જામનગર શહેરના નવા નાગના, જૂના નાગના અને વિભાપર ગામમાં છેલ્લા ત્રણ વર્ષથી એક એવો પ્રશ્ન વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે કે, જે હવે માત્ર ફરિયાદ નથી રહ્યો પરંતુ માનવ આરોગ્ય, પર્યાવરણ અને માનવ અધિકારો સાથે જોડાયેલો ગંભીર જાહેર હિતનો મુદ્દો બની ગયો છે. વર્ષ ૨૦૨૨થી શરૂ થયેલી રજૂઆતો, અરજીઓ અને મૌખિક ફરિયાદોને સતત અવગણવામાં આવતા હવે સ્થાનિક લોકોએ “અંતિમ આક્રોશ પત્ર” લખીને જામનગર મહાનગરપાલિકાના તંત્ર સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું છે.
રહેણાંક વિસ્તાર પાસે મોતનો અડ્ડો
નવા નાગના રહેણાંક વિસ્તારથી માત્ર ૫૦ મીટરના અંતરે દરરોજ ૨૦ થી ૩૦ મૃત પશુઓના શબો નાખવામાં આવી રહ્યા છે. માત્ર ૧૫૦૦ થી ૨૦૦૦ ચોરસ મીટરની સીમિત જગ્યામાં આટલા મોટા પ્રમાણમાં મૃત પશુઓ નાખવાથી નિકાલની કોઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા શક્ય નથી. પરિણામે ત્યાં પશુઓના સડતા શબો, માંસના લોયા, હાડકાં અને પ્રવાહિત થતા ગંદા પ્રવાહોએ સમગ્ર વિસ્તારને નરક સમાન બનાવી દીધો છે.
સ્થાનિકો જણાવે છે કે, સવારથી સાંજ સુધી ફેલાતી અસહ્ય દુર્ગંધના કારણે ઘરોમાં બેસવું તો દૂર, શ્વાસ લેવો પણ મુશ્કેલ બની ગયો છે. બાળકો, વૃદ્ધો અને બીમાર લોકો સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે. મચ્છર, માખીઓ અને જીવાતોની ભરમારથી ડેન્ગ્યુ, મેલેરિયા અને અન્ય ચેપજન્ય રોગોની ભીતિ વધી છે.
ત્રણ ગામોના ૧૨ હજાર લોકોની દૈનિક યાતના
નવા નાગના, જૂના નાગના અને વિભાપર એમ ત્રણ ગામોના અંદાજે ૧૨,૦૦૦થી વધુ લોકો આ સમસ્યાથી સીધા અસરગ્રસ્ત છે. સ્થાનિક રહેવાસીઓ કહે છે કે, “અમારું જીવવું હરામ થઈ ગયું છે. ઘરની બારીઓ ખોલી શકાતી નથી, બાળકોને બહાર રમવા દેવા શક્ય નથી અને રાત્રે ઊંઘ આવતી નથી.”
આ વિસ્તાર હવે માત્ર રહેણાંક નથી રહ્યો, પરંતુ તંત્રની બેદરકારીના કારણે એક ખુલ્લા મૃતદેહ નિકાલ કેન્દ્રમાં ફેરવાઈ ગયો છે. પ્રશ્ન એ છે કે, જ્યારે વિકાસ અને સ્માર્ટ સિટી જેવી વાતો કરવામાં આવે છે, ત્યારે શું આ પ્રકારની અમાનવીય સ્થિતિ પણ વિકાસનો જ ભાગ છે?

વૈજ્ઞાનિક પ્રક્રિયાના નામે ભ્રષ્ટાચાર?
મહાનગરપાલિકા દ્વારા કાગળ પર મૃત પશુઓના નિકાલ માટે ‘વૈજ્ઞાનિક પ્રક્રિયા’ અપનાવવામાં આવે છે તેવી વાતો કરવામાં આવે છે. પરંતુ જમીન પરની હકીકત આ દાવાઓને ખોટા સાબિત કરે છે. સામાન્ય ગણિત મુજબ પણ, ૧૫૦૦–૨૦૦૦ ચોરસ મીટરની જગ્યામાં દરરોજ ૨૫–૩૦ મૃત પશુઓનો સંપૂર્ણ નિકાલ કરવો અશક્ય છે.
સ્થળ પર જોવા જઈએ તો ખુલ્લેઆમ પડેલા માંસના ટુકડા, હાડકાં અને ગંદકી સ્પષ્ટ કરે છે કે, અહીં કોઈ વૈજ્ઞાનિક પદ્ધતિ અમલમાં નથી. સ્થાનિકો આને ‘ભ્રષ્ટાચારના બણગા’ ગણાવે છે અને આરોપ લગાવે છે કે કાગળ પર પ્રક્રિયા પૂરી બતાવી દેવામાં આવે છે, જ્યારે વાસ્તવિકતા સંપૂર્ણ વિપરીત છે.
આરોગ્ય સાથેની ક્રૂર મજાક
ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો જણાવે છે કે, આ પ્રકારની પરિસ્થિતિ લાંબા ગાળે ગંભીર આરોગ્ય સંકટ સર્જી શકે છે. સડતા મૃતદેહોથી ફેલાતા બેક્ટેરિયા અને વાયરસ માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં શ્વસન સંબંધિત રોગો, ત્વચા રોગો અને ચેપજન્ય બીમારીઓનું જોખમ અનેકગણું વધી જાય છે.
સ્થાનિકો કહે છે કે, સ્થળ પરની ગંદકી જોઈને કોઈ પણ સંવેદનશીલ વ્યક્તિને ઉબકા આવી જાય. આ નરક સમાન સ્થિતિ છતાં તંત્ર મૌન ધારણ કરીને બેઠું છે.
કમિશ્નરને સીધો પડકાર
આક્રોશ પત્રમાં સ્થાનિકોએ મ્યુનિસિપલ કમિશ્નરને સીધો સવાલ કર્યો છે: “આપ એસી ઓફિસમાં બેસીને જે નિર્ણયો લો છો, તે જમીન પર કેટલા ઘાતક છે તેનો અંદાજ લેવા માટે એક દિવસ અમારી સોસાયટીમાં આવીને તમારી ઓફિસ ચલાવી જુઓ. જો તમે ત્યાં અડધો કલાક પણ બેસી શકો, તો અમે અમારી ફરિયાદ પાછી ખેંચી લઈશું.”
આ પડકાર માત્ર શબ્દો નથી, પરંતુ જનતાની વેદનાનો પ્રતિક છે. લોકો કહે છે કે, જો અધિકારીઓ એક દિવસ પણ આ દુર્ગંધ અને ગંદકી વચ્ચે રહે, તો તેમને સાચી હકીકત સમજાશે.

સ્પષ્ટ માંગણી અને ૩૦ દિવસનું અલ્ટીમેટમ
સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણી મૂકી છે કે, એક મહિનાની અંદર રહેણાંક વિસ્તાર પાસે મૃત પશુઓ નાખવાનું કાયમી ધોરણે બંધ કરવામાં આવે અને આ પ્રવૃત્તિ અન્ય યોગ્ય સ્થળે ખસેડવામાં આવે.
જો આગામી ૩૦ દિવસમાં કોઈ નક્કર પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિકો તેમના બાળકો અને વૃદ્ધો સહિત મ્યુનિસિપલ કમિશ્નર કચેરી ખાતે કાયમી વસવાટ કરવા જઈશું તેવી ચીમકી આપી છે. તેમનો સ્પષ્ટ સંદેશ છે કે, “જે ગામમાં શ્વાસ લેવો અશક્ય હોય ત્યાં રહેવા કરતાં તમારી ઓફિસમાં રહેવું વધુ સુરક્ષિત છે.”
આવનારા દિવસોમાં આંદોલનની શક્યતા
આ મુદ્દે હવે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સામાજિક કાર્યકરો અને પર્યાવરણવિદો પણ આ મુદ્દે તંત્રની ભૂમિકા પર સવાલ ઉઠાવી રહ્યા છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય, તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન, ધરણાં અને કાયદેસર કાર્યવાહી શરૂ થવાની શક્યતા છે.
નવા નાગના–વિભાપરનો આ પ્રશ્ન હવે માત્ર ત્રણ ગામોની સમસ્યા નથી રહ્યો, પરંતુ શહેરના સંવેદનશીલ શાસન અને જવાબદારીની કસોટી બની ગયો છે. હવે જોવાનું એ રહેશે કે, મહાનગરપાલિકા આ અંતિમ આક્રોશને ગંભીરતાથી લે છે કે પછી જનતાને નરકમાં જીવવા મજબૂર રાખે છે.







