અધિકારીશ્રીઓએ દર્દીઓને અપાતી આયુર્વેદ સેવાઓ તેમજ આરોગ્ય મંદિર ખાતે આવેલ હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ તે અંગેની ઝીણવટભરી માહિતી મેળવી

જામનગર તા.૦૪ એપ્રિલ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હેઠળના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટર(GTMC)ના અધિકારીશ્રીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ અહી દર્દીઓને અપાતી આયુર્વેદ સેવાઓ તથા કાર્ય પદ્ધતિઓ વિશેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.

આ તકે દક્ષિણ કોરીયાથી ઉપસ્થિત રહેલ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારીશ્રી યે રિન પર્ક, ડો.વનિતા તેમજ તેમની ટીમે આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળાની મુલાકાત લઈ આરોગ્ય મંદિર દ્વારા આપવામાં આવતી આયુર્વેદ સેવાઓ વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી તેમજ દવાખાનાના તમામ રેકોર્ડ તેમજ દફતર વર્ગીકરણ તેમજ માસિક રિપોર્ટ વિશે પણ વિગતો મેળવી હતી.સાથે જ દવાખાનામાં ઉપલબ્ધ દવાઓ તેમજ તેમના સ્ટોક મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી હતી.અધિકારીશ્રીઓએ આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળા ખાતેના હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ તેમાં ઉગાડેલ આયુર્વેદિક વનસ્પતિઓ તેમજ તેમના ઉપયોગ વિશે જાણકારી મેળવી હતી અને મુલાકાત દરમિયાન ઓપીડીમાં હાજર રહેલ તમામ દર્દીઓના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.આ તમામ માહિતી મેળવી આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળા દ્વારા લોકોને અપાતી આયુર્વેદ સેવાઓ તેમજ હર્બલ ગાર્ડન અને રેકોર્ડ જાળવણી અને દવાના સ્ટોક મેન્ટેનન્સથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસર શ્રી ડો.જે.પી સોનગરાની કામગીરીને બિરદાવી હતી.