તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ૦૭ જેટલી અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરી જરૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાના અધ્યક્ષસ્થાને શંખેશ્વર ખાતે તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૦૭ જેટલા અરજદારોના પ્રશ્નનોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. સાથે જ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિવિધ કચેરીઓની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
શંખેશ્વર ખાતે તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ મહેસુલ વિભાગને સ્પર્શતા ૦૭ જેટલા પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરી અરજદારોને જરૂરી હૂકમોનું વિતરણ કર્યું હતું. સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ બાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ તાલુકા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી ખાતે મુલાકાત લઈ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી સાથે રસીકરણની કામગીરીની વિગતો મેળવી જરૂરી સુચનાઓ આપી હતી.
ત્યારબાદ શંખેશ્વર તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લઈ જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ ૧૫ મા નાણાપંચ તથા અન્ય ગ્રાન્ટ બાબતે સમીક્ષા કરી ભંડોળના સુચારૂ ઉપયોગ થકી તાલુકાના વિવિધ વિકાસકાર્યોને વેગ આપવા માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. સાથે જ સી.ડી.પી.ઓ. કચેરીની મુલાકાત દરમ્યાન આંગણવાડી કાર્યકરો સાથે સંવાદ સાધી જિલ્લા વિકાસ અધિકારીશ્રી રમેશ મેરજાએ રસીકરણની કામગીરીમાં ઉત્તમ સહકાર બદલ આંગણવાડી કાર્યકરોને બિરદાવી હતી.