રાજકોટ શહેરમાં સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નજીક આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટી દ્વારા તા. ૨૪ ડિસેમ્બર, ૨૦૨૫ (બુધવાર)ના રોજ સાંજે સાડા છ વાગ્યે સોસાયટીના શ્રી મનુભાઇ વોરા ઓપન એર થિયેટર, રુદ્રમુખી હનુમાનજી પરિસરમાં સ્નેહ મિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈ.એન.ટી. વિભાગના સિનિયર સર્જન ડો. સેજલબેન ભટ્ટની મેડિકલ સાયન્સ ક્ષેત્રેની વિશિષ્ટ અને માનવસેવી કામગીરીને બિરદાવતાં તેમનું અત્યંત ગરિમાપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ રાજ્યસભાના લોકપ્રિય સાંસદ શ્રી રામભાઇ મોકરિયાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ઉત્ત્પલ જોશી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડિયાના સ્વાગત પ્રવચનથી કરવામાં આવી હતી. તેમણે સોસાયટીના ઇતિહાસ, એકતા અને સતત વિકાસ વિશે માહિતી આપી અને ઉપસ્થિત મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે ડો. સેજલબેન ભટ્ટને શાલ, સ્મૃતિચિહ્ન અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડો. સેજલબેન ભટ્ટે પોતાના સંક્ષિપ્ત ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન ખાસ કરીને મ્યુકરમાયકોસિસ (બ્લેક ફંગસ)ના દર્દીઓની સારવાર અને સર્જરી એક મોટો પડકાર હતો. દિવસ-રાત સતત કામગીરી, મર્યાદિત સાધનો અને સંક્રમણના જોખમ વચ્ચે પણ તેમની સમગ્ર ટીમે હિંમત અને સમર્પણ સાથે અનેક દર્દીઓના જીવ બચાવ્યા હતા. તેમણે આ સફળતાનો શ્રેય પોતાની ટીમ અને સિવિલ હોસ્પિટલના સહયોગને આપ્યો હતો.

અધ્યક્ષીય ભાષણમાં સાંસદ રામભાઇ મોકરિયાએ ડો. સેજલબેન ભટ્ટની સેવાઓને સમાજ માટે પ્રેરણારૂપ ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળ દરમિયાન ડો. સેજલબેન ભટ્ટે સતત બે મહિના સુધી રોજના લગભગ ૧૫ કલાક સુધી ઓપરેશન કરી અનેક રાજકોટવાસીઓની જાન બચાવી હતી, જે ખરેખર અભિનંદનને પાત્ર છે. સાથે જ તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કર્મચારી કો-ઑપરેટીવ હાઉસિંગ સોસાયટી છેલ્લા ૫૩ વર્ષથી સતત પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે તે બાબતે પણ સંતોષ વ્યક્ત કર્યો હતો.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. ઉત્ત્પલ જોશીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ સોસાયટી સાથે તેમનો વ્યક્તિગત અને ભાવનાત્મક નાતો છે. વર્ષો દરમ્યાન સોસાયટી દ્વારા શિસ્તબદ્ધ આયોજન, સામાજિક પ્રવૃત્તિઓ અને સભ્યો વચ્ચે એકતાની ભાવનાને કારણે નોંધપાત્ર વિકાસ થયો છે. તેમણે ડો. સેજલબેન ભટ્ટને મેડિકલ સાયન્સ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સોસાયટીના મુખપત્ર **“ઉજાસ ૨૦૨૫”**નું વિમોચન પણ રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયા, કુલપતિ પ્રોફે. ઉત્ત્પલ જોશી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. “ઉજાસ ૨૦૨૫”ના સંપાદન કાર્યમાં લબ્ધપ્રતિષ્ઠિત કવિ શ્રી દિલીપભાઈ જોશીનો વિશેષ સહયોગ રહ્યો હતો, જેની પણ સર્વત્ર પ્રશંસા થઈ હતી.

કાર્યક્રમમાં સોસાયટીના ઉપપ્રમુખ ઉદ્યોગપતિ સજી મેથ્યુ, સીઝન્સ સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન શ્રી અજયભાઈ જોશી, મેનેજિંગ ટ્રસ્ટી અલ્કાબહેન વોરા, વાઈસ ચેરમેન કૌશિક મહેતા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના પ્રમુખ પ્રોફે. જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ સજી મેથ્યુ, માનદ મંત્રી અજયભાઈ જોશી, સહમંત્રી અજયસિંહ એમ. પરમાર તેમજ રમેશ સભાયા, ડો. અનામિકભાઈ શાહ, ઉદ્યોગપતિ શૈલેષ પટેલ, જિતેશકુમાર એમ. પંડિત, કૈલેશકુમાર તન્ના, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરતભાઈ વાજા, ડો. દર્શન ભટ્ટ, ડી.પી. ત્રિવેદી, ઉદ્યોગપતિ જીથી સુકુમારન નાયર, મૌલિકસિંહ ભટ્ટી, એચ.એમ. રાજા, પ્રોફે. હરિભાઈ કગથરા સહિત અનેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સુચારૂ અને અસરકારક સંચાલન નારાયણી હોસ્પિટલના સિનિયર પેઇન ફિઝિશિયન ડો. ચેતનાબા જાડેજાએ કર્યું હતું, જ્યારે અંતમાં અજયભાઈ જોશીએ આભારવિધિ કરી હતી.
આ ઉપરાંત આ સમારોહમાં ડો. દર્શન ભટ્ટ, ડો. ચૈતન્યસિંહ ગોહિલ, ડો. ધર્મેન્દ્રસિંહ ગોહિલ, ફિટલ મેડિસિન એક્સપર્ટ ડો. કુંતલબા જાડેજા, પેથોલોજિસ્ટ ડો. હેતલબેન જોશી, ડો. એન.એન. શેઠ, ડો. યોગીરાજસિંહ આર. જાડેજા સહિત અનેક તબીબો ઉપસ્થિત રહ્યા હતા.
તેમજ સોસાયટીના સ્થાપક મંત્રી યુ.એન. પંડ્યા, એન.એસ. ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ યુ.વી. મણવર, પૂર્વ પ્રમુખ પ્રોફે. પી.એચ. પરસાણીયા, નીલેશભાઈ માંડવીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, કેતનભાઈ એચ. પોપટ (ડ્રીમ ઇન્ટરનેશનલ સ્કૂલ, ધોરાજી), શરદભાઈ જાની, રમેશભાઈ સાકરીયા (રાધિકા સિલ્વર, રાજકોટ) સહિત અનેક મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની સફળતા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. કલ્પકભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર એજ્યુકેશનલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો. રાજેશભાઈ કાલરીયા તેમજ યુવા એડવોકેટ હાર્દિક જી. ડોડિયાએ શુભેચ્છા અને સંદેશ પાઠવ્યા હતા.
આ રીતે, મેડિકલ સેવા, સમાજસેવા અને સંસ્થાકીય એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો આ સમારોહ યાદગાર બની રહ્યો હતો.








