Latest News
ઈમેલથી બોમ્બની ધમકીથી જામનગરમાં ખળભળાટ: ચાંદી બજાર સ્થિત મેન પોસ્ટ ઓફિસ ખાતે પોલીસ-બોમ્બ સ્ક્વોડ તૈનાત. બજારમાં સાવચેતીનો માહોલ: સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટ તૂટી ૮૨,૦૦૦ નીચે, નિફ્ટી ૨૫,૪૦૦ નજીક; મેટલ-ઓટોમાં વેચવાલી, આઈટીમાં આશાની કિરણ. અધર્મ ઉપર ધર્મની જીતનો વિશ્વવિખ્યાત ઉત્સવ: જામનગરમાં ભોઈ સમાજ બનાવશે ૨૫ ફૂટથી ઊંચું હોલિકાનું ભવ્ય પૂતળું. માનવતાનો મિસાલ: જામનગર–લાલપુર બસમાં પડેલો મોબાઇલ ટીસી અને કંડકટરની સતર્કતાથી મુસાફરને પરત. ગોપ ગામે એલ.સી.બી.નો દરોડો: ૨.૭૨ લાખના ઇંગ્લિશ દારૂ સાથે કલ્પેશ ઉર્ફે કલો કારેણા ઝડપાયો. જામનગરમાં અંબાણી મુકામે તેંડુલકર પરિવારનો પ્રિ-વેડિંગ જશ્ન: અર્જુન–સાનિયા લગ્ન પહેલાં ભાવુક ક્ષણો, દેશભરના દિગ્ગજોની નજર.

યાર્ડને અલવિદા કહી વાડી ને બનાવ્યો બજાર.

થાણાગાલોરના અશ્વિનભાઈ માથુકિયાએ આધુનિક ખેતીથી બદલ્યો ખેતી વ્યવસાયનો દ્રષ્ટિકોણ

જેતપુર તાલુકાના થાણાગાલોર ગામના પ્રગતિશીલ ખેડૂત અશ્વિનભાઈ માથુકિયાએ પરંપરાગત ખેતી અને માર્કેટિંગ પદ્ધતિને પડકાર આપીને ખેતી ક્ષેત્રે એક નવી દિશા દર્શાવી છે. વર્ષો સુધી ખેડૂતોને જણશી વેચવા માટે યાર્ડમાં જવું, લાંબી લાઈનમાં ઊભા રહેવું, ભાવ નક્કી કરવામાં મધ્યસ્થીઓ પર નિર્ભર રહેવું – આ તમામ મુશ્કેલીઓથી કંટાળીને અશ્વિનભાઈના મનમાં એક અનોખો વિચાર આવ્યો. તેમણે નક્કી કર્યું કે, “હવે હું મારી જણશી વેચવા યાર્ડમાં જ નથી જવાનું. જે કોઈને મારી ઉપજ લેવી હશે તે જાતે મારી વાડીએ આવશે અને હું જે ભાવ નક્કી કરીશ તે જ ભાવે વેચીશ.”

આ વિચાર માત્ર મનમાં જ રાખ્યો નહીં, પરંતુ તેને સાકાર કરવા માટે અશ્વિનભાઈએ પોતાની ખેતી પદ્ધતિ, પાક પસંદગી, ટેક્નોલોજી અને માર્કેટિંગ – તમામ બાબતોમાં ક્રાંતિકારી ફેરફાર કર્યા. પરિણામે આજે સ્થિતિ એવી છે કે ગ્રાહકો, વેપારીઓ અને અન્ય ખેડૂતો જાતે અશ્વિનભાઈની વાડીએ આવીને તેમની જણશી ખરીદી રહ્યા છે, તે પણ તેઓ નક્કી કરેલા ભાવમાં.

‘ભૂમિપુત્ર ફાર્મ’ – ખેતીનું જીવતું મોડેલ

થાણાગાલોર ગામથી બહાર નીકળતા જ વડીયા રોડ પર અશ્વિનભાઈની વાડી આવેલ છે, જેને તેમણે ગૌરવપૂર્વક “ભૂમિપુત્ર ફાર્મ” નામ આપ્યું છે. આ ફાર્મ માત્ર એક ખેતીની જમીન નથી, પરંતુ આધુનિક, નવીન અને આત્મનિર્ભર ખેતીનું જીવતું મોડેલ છે. ફાર્મમાં પ્રવેશ કરતાં જ ખેડૂતને ખ્યાલ આવી જાય કે અહીં ખેતી પરંપરાગત ઢબે નહીં, પરંતુ વિચાર, આયોજન અને ટેક્નોલોજીના સંયોજનથી થાય છે.

ભૂમિપુત્ર ફાર્મમાં ખેતીને લગતી અનેક આધુનિક મશીનરી જોવા મળે છે, જેમાંથી ઘણી મશીનો અશ્વિનભાઈએ પોતાની કોઠાસૂઝથી જાતે જ તૈયાર કરી છે. પાકને ભૂંડ અને રોજના ત્રાસથી બચાવવા માટે તેમણે જાતે ડિઝાઇન કરેલ ફેન્સીંગ સિસ્ટમ ઊભી કરી છે, જે ખર્ચમાં ઓછી અને અસરકારક છે.

જાતે વીજળી ઉત્પન્ન કરી સિંચાઈ – આત્મનિર્ભરતાનું ઉદાહરણ

અશ્વિનભાઈની ખેતીનું એક અનોખું પાસું એ છે કે તેમણે જાતે બનાવેલી પવનચક્કી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની વ્યવસ્થા કરી છે. આ પવનચક્કીથી ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ પાણીની ઇલેક્ટ્રીક મોટર ચલાવવા માટે થાય છે. આ મોટર દ્વારા કુવામાંથી પાણી ખેંચીને અગાસી પર આવેલી ટાંકી ભરી દેવામાં આવે છે, જેથી જરૂરિયાત મુજબ પાકને પાણી મળી રહે.

આ પ્રણાલી દ્વારા અશ્વિનભાઈએ માત્ર વીજળીના ખર્ચમાં બચત કરી નથી, પરંતુ પર્યાવરણને અનુકૂળ, સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ કરીને આત્મનિર્ભર ખેતીનું ઉત્તમ ઉદાહરણ પણ રજૂ કર્યું છે. આજના સમયમાં જ્યારે ખેડૂતો વીજળી અને પાણીની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, ત્યારે આ મોડેલ અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે.

આઉટ સિઝન ખેતી – જોખમ નહીં, તક

અશ્વિનભાઈની સૌથી મોટી વિશેષતા એ છે કે તેઓ “સીઝન પ્રમાણે પાક” નહીં, પરંતુ “માર્કેટ પ્રમાણે પાક” વાવવાની નીતિ અપનાવે છે. સૌરાષ્ટ્રમાં જે પાક સામાન્ય રીતે જે સિઝનમાં ન થતો હોય, તે સિઝનમાં જ તેઓ તેનું વાવેતર કરીને ઉપજ મેળવી લે છે. આ માટે તેઓ આધુનિક ખેતી પદ્ધતિઓનો સહારો લે છે.

અશ્વિનભાઈ જણાવે છે કે, “ક્રોપ કવર એ એક ખૂબ જ આધુનિક પદ્ધતિ છે. તેમાં ટપક પદ્ધતિ, પ્લાસ્ટિક મલચિંગ અને ઉપરથી ક્રોપ કવરનો ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિથી નવા વાવેતર કરેલા છોડને ઠંડી લાગતી નથી અને શરૂઆતના 40 થી 45 દિવસ સુધી કોઈપણ પ્રકારની જીવાત લાગવા દેતી નથી.”

ક્રોપ કવરનો મોટો ફાયદો એ છે કે સામાન્ય રીતે જે વાવેતર ફેબ્રુઆરીના મધ્ય ભાગે કરવાનું હોય, તે એકથી બે મહિના પહેલા કરી શકાય છે. પરિણામે જ્યારે અન્ય ખેડૂતો વાવેતરની શરૂઆત કરે છે, ત્યારે અશ્વિનભાઈનો પાક તૈયાર થઈ ગયો હોય છે.

વહેલી ઉપજ, ઊંચો ભાવ

આગોતરા આયોજન અને ક્રોપ કવર પદ્ધતિના કારણે અશ્વિનભાઈને વહેલી ઉપજ મળે છે. જ્યારે બજારમાં તે પાકની સિઝન હજી આવી ન હોય અને તે જણશી ક્યાંય ઉપલબ્ધ ન હોય, ત્યારે બજારમાં તેની માંગ અને ભાવ બંને ઊંચા હોય છે. આવી સ્થિતિમાં અશ્વિનભાઈને પોતાની જણશી વેચવા માટે યાર્ડ કે બજારમાં જવાની જરૂર પડતી નથી.

વેપારીઓ અને ગ્રાહકો જાતે ભૂમિપુત્ર ફાર્મ પર આવીને પાક ખરીદે છે અને અશ્વિનભાઈ જે ભાવ નક્કી કરે છે તે ભાવે જ લે છે. આ રીતે તેમણે મધ્યસ્થીઓને સંપૂર્ણપણે દૂર કરીને સો ટકા લાભ પોતાના ખિસ્સામાં મૂક્યો છે.

ભીંડો, ટેટી અને ચીભડાનો સફળ પ્રયોગ

અશ્વિનભાઈએ ભીંડો, ટેટી તેમજ ચીભડાનો આઉટ સિઝનમાં વાવેતર કર્યો હતો. જ્યારે બજારમાં આ પાક ક્યાંય મળતો ન હતો, ત્યારે તેમણે પોતાની વાડીમાંથી સીધું વેચાણ કર્યું. બજારમાં ભારે માંગ હોવાના કારણે તેમણે ઊંચા ભાવે વેચાણ કરીને સો ટકા રિટર્ન મેળવ્યો.

આ તમામ વેચાણ તેમણે પોતાના ભૂમિપુત્ર ફાર્મ પરથી જ કર્યું. આ સફળતા પછી અશ્વિનભાઈનો વિશ્વાસ વધુ મજબૂત થયો કે જો ખેડૂત યોગ્ય આયોજન, ટેક્નોલોજી અને બજારની સમજ સાથે ખેતી કરે તો ખેતી નફાકારક વ્યવસાય બની શકે છે.

માર્ગદર્શન માટે દૂર દૂરથી ખેડૂતો આવે છે

અશ્વિનભાઈની ખેતી પદ્ધતિ અને સફળતા અંગેની ચર્ચા હવે માત્ર થાણાગાલોર કે જેતપુર સુધી સીમિત રહી નથી. આજુબાજુના ગામોના ખેડૂતો તો નિયમિત રીતે તેમની વાડી પર આવીને માર્ગદર્શન લે છે, પરંતુ હવે તો કચ્છ જેવા દૂરના વિસ્તારોમાંથી પણ ખેડૂતો ખેતી અંગે માર્ગદર્શન લેવા આવી રહ્યા છે.

અશ્વિનભાઈ દરેકને ખુલ્લા દિલે પોતાની પદ્ધતિ સમજાવે છે. તેઓ માને છે કે, “જો એક ખેડૂત આગળ વધે તો ગામ આગળ વધે અને જો ગામ આગળ વધે તો દેશ આગળ વધે.”

ખેતીમાં વિચારધારા બદલવાની જરૂર

અશ્વિનભાઈ માથુકિયાની સફળતા એ સાબિત કરે છે કે ખેતીમાં નુકસાન થવાનું કારણ ખેતી નહીં, પરંતુ ખોટી પદ્ધતિ અને આયોજનની કમી છે. પરંપરાગત રીતોથી આગળ વધી, નવી ટેક્નોલોજી અપનાવી, બજારની માંગ સમજીને અને સીધું માર્કેટિંગ કરીને ખેડૂત પોતાનો ભાવ પોતે નક્કી કરી શકે છે.

ભૂમિપુત્ર ફાર્મ આજે માત્ર એક વાડી નથી, પરંતુ તે ખેડૂતો માટે આશા, આત્મવિશ્વાસ અને નવી દિશાનું પ્રતીક બની ગયું છે.

(ફોટો/તસવીર અને અહેવાલ: માનસી સાવલિયા, જેતપુર)

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?