બદલી થઈ ગઈ, પરંતુ ફરજ ઉપર ગેરહાજરીની તપાસ ક્યાં અટકી?
સીસીટીવી ફૂટેજ જોવાની જવાબદારી કોની?
જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકા હેઠળની સરકારી માધ્યમિક શાળા રાજપરા તથા સરકારી માધ્યમિક શાળા દુધાળા ખાતે ફરજ બજાવતા આચાર્યોની લાંબા સમયની ગેરહાજરી અને પગાર ઉપાડ બાબતે ઉઠેલી ફરિયાદ હવે ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે. આશ્ચર્યની બાબત એ છે કે, ફરિયાદ ઉઠ્યા બાદ બંને આચાર્યોની બદલી તો થઈ ગઈ, પરંતુ તેમની અગાઉની ફરજગાળાની તટસ્થ તપાસ થઈ હોવાના કોઈ સ્પષ્ટ પુરાવા સામે આવ્યા નથી.
ફરિયાદ મુજબ,
-
દેવાયતભાઈ સરમણભાઈ કાંબરિયા (તત્કાલીન આચાર્ય, સરકારી માધ્યમિક શાળા રાજપરા, તા. વિસાવદર) લાંબા સમયથી શાળાએ હાજર ન રહેતા હોવા છતાં પગાર ઉપાડતા હોવાના આક્ષેપો થયા હતા. હાલ તેમની બદલી માણાવદર તાલુકામાં કરવામાં આવી છે.
-
તેવી જ રીતે, કોકિલાબેન ઉઘાડ (તત્કાલીન આચાર્ય, સરકારી માધ્યમિક શાળા દુધાળા, તા. વિસાવદર) બાબતે પણ ફરજ ઉપર ગેરહાજરી અને સરકારી નાણાંના સંભવિત દુરૂપયોગની ફરિયાદ કરવામાં આવી હતી. હાલ તેમની બદલી ભેસાણ તાલુકામાં થઈ છે.
અહીં મોટો પ્રશ્ન એ છે કે,
“બદલી થઈ જવાથી શું અગાઉની ફરજગાળાની જવાબદારી સમાપ્ત થઈ જાય છે?”
જો આચાર્યો અગાઉની શાળામાં ફરજ ઉપર હાજર ન હતા, તો તેમની સામે તપાસ થવી જોઈએ કે નહીં?
સીસીટીવી કેમેરા હોવા છતાં ફૂટેજ કેમ ન તપાસાયું?
ફરિયાદમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે બંને શાળાઓમાં સીસીટીવી કેમેરા કાર્યરત છે અને છેલ્લા ત્રણ માસના ફૂટેજ તપાસવામાં આવે તો આચાર્યોની વાસ્તવિક હાજરી અંગે સ્પષ્ટતા થઈ શકે.
છતાં પણ આજે સુધી પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે,
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સીસીટીવી ફૂટેજ કેમ જોવામાં આવ્યાં નથી?
શું તપાસ માત્ર કાગળ પર જ અટકી ગઈ છે?
મિત્રતાના આક્ષેપો અને તપાસ પર પ્રશ્નચિહ્ન
શિક્ષણ વિભાગના વર્તુળોમાં એવી પણ ચર્ચા ચાલી રહી છે કે જિલ્લા શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાય અને કોકિલાબેન ઉઘાડ એકબીજાના જુના મિત્ર હોવાનું કહેવાય છે.
આ ચર્ચાઓને કારણે હવે લોકોમાં એ શંકા મજબૂત બની રહી છે કે,
શું આ મિત્રતાના કારણે તપાસ ઠપ્પ કરી દેવામાં આવી છે?
અથવા ફરિયાદ ફાઇલોમાં જ દબાઈ ગઈ છે?
ફરિયાદકર્તાઓ તો ત્યાં સુધી કહે છે કે,
“આ ફરિયાદ ક્યાં પહોંચી હશે અને શું થયું હશે, એ તો મારો રામ જ જાણે.”
જનહિતમાં ઉઠતી માંગ
શિક્ષણ ક્ષેત્રમાં શિસ્ત અને નૈતિકતા જાળવવા માટે હવે સ્પષ્ટ માંગ ઉઠી રહી છે કે,
-
બંને આચાર્યોની અગાઉની ફરજગાળાની સ્વતંત્ર અને તટસ્થ તપાસ કરવામાં આવે
-
ગેરહાજરી દરમિયાન ઉપાડવામાં આવેલા પગાર અને અન્ય સરકારી ખર્ચની ઓડિટ કરવામાં આવે
-
સંબંધિત શાળાઓના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક તપાસી જાહેર કરવામાં આવે
-
તપાસ પ્રક્રિયામાં પારદર્શિતા રાખી ફરિયાદકર્તાને પણ સાથે લેવામાં આવે
જો સમયસર અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં થાય, તો આ કેસ માત્ર બે આચાર્યો પૂરતો નહીં રહે, પરંતુ જુનાગઢ શિક્ષણ વિભાગની કાર્યપ્રણાલી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરશે – તેવી ચર્ચા હવે ખુલ્લેઆમ થવા લાગી છે.








