સિદ્ધપુરમાં બનાવટી ચલણી નોટોનું મોટુ કૌભાંડ: પૂનમના મેળામાં નોટો ફરતી કરનાર શખ્સ ઝડપાયો, લાખોનું સામાન જપ્ત
રૂ. 20-100-500 ની નકલી નોટો પ્રિન્ટ કરી મેળામાં ફરતી કરી, પાટણ LCBએ રુપિયા 20 થી 500ના દરની કુલ 5.78 લાખની નકલી નોટો, પ્રિન્ટિંગ સાધનો અને વાહન મળીને ₹5.11 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણ જિલ્લાના સિદ્ધપુર શહેરમાં પોલીસે બનાવટી ચલણી નોટોના જાળને ભેદ્યો છે. શહેરમાં ઘરઆંગણે નકલી નોટો છાપી માર્કેટમાં ફરતી કરાય છે—એવી મળેલી ગુપ્ત બાતમીના આધારે પોલીસે દિનદહાડે છાપો મારી મુખ્ય આરોપી મહમંદયાસીન અબ્દુલકદીર સૈયદને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી રુપિયા 20 થી 500ના દરની કુલ 5.78 લાખની નકલી નોટો, પ્રિન્ટિંગ સાધનો અને વાહન મળીને ₹5.11 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે. જ્યારે તેની સાથે મળીને નોટો ફરતી કરતો સાથીદાર મુંસ્તકીમ ઉર્ફે મુસા મલેક ફરાર થઈ ગયો છે.

વેપારીઓની રજૂઆત બાદ પોલીસ હરકતમાં:
કાર્તિકી પૂનમના મેળા દરમિયાન વેપારીઓને મળી આવેલી શંકાસ્પદ નોટોના કેસમાં તેઓએ પાટણ પોલીસ અધિક્ષક પાસે લેખિત રજૂઆત કરી હતી. રજૂઆતના આધારે અધિક્ષક વી.કે. નાયીના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ શરૂ કરવામાં આવી. તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર અને LCB ટીમને બંને આરોપીઓ નકલી નોટો પ્રિન્ટ કરી વહેંચતા હોવાની ચોક્કસ બાતમી મળી.
ઘર પરથી નકલી નોટોનો મોટો સ્ટોક અને સાધનો જપ્ત:
તત્કાલ રેડ આયોજન કરીને પોલીસે મહમંદયાસીનના અલ મોમીન પાર્ક નજીકના ઘરમાંથી નીચે મુજબ બનાવટી નોટો મળી આવી:
₹500ની 961 નોટો
₹100ની 981 નોટો
₹20ની 3 નોટો
આ ઉપરાંત પ્રિન્ટર, પેપર કટર, મોબાઈલ, નોટો તૈયાર કરવા ઉપયોગી કાગળ, ઝિપલોક થેલીઓ અને ₹4 લાખ મૂલ્યનું વાહન પણ જપ્ત કરાયું. કુલ મિલકતનો મૂલ્ય અંદાજે 5.11 લાખ રૂપીયા થાય છે.

ફરાર સાથીદારની શોધખોળ તેજ:
પોલીસે મહમંદયાસીનને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે જ્યારે તેનો સાથી મુસા મલેક ફરાર છે. તેની ધરપકડ માટે પોલીસ તજવીજ કરી રહી છે. બંને સામે સિદ્ધપુર પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 11217030251342/2025 હેઠળ IPC-2023ની કલમ 178, 179, 180, 181 અને 61(2) મુજબ ગુનો નોંધાયો છે.
Author: samay sandesh
13







