જામનગર શહેર હવે એક નવો રેકોર્ડ બનાવવાની તૈયારીમાં છે – “સદાબહાર ખોદકામ યાત્રા”! શહેરની વિવિધ જાહેર જગ્યા અને માર્ગો પર દિવસ-રાત ચાલતા ખોદકામના કારણે હવે સ્થાનિક નાગરિકોમાં એક પ્રકારની “ઇમ્યુનિટી” આવી ગઈ છે. ખાડા, ભુવા અને અર્ધવટ્ટી કામગિરી હવે નજારાની સાથે જીવનશૈલી બની ગઈ છે.

અત્યાર સુધી તો લોકો માની રહ્યા હતા કે મનપા કોઈ ગેરમાર્ગે દોરાયેલા કામગીરીમાં વ્યસ્ત છે, પણ હવે નવા ખુલાસાથી સિદ્ધ થયું છે કે જામનગરના નીચે ક્યાંક અઢળક ધનધાન્ય ભરેલું પ્રાચીન ખજાનો છુપાયેલો છે! જેનો નકશો મળ્યો નથી, એટલે મનપા હવે શહેરના દરેક રસ્તા અને નાકાની નીચે શોધખોળ ચલાવી રહી છે – કદાચ ક્યારેક કંઈક મળે!
જાહેર જનતાને મહત્વની સૂચના:
-
કોઈ પણ નાગરિકે રસ્તાના ખાડા કે ખોદકામ અંગે ફરિયાદ ન કરવી.
-
મનપાની કાર્યપદ્ધતિને વિઘ્ન ન પાડવો.
-
ખજાનો મળ્યા બાદ જ્યાં-જ્યાં ખોદકામ થયું છે ત્યાં સ્મારક બોર્ડ મૂકવામાં આવશે કે: “આ ખાડામાંથી ખજાનો નહોતો મળ્યો. ફરી પ્રયાસ કરો.“
ખાસ નોંધ:
જે માર્ગ એક વખત ખોદાઈ ગયો હોય, ત્યાં ફરીથી ખોદકામ થવું એ શંકા કે નિષ્ફળતા નહિ પણ “વિજ્ઞાનસપેત અન્વેષણ” છે. मनपा આ ખજાનાને દેશની આંતરિક સંપત્તિ ગણાવી રહી છે, જેથી ભવિષ્યમાં UNESCOના વર્લ્ડ હેરિટેજ સ્ટેટસ માટે અરજી પણ કરવામાં આવશે.
અંતે…
જામનગરના નાગરિકો હવે ખાડાને રસ્તો સમજીને ચાલે છે અને રસ્તાને ખાડો. આ નવી માનસિકતા માટે મનપા આખા શહેરનો આભાર વ્યક્ત કરે છે અને જલ્દી જ ખજાનો મળ્યા બાદ “મનપા ખોદકામ વિજય યાત્રા”નું આયોજન પણ કરવાનું વિચારી રહી છે.
હવે તો એ જ કહેવાય:
“ખોદ્યું જામનગર, મળ્યો ખાલીગર – છતાં હજી આશા ગગનચુંબી છે!”
જાહેર જનતાને સહકાર આપવા બદલ દિલથી આભાર! ….
