘણા બાળ હાથી તાલીમ દરમિયાન પગની ઊંડી ઇજાઓ સહન કરે છે, જ્યારે પુખ્ત વયના હાથી જંગલી હાથીઓ સાથેના સંઘર્ષથી સતત જોખમોનો સામનો કરે છે. ચોવીસ કલાક સંભાળ અને ફિઝિયોથેરાપી પૂરી પાડતી સમર્પિત હોસ્પિટલ સુવિધાઓની તાત્કાલિક જરૂરિયાત છે, જેનો આપણા રાજ્યમાં હાલમાં અભાવ છે. બચાવેલા હાથીઓ માટે અદ્યતન તબીબી સારવાર અને આજીવન સંભાળ પૂરી પાડતી વનતારા જેવી સુવિધાઓ જોવી પ્રોત્સાહક છે, જે તેમના કલ્યાણ માટે એક મહત્વપૂર્ણ માપદંડ સ્થાપિત કરે છે.”
હાથીના માલિકોમાંના એક ચૌ થામસાલા મેઇને આ પહેલની વિશિષ્ટતા પર પ્રકાશ પાડતાં જણાવ્યું કે: “લોગિંગ પર પ્રતિબંધ હોવાથી અમે હવે અમારા હાથીઓનો ઉપયોગ આવી મજૂરી માટે કરવા ઈચ્છતા નથી. અમે ખુશ છીએ કે તેઓ હવે વનતારામાં કાળજીપૂર્વકનું જીવન વિતાવશે. આ પહેલ અમારા બાળકો માટે ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત કરીને અમારા પરિવારો માટે સ્થિર નોકરીઓ અને સ્થિર આવક પણ પૂરી પાડે છે.”
શોષણકારી લોગિંગ ઉદ્યોગમાં હાથીઓને અનેક નુકસાન થાય છે કારણ કે તેઓને ભારે લાકડાં ઉપાડવાની અને કલાકો સુધી અથાક કામ કરવાની ફરજ પાડવામાં આવે છે. તેઓ શારીરિક શોષણ, કુપોષણ, સંધિવા અને તબીબી સંભાળનો અભાવ સહન કરે છે. સતત સાંકળોથી બંધાઈ રહેવાને કારણે તેઓ મુક્ત રીતે ફરવાની અને સ્વાભાવિક કુદરતી વર્તણૂકોથી વંચિત રહે છે. આ કઠોર પરિસ્થિતિઓ ગંભીર મનોવૈજ્ઞાનિક આઘાત પણ આપે છે, જે ઘણી વખત માથુ ધુણાવવાના, હલાવવાના અને ઝુલાવવાની તેમની વર્તણૂકોમાં દેખાઈ આવે છે. તેમનામાં બુદ્ધિ અને સામાજિક પ્રકૃતિ હોવા છતાં આ હાથીઓને મશીન તરીકે ગણવામાં આવે છે, તેમની પ્રતિષ્ઠા અને સુખાકારી છીનવાઈ જાય છે. વનતારા ખાતે તેમને નવજીવન અને હાથીઓની જેમ જીવવાની તક મળશે.