મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતીરાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ કાર્યક્રમ યોજાયો
મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂપિયા 27.22 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 172 વિકાસલક્ષી કામોનું ઈ-લોકર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરાયું.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા માટે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવી
મુખ્યમંત્રીશ્રી
પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી અમૃતકાળને પંચાયતી રાજ વિકાસનો સુવર્ણકાળ બનાવીએ
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સહભાગી થવું પડશે
વડાપ્રધાનશ્રીએ આપેલા નવ સંકલ્પોના અમલ પર મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌએ નિહાળ્યું
મહેસાણા, ૨૪ એપ્રિલ ૨૦૨૫, ગુરૂવાર
મહેસાણા જિલ્લાના આખજ ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઈન્ડેક્ષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂપિયા 27.22 કરોડથી વધુના ખર્ચે વિવિધ જિલ્લાઓની ગ્રામ પંચાયતોમાં 172 વિકાસલક્ષી કામોનું ઈ-લોકર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતુ
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ અને પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કાર્યક્રમમાં પોતાના સંબોધનની શરૂઆત કરતા પહેલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાળી શોકાંજલિ પાઠવી હતી. મુખ્યમંત્રીશ્રીની સાથે કાર્યક્રમ સ્થળે ઉપસ્થિત તમામે પોતાના સ્થાન પર ઊભા રહીને મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની શુભેચ્છા પાઠવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં કેવી રીતે ભળી શકે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હર હંમેશ પ્રયત્નશીલ છે અને રાજ્ય સરકાર પણ ગ્રામ્ય સ્તર સુધી વિકાસ પહોંચે તે માટે સતત કામ કરી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌએ સહભાગી થવું પડશે. આ માટે વડાપ્રધાનશ્રીએ આપેલા નવ સંકલ્પોના અમલ પર મુખ્યમંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો. જે મુજબ ‘કેચ ધ રેઈન વોટર ‘ અંતર્ગત વરસાદી પાણીના સંગ્રહ કરવો, ‘એક પેડ માઁ કે નામ ‘ અંતર્ગત વૃક્ષારોપણ કરવું, ‘ સ્વચ્છતા મિશન’ અંતર્ગત લોકોએ સ્વચ્છતા જાળવવી, ‘ વોકલ ફોર લોકલ થકી સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવું, ‘ ભારત દર્શન’ થકી દેશના પ્રવાસન સ્થળોની મુલાકાત કરવી,’ પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણ મુક્ત ખેતી અપનાવવી , ‘ મેદસ્વિતા મુક્ત ભારત અંતર્ગત આરોગ્યપ્રદ જીવનશૈલીનુ પાલન કરવું અને બને તેટલી ગરીબોની મદદ કરી તેઓના જીવનને સુધારવામાં ભાગીદાર બનવા તત્પર રહેવું જોઈએ.
https://youtube.com/shorts/jefdQSyLziU?feature=share
વધુમાં પંચાયતી રાજ વ્યવસ્થાના અસરકારક અમલથી આ અમૃતકાળને પંચાયતી રાજ વિકાસનો સુવર્ણકાળ બનાવીએ તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
પંચાયતી રાજ દિવસના કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન દરમિયાન આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,”વિકાસ સંકલ્પને સાકાર કરી ગામડાને સમૃદ્ધ અને મજબૂત કરવા સરકારને સહયોગ આપીએ. શહેરના વિકાસ અને નાગરિકોના માઈગ્રન્ટ વચ્ચે ગામડાની આન બાન શાન જળવાઈ રહે સરકાર તેવા પ્રયત્નો કરે છે. ઘર આંગણે ઈ-ગ્રામ દ્વારા ગ્રામ્યસ્તરે વિવિધ યોજનાઓના લાભ આપવાની વ્યવસ્થા ઊભી થઈ છે, ત્યારે ગ્રામ વિકાસની આગેવાની સરપંચોએ કરવાની છે એમ આરોગ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,” પંચાયત દિવસ એ જાગૃતિ ફેલાવવાનો દિવસ છે. ગ્રામસભાના માધ્યમથી ગ્રામજનોની રજૂઆતો, સમસ્યાઓ, પ્રશ્નો, ફરિયાદોનો નિકાલ કરવા પ્રયત્ન કરાય અને માળખાકીય અને પ્રાથમિક સુવિધાઓ ગ્રામ્ય સ્તરે મળે. ગ્રામ્ય અને શહેરના તમામ લોકો વિકસિત બને તેવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની નેમ સાથે રાજ્ય સરકાર તેમના નકશે કદમ પર ચાલી રહી છે ત્યારે માત્ર એક દિવસ નહીં પરંતુ સમગ્ર વર્ષ પંચાયત દિવસ બને એવા પ્રયત્નો કરીએ. આ પ્રસંગે તેમણે ગામડાઓમાં ગ્રામસભા કરવાનો સંદેશો ગામમાં ચરિતાર્થ કરશો એવો અનુરોધ પણ કર્યો હતો.
આ પ્રસંગે રાજ્ય કક્ષાના પંચાયત મંત્રીશ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, ૨૪ મી એપ્રિલ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ, એક એવો દિવસ છે જે ગામડાની લોકશાહીની ઉજવણીનો દિવસ છે, જનતાના સશક્તિકરણનો દિવસ છે અને ગ્રામ સ્વરાજના સપનાને સાકાર કરવાની દિશામાં પગલાં ભરવાનો સંકલ્પ દિન છે. ૭૩ મા સંવિધાન સુધારા દ્વારા ૧૯૯૩ માં પંચાયતી રાજ વ્યવસ્થાને બંધારણીય સ્થાન મળ્યું. તેમજ તેના થકી ગ્રામ પંચાયતોને સ્થાનિક શાસનનો અધિકાર મળ્યો.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આજે ભારત સરકાર અને ગુજરાત સરકારની તમામ યોજનાઓનું સારી રીતે અમલીકરણ થઇ રહયું છે જેને કારણે ગ્રામ પંચાયત વિસ્તારમાં માળખાકીય સુવિધાઓ જેમ કે રસ્તા, પાણી, સ્વચ્છતા બાબતે ગુજરાતની ગ્રામ પંચાયતો દેશભરમાં મોડલ રૂપ બની છે. ગ્રામ પંચાયત વિસ્તારો સુવિકસિત થવાના કારણે આજે શહેરો જેવી સુવિધાઓ ગામડામાં મળતી થઇ છે.
https://samaysandeshnews.in/કાશ્મીરના-પહેલગામમાં-આતં/
આ કાર્યક્રમમાં મધુબની બિહાર ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રીશ્રી સહિત ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક, ધારાસભ્ય સર્વે શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી સુખાજી ઠાકોર, શ્રી કે. કે .પટેલ, શ્રી સરદારભાઈ ચૌધરી, ડો. સી .જે. ચાવડા, અગ્રણી શ્રી ગીરીશભાઈ રાજગોર, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કલ્પનાબેન પટેલ, પંચાયત વિભાગ સચિવશ્રી મનીષા ચંદ્રા, વિકાસ કમિશનરશ્રી એચ .કે. કોયા, અધિક વિકાસ કમિશનર શ્રી ગૌરવ દહીંયા, જિલ્લા કલેકટરશ્રી એસ. કે .પ્રજાપતિ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો.હસરત જૈસમીન તેમજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા..