સભ્યશ્રીએ મહિલાઓને સશક્ત થવા કરી અપીલ મહિલાઓને આપ્યું વિવિધ કાયદાઓ વિશે માર્ગદર્શન, દીકરીઓને આપી ગુડ ટચ બેડ ટચની સમજણ.
જામનગર તા.૨૪ ઓગસ્ટ, રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યશ્રી ડો.રાજુલાબેન દેસાઈના અધ્યક્ષસ્થાને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે નારી શક્તિ સંમેલન યોજાયું હતું. સભ્યશ્રીએ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની મુલાકાત લીધી હતી.
જામનગરની મુલાકાતે આવેલ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલાબેન દેસાઇ વિકાસગૃહની બાળાઓને મળ્યા હતા અને તેઓને ગુડ ટચ બેડ ટચ તેમજ મહિલા સુરક્ષા વિશે માહિતી પ્રદાન કરતા વાતચીત કરી હતી. વિકાસગૃહ ખાતે યોજાયેલ આશ્રિત મહિલાઓ સાથે નારી શક્તિ સંમેલનમાં મહિલાઓની સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સભ્યશ્રીએ નારી શક્તિ સંમેલનમાં મહિલા આયોગની કામગીરી, મહિલા કલ્યાણલક્ષી કેન્દ્ર અને રાજ્યની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે ઉપસ્થિત મહિલાઓને માહિતી આપી હતી. તેમણે જણાવ્યુ હતું કે, મહિલાઓ અંગે વિવિધ કાયદાઓમાં જયાં સુધારા અને બદલાવ લઈ આવવાની જરૂર જણાય છે ત્યાં કેંદ્ર સરકાર બદલાવ લાવી રહી છે.