
વિસાવદરના ‘આપ’ ઉમેદવાર ગોપાલ ઇટાલીયા અને સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ચૂંટણી અધિકારીની કરી મુલાકાત.
મતદારયાદીમાં ષડયંત્ર ન થાય અને ભાજપ દ્વારા કોઈ ઘાલમેલ કરવામાં ન આવે તે અંગે પૂરી તકેદારી રાખવી: ગોપાલ ઇટાલીયા
અમદાવાદ/જુનાગઢ/ગુજરાત
હાલ સમગ્ર દેશમાં મતદાર યાદી અને વોટિંગમાં છેતરપિંડીના ઘણા સવાલો ઊભા થઈ રહ્યા છે, ત્યારે આજે આમ આદમી પાર્ટીએ આ મુદ્દે વિસાવદર વિધાનસભાના ચૂંટણી અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી. આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા, પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, હરેશ સાવલિયા, વિપુલ પોંકિયા, મહેન્દ્ર ડોબરીયા, જયંતીભાઈ, મુકેશ રીબડીયા, હરેશ ગળથ સહિત અનેક આગેવાનોએ અને પદાધિકારીઓએ ચૂંટણી અધિકારીની મુલાકાત લીધી.
વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભાના ચૂંટણી અધિકારી એટલે કે ડેપ્યુટી કલેક્ટર વિસાવદરને રૂબરૂ મળીને તકેદારી રાખવા માટે અનુરોધ કર્યો અને કહ્યું કે મતદારયાદીમાં ષડયંત્ર ન થાય અને ભાજપ દ્વારા કોઈ ઘાલમેલ કરવામાં ન આવે તે અંગે પૂરી તકેદારી રાખવી, જેનાથી આવનારી વિસાવદરની પેટા ચૂંટણી ઈમાનદારીપૂર્વક અને કોઈપણ લાગવગ વગર શક્ય બને. હાલ આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલીયાને વિસાવદર ખાતેથી આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા છે અને આમ આદમી પાર્ટી આ ચૂંટણીમાં કોઈપણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી.