- મહત્તમ કામગીરી સપ્તાહના અંત સુધીમાંં પૂર્ણ કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રીની તાકીદ
- માનવ મૃત્યુ માટે તત્કાલ સહાય ચુકવણી કરાઈ
- અંદાજિત ૬૪૮૧ અસરગ્રસ્તોને ઘરવખરી-કપડા સહાય, ૨૪,૭૭૨ લોકોને કેશડોલ્સ આપવામાં આવશે
જામનગર તા. ૧૬ સપ્ટેમ્બર, જામનગર જિલ્લામાં તા. ૧૨ અને ૧૩ સપ્ટેમ્બરના રોજ અતિ ભારે વરસાદને કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી અને ખેતી પાકો, લોકોને, પશુઓને ખૂબ નુકસાની અને હાની પહોંચી હતી. આ નુકસાની માટે અસરગ્રસ્ત ગામો અને વિસ્તારનો સર્વે હાલ વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પશુઓના સર્વે માટે જિલ્લાકક્ષાની ૧૨ ટીમ અને રાજ્યકક્ષાની ૧૦ ટીમો કાર્યરત છે. પશુ મૃત્યુ ૪૬૨ મૃત પશુઓનો વેરિફિકેશન કરી મૃત્યુનું પ્રમાણપત્ર આપવામાં આવ્યા છે. હાલ ૧૩૬ અસરગ્રસ્ત ગામોમાં સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં સરકારશ્રીના નિયમ મુજબ આ અંગે ચૂકવણાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે, જામજોધપુર ખાતે થયેલ ૨ માનવ મૃત્યુ માટે વારસદારને તત્કાલ ૮ લાખ ૪૧ હજાર નું ચુકવણું ડીબીટી મારફતે કરવામાં આવેલ છે.
જિલ્લામાં ગ્રામ વિસ્તારોમાં સર્જાયેલી તારાજીને કારણે ૧૭ રસ્તાઓ બંધ હતા જેમાંના ૧૦ રસ્તાઓ હાલ શરૂ થઇ ચુકયા છે. અને એક આવતીકાલે પૂર્વવત્ કરવામાં આવશે, બાકી રહેલ ૬ રસ્તાઓ હાલ ડુબાણમાં આવતા હોવાથી પાણી ઉતરતાની સાથે જ તેનું સમારકામ કરી આવાગમન માટે તેને પૂર્વવત કરવાની કામગીરી તત્કાલ હાથ ધરવામાં આવશે તેમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.
અંદાજિત ૬ હજાર ૪૮૧ લોકોને ઘરવખરી-કપડાં સહાય તથા અંદાજિત ૨૪ હજાર ૭૭૨ લોકોને કેશડોલ્સ ચૂકવવા માટેનો સર્વે હાલ પ્રગતિમાં છે. આ સર્વે આવતીકાલ સુધીમાં મહદઅંશે પૂરો કરવામાં આવશે તેમજ આ સપ્તાહાંત સુધીમાં ચુકવણાની કાર્યવાહી પણ પૂર્ણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારના કુલ ૩૪૬ ઝુંપડા અને કાચા મકાનો તેમજ ૯૮ જેટલા પાકા મકાનો નુકસાનગ્રસ્ત જણાયા છે હાલ એન્જિનિયર મારફતે વિસ્તૃત સર્વેક્ષણ બાદ આ અસરગ્રસ્તોને ચુકવણાની કાર્યવાહી સપ્તાહ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.
પૂરના પાણી પાક પર ફરી વળતા ગ્રામ્ય વિસ્તારમાં અંદાજે ૩૧ હાજર ૪૭૪ હેકટર જમીનના પાકને નુકશાન થયેલ છે જેના સર્વે માટે જામનગર જિલ્લાના ૩૯ ગ્રામસેવકો તથા બોટાદ જિલ્લાના ૧૦, ભાવનગર જિલ્લાના ૩૦, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૨૦ ગ્રામ સેવકો સહિતની ૧૦૦ જેટલી ટીમ કામગીરી કરી રહી છે. આ કૃષિ નુકસાનના સર્વેને પણ ઝુંબેશના ધોરણે પૂર્ણ કરવામાં આવશે તેમજ ચુકવણાની કાર્યવાહી પણ સત્વરે હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ૧૫૨ જેટલા ગામ વિસ્તારમાં વીજપુરવઠો બંધ હતો જેમાંથી હાલ ૧૪૫ ગામનો વીજ પુરવઠો પુનઃ ચાલુ કરવામાં આવેલ છે.
જિલ્લાકક્ષાની વિગતો જોઈએ તો, જામનગર જિલ્લામાં કુલ પાંચ માનવ મૃત્યુ, ૧૫૮૫ પશુ મૃત્યુ, ૨ લોકોને માનવ ઇજા જણાય છે. કુલ ૫૦ બંધ થયેલા રસ્તા પૈકી ૪૨ રસ્તા હાલ આવાગમન માટે પૂર્વવત કરાયા છે તો જિલ્લાના ૫૦૯૩ વીજળીના થાંભલાઓને નુકસાન થયેલ છે. સર્વે અંતર્ગત જિલ્લાના ૨૦ હજાર ૩૭૦ કુટુંબોને ઘરવખરી નુકશાની અંગે સહાય, ૩૩૪ ઝુંપડા અથવા તો કાચા પાકા મકાનોને નુકસાન, ૯૦ પાકા મકાનો,૫૪ સરકારી મકાનોને નુકસાન તેમજ આશરે ૩૧૪૭૪ હેક્ટર જમીનના ખેતીપાકો ઉપરાંત અંદાજીત ૯૭૦ હેક્ટર બાગાયતી પાકોને નુકસાન પહોંચ્યું છે તેમ હાલ સુધીના સર્વે દ્રારા જાણી શકાયુ છે. હજુ અનેક વિસ્તારમાં સર્વેની કામગીરી પ્રગતિ હેઠળ છે, જે વહેલી તકે પુર્ણ કરવામાં આવશે.