Latest News
“રાત્રિ પેટ્રોલિંગમાં શહેરા પોલીસનો સખત વારો: ગેરકાયદેસર લાકડાના ટ્રક સાથે મોટો જથ્થો ઝડપાયો”. મધ્યપૂર્વમાં યુદ્ધના વાદળો ગાઢ: અમેરિકી ઠેકાણાઓ પર ઇરાનના મિસાઈલ હુમલા બાદ વૈશ્વિક તણાવ. સાણંદમાં સેમિકન્ડક્ટર યુગનો પ્રારંભ: પીએમ મોદીના હસ્તે માઇક્રોન પ્લાન્ટનું ભવ્ય ઉદ્ઘાટન. ૐ ટ્રેનિંગ સેન્ટર ખાતે કળાનો રંગોત્સવ: સંજય જાનીના વ્યક્તિગત ચિત્ર પ્રદર્શનનું ઉદ્ઘાટન. સિંહોના સામ્રાજ્યમાં ચિંતા અને ગૌરવ સાથેનું ચિત્ર: બે વર્ષમાં 314 મોત છતાં વસ્તી 911 પર. જામનગરના દિગ્જામ સર્કલનો ૮૦ ફૂટ સર્વિસ રોડ બિસ્માર:તૂટી ગયેલી ઝાલીઓથી રોજ અકસ્માતનો ખતરો સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં તંત્ર મૌન, ગંભીર ઘટના પહેલા તાત્કાલિક મરામતની માંગ.

ટાટા મુંબઈ મૅરેથોન 2026માં સિનિયર સિટિઝનો બન્યા રિયલ હીરો – ઉત્સાહ, સંઘર્ષ અને પ્રેરણાની જીવંત કહાની

મૅરેથૉનના રિયલ હીરો છે આ સિનિયર સિટિઝનો- સલામ છે તેમના ઉત્સાહને

ટાટા મુંબઈ મેરેથોન 2026: રવિવારે મુંબઈમાં યોજાયેલ મૅરેથૉનમાં સમુદાય ભાવનાનો ઉત્સવ જોવા મળ્યો, જેમાં હજારો દોડવીરો અને સમર્થકો એકઠા થયા હતા. સિનિયર સિટીઝન્સનો તો ઉત્સાહ જોવા જેવો હતો.

સિનિયર સિટિઝનો

ભલેને ઘૂંટણની સર્જરી થઈ હોય

વિલે પાર્લે-વેસ્ટમાં રહેતા ૮૨ વર્ષના હરીશ પારેખ ઘૂંટણની સર્જરી થઈ હોવા છતાં ૬ વર્ષથી મૅરથૉનમાં ભાગ લે છે. આટલી ઉંમરે સર્જરી સાથે મૅરથૉનનો અનુભવ જણાવતાં તેઓ કહે છે, ‘મૅરથૉન દોડ્યા બાદ ખૂબ ફ્રેશ અને સ્વસ્થ ફીલ થાય છે.’

વિલે પાર્લેની આ સોસાયટીના સિનિયર સભ્યો દર વર્ષે આવે છે મૅરથૉનમાં

વિલે પાર્લે-ઈસ્ટની શ્રી પાર્લેશ્વર સોસાયટીના સિનિયર સિટિઝન ગ્રુપના સભ્યો પાંચ વર્ષથી સિનિયર સિટિઝન મૅરથૉન રનમાં ભાગ લે છે.

લાફિંગ રન

ચેન્નઈમાં જન્મેલા અને ઊછરેલા અરુણ કોઠારી ૭૫ વર્ષની ઉંમરે મુંબઈ મૅરથૉનમાં બીજી વાર ભાગ લઈને ખૂબ ખુશ હતા. તેમના ચેન્નઈના લંગોટિયા મિત્ર રામગોપાલ સાથે સિનિયર સિટિઝન કૅટેગરીમાં અનોખી રીતે તેમણે રન કર્યું હતું. રામગોપાલ લાફ્ટર યોગના મેમ્બર હોવાથી તેઓ અમુક અંતરે ઊભા રહીને લોકોને લાફિંગ એક્સરસાઇઝ કરાવતા હતા. ૩૦ વર્ષથી મુંબઈમાં સેટ થયેલા બન્ને મનમોજી મિત્રોએ ફિટનેસ સાથે ખુશ રહેવાનો લોકોને સંદેશ આપ્યો હતો.

 

મૅરથૉનના મૅજિકલ માહોલ પર આફરીન વડીલો

૬૦ વર્ષના આયુર્વેદાચાર્ય ડૉ. મહેશ સંઘવીએ ત્રીજી વાર અને મુંબઈ મહાનગરપાલિકામાં એન્જિનિયર તરીકે નિવૃત્ત થયેલા ૯૨ વર્ષના ગોવિંદ ભાટિયાએ ચોથી વાર સિનિયર સિટિઝન રનમાં ભાગ લીધો હતો. મુંબઈ મૅરથૉનનો માહોલ મૅજિકલ છે અને એનાથી વધુ સારી રીતે જીવવા માટેની, હેલ્થને પ્રાધાન્ય આપવાની પ્રેરણા મળે છે એવું જણાવતા આ વડીલોના ઉત્સાહનો પાર નહોતો.

૨૩૦+ જણે સાથે ભાગ લીધો

અંધેરીના જલસા વડલો અને સમન્વય સિનિયર સિટિઝન ગ્રુપના ૨૩૦થી વધુ મેમ્બરોએ મૅરથૉનમાં ભાગ લીધો હતો. મૅરથૉનમાં અનેક વાર લાર્જેસ્ટ મેમ્બર્સ પાર્ટિસિપેશનનો અવૉર્ડ જીતનારા આ ગ્રુપના સભ્યોએ આ વખતે પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. ૭૦ વર્ષથી મોટી ઉંમરના સિનિયર સિટિઝનો માટે બનાવાયેલા આ ગ્રુપના સભ્યો અનેક સાંસ્કૃતિક અને મનોરંજનના કાર્યક્રમોનું આયોજન કરીને દરેક પ્રસંગની સાથે ઉજવણી કરે છે.

 

ગાંધીબાપુ તો હોય જ

દર વર્ષે મુંબઈ મૅરથૉનમાં અચૂક દેખાતો ચહેરો હોય છે ગાંધીજીનો. ઉપેન્દ્ર થાણાવાલા આ વર્ષે પણ ગાંધીજીના વેશમાં મૅરથૉનમાં પહોંચ્યા હતા. ગાંધીબાપુએ સિનિયર સિટિઝન રનમાં અનેક લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ડાયાબિટીઝ, થાઇરૉઇડ બધું જ છે; પણ મૅરથૉન તો દોડવી જ પડે

નાની-મોટી બધી જ બીમારી હોવા છતાં મૅરથૉનમાં ભાગ લઈને બહુ સારું લાગે છે એવું કહેવું છે ૭૦ વરસની આસપાસની ઉંમરની આ સખીઓનું. સાધના શાહ સિનિયર સિટિઝન કૅટેગરીમાં પાંચ વર્ષથી ભાગ લે છે. માયા કાણકિયા પહેલી વાર મૅરથૉનમાં આવ્યાં હતાં તો સરોજ કોઠારી છેલ્લાં ૧૦ વર્ષથી મુંબઈ મૅરથૉનમાં ભાગ લે છે. ડાયાબિટીઝ અને થાઇરૉઇડ જેવી બીમારીઓને માત આપવા રોજ યોગ અને વૉક કરીને ફિટ રહેતા આ સખી મંડળે મૅરથૉન પણ એવી જ સ્ફૂર્તિ સાથે પૂરી કરી હતી.

દામિની શાહે એક પણ વાર મૅરથૉન મિસ કરી નથી

મૅરથૉન શરૂ થઈ ત્યારથી એક પણ વર્ષ મૅરથૉનમાં દોડવાનું ચૂક્યાં નથી ૭૦ વર્ષનાં દામિની શાહ. ૭૦ વર્ષની ઉંમરે ભરપૂર તરવરાટ સાથે જીવતાં દામિનીબેન કહે છે, ‘આટલી ઉંમરે પણ એકદમ સ્વસ્થ છું અને મૅરથૉન દોડી શકું છું એનું કારણ છે મારો હસમુખો સ્વભાવ. મુશ્કેલીઓ આવે છે તો જાય પણ છે. આપણે તો સદાય હસતા રહેવું. તો ફિટ જ રહેવાશે.’

 

પહેલી વારનો મૅરથૉનનો અનુભવ મજાનો રહ્યો

જુહુ સ્કીમમાં રહેતાં શૈલેન અને આરતી ટોપીવાળા પહેલી જ વાર મૅરથૉનમાં આવ્યાં હતાં અને તેમનો આ અનુભવ એટલો મજાનો રહ્યો કે તેમણે કહ્યું કે ‘ઘૂંટણમાં પ્રૉબ્લેમ હોવા છતાં અહીં આવી છું અને એટલી ઇન્સ્પાયર થઈ છું કે બધાને જ કહું છું હેલ્થનું ધ્યાન રાખો અને ફિટ રહો.’

આ ગ્રુપ તો અવૉર્ડ-વિનર

સિનિયર સિટિઝનના અધાતા ગ્રુપના વડીલોએ મોટી સંખ્યામાં સિનિયર સિટિઝન મૅરથૉન રનમાં ભાગ લીધો હતો. મૅરથૉન ૨૦૨૬નો લાર્જેસ્ટ પાર્ટિસિપન્ટ ગ્રુપનો અવૉર્ડ જીતીને આ વડીલોએ સાબિત કર્યું હતું કે એજ ઇઝ જસ્ટ અ નંબર.

ઘાટકોપરનાં આ ડૉક્ટર માટે મુંબઈ મૅરથૉન રન નહીં, પ્લેઝર વૉક છે

ઘાટકોપરમાં રહેતાં ડૉ. વર્ષા શાહે ૭૫ વર્ષની ઉંમરે ખૂબ એન્જૉય કરીને મૅરથૉન પૂરી કરી હતી. સિનિયર સિટિઝન કૅટેગરીમાં તેમની સાથે તેમના હસબન્ડ પણ જોડાયા હતા. તેમણે ૮૦ વર્ષની વયે મૅરથૉન રન પૂરી કરી હતી. ત્રીજી વાર મૅરથૉનમાં ભાગ લેવા બાબતે ડૉ. વર્ષા શાહ કહે છે, ‘આ માત્ર રન નથી. આ તો પ્લેઝર વૉક છે. એટલે જ અમે એન્જૉય કરતાં-કરતાં ચાલીએ છીએ.’

 

વિલપાવર છે એટલે જ લાકડીના સહારે પણ મૅરથૉન દોડ્યાં

ઘાટકોપરનાં ૭૨ વર્ષનાં તરુણા ગાંધીએ સિનિયર સિટિઝન રનમાં ભાગ લીધો હતો. ગયા વર્ષની મૅરથૉનમાં ભાગ લીધા બાદ એટલો સારો અનુભવ રહ્યો કે તેમણે હવે દર વર્ષે મૅરથૉનમાં દોડવાનું નક્કી કરી લીધું છે. તેમણે કહ્યું હતું કે ‘પગમાં તકલીફ હોવા છતાં વિલપાવર મજબૂત રાખીને અહીં આવી છું. અહીંનો માહોલ જોઈને મને જે જો

ઘૂંટણ બદલાવ્યા પછી પણ ઉમળકાથી મૅરથૉન રન પૂરી કરી

૭૯ વર્ષનાં રમા કોઠારીએ મુંબઈ મૅરથૉનની સિનિયર સિટિઝન રનમાં ત્રીજી વાર ભાગ લીધો હતો. ઘૂંટણ રિપ્લેસ કરાવ્યા છતાં પણ ખૂબ ઉમળકાથી તેમણે પોતાની રન પૂરી કરી હતી. સૌથી વધારે વાત કોઈ તેમને ગમી હોય તો સ્વયંસેવકો દ્વારા આપતું એન્કરેજમેન્ટ હતું.

પગની ગાદી ન હોવા છતાં મૅરથૉનમાં દોડે છે મીનાક્ષી ભટ્ટ

 

૭૧ વર્ષનાં મીનાક્ષી ભટ્ટ નાનાં હતાં ત્યારે અકસ્માતમાં પગનાં તળિયાંની ગાદી ગુમાવી દીધી હતી. વધુ લાંબું ચાલવું પીડાદાયક હોવા છતાં મુંબઈ મૅરથૉનની વાત આવે ત્યારે પૂરા ઉત્સાહથી તેઓ ભાગ લે છે. સિનિયર સિટિઝન રનમાં આ વખતે પાંચમી વાર દોડનારાં મીનાક્ષી ભટ્ટ કહે છે, ‘પગની તકલીફ છે, પણ સૉફ્ટ શૂઝ અને બૅન્ડેજ લગાવીને દોડ પૂરી કરું છું. મૅરથૉનમાં ભાગ લેવો અને દોડ પૂરી કરવી એ મહત્ત્વનું છે.’

મૅરથૉનમાં રન કરવાની સાથે લોકોએ નાખેલો કચરો પણ સાફ કરે છે આ દંપતી

મહાલક્ષ્મીમાં રહેતા ૭૩ વર્ષના ઝોએબ બૂટવાલા અને તેમનાં પત્ની ૭૧ વર્ષનાં રેહાના બૂટવાલા ૮ વર્ષથી એક નિયમ સાથે મૅરથૉનમાં ભાગ લે છે. તેઓ કહે છે, ‘જ્યાં હજારો લોકો હાજર હોય ત્યાં રસ્તા પર કચરો થવાનો જ છે. એટલે અમે સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપવા માટે લોકોએ ફેંકેલો કચરો જાતે જ રસ્તા પરથી ઉઠાવી લઈએ છીએ.’

જુવાનિયાને શરમાવે એવી સ્ફૂર્તિ સાથે આઠમી વાર મુંબઈ મૅરથૉનમાં ભાગ લીધો

દર વર્ષે હાફ મૅરથૉન દોડતા ૬૮ વર્ષના અજય ઠાકર આ વર્ષે સિનિયર સિટિઝન કૅટેગરીમાં દોડ્યા હતા. જુવાનિયાને શરમાવે એવી સ્ફૂર્તિ અને ઉત્સાહથી આઠમી વાર મુંબઈ મૅરથૉન દોડતા કાંદિવલીના મહાવીરનગરના અજય ઠાકરને જોઈને જ તેમની ફિટનેસનું સીક્રેટ જાણવાનું મન થઈ જાય. મૅરથૉન દોડવા માટે આખું વર્ષ ફિટનેસ પર ધ્યાન આપવું જરૂરી છે એવું માનતા અજયભાઈ તેમનું ફિટનેસ-સીક્રેટ જણાવતાં કહે છે, ‘અઠવાડિયાના ૬ દિવસ વહેલી સવારે ઊઠીને હું વૉર્મ-અપ, જૉગિંગ અને વૉકિંગ કરું છું. રોજના ચારથી પાંચ કલાક ફિટનેસ માટે આપું છું. અઠવાડિયામાં એક દિવસ આરામ કરું છું.’

મેન્ટલ ફિટનેસ જળવાય એટલે ૧૦ વર્ષ પહેલાં મૅરથૉન દોડવાનું શરૂ કર્યું

 

મુંબઈ મૅરથૉનની હાફ મૅરથૉન કૅટેગરીમાં ૨૧ કિલોમીટરની દોડ બે કલાક ૨૭ મિનિટમાં પૂરી કરી હતી ૬૮ વર્ષના સિનિયર પ્રદીપ શાહે. નવમી વાર મુંબઈ મૅરથૉન દોડનારા પ્રદીપભાઈએ વધતી ઉંમર સાથે શુગર કન્ટ્રોલમાં રહે અને મેન્ટલ ફિટનેસ રહે એ માટે ૧૦ વર્ષથી મૅરથૉનમાં ભાગ લેવાનું શરૂ કર્યું છે. કાંદિવલી-વેસ્ટમાં રહેતા પ્રદીપભાઈ કહે છે, ‘એજ-ફૅક્ટર જેવું કશું હોતું નથી એ સાબિત કરવું હોય તો મૅરથૉનમાં ભાગ લેવો જોઈએ. મૅરથૉનમાં દોડ્યા પછી લાગે છે કે આ ઉંમરે પણ હું ફિટ છું. ખાસ કરીને મેન્ટલ ફિટનેસ, જે આ ઉંમરે ખૂબ જરૂરી છે, જાળવી રાખવી હોય તો મૅરથૉન જેવી ઇવેન્ટ્સમાં ભાગ લેવો જોઈએ.’ હૉન્ગકૉન્ગ સહિત વિવિધ મૅરથૉન રન અને ટ્રેકિંગ કરવા માટે પ્રદીપભાઈનું નામ ટૅલન્ટ રેકૉર્ડ બુકમાં નોંધાયું છે.

ઉદયપુરથી આવ્યું આ ઍડ્વેન્ચર કપલ

માણસને પંચતત્ત્વોનો અનુભવ સતત થતો રહેવો જોઈએ અને એના માટે દરેક પ્રકારનું ઍડ્વેન્ચર કરતા રહેવું જોઈએ એવું માને છે ઉદયપુરનું ભટ્ટ દંપતી અને એટલે જ ૭૨ વર્ષની ઉંમરે મૅરથૉનને એક રોમાંચક ઍડ્વેન્ચર ગણીને તેઓ મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવા પહોંચ્યાં હતાં. રમેશચંદ્ર ભટ્ટ અને તેમનાં ૬૭ વર્ષનાં પત્ની વિજયલક્ષ્મી ભટ્ટ ત્રીજી વાર મુંબઈ મૅરથૉનમાં સિનિયર સિટિઝન રનમાં દોડ્યાં હતાં. અઘરામાં અઘરા ટ્રેકિંગ અને યાત્રાઓ કરનાર રમેશચંદ્ર ભટ્ટ કહે છે, ‘મારી ઉંમરે બ્લડપ્રેશર ૧૨૦-૮૦ રાખવું હોય તો યુવાનોએ આવા સ્પોર્ટ્સ અને ઍડ્વેન્ચર કરતા રહેવું જોઈએ. તો જ ફિટનેસ જાળવી શકાય.’

ત્રણ વર્ષથી મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવા વડોદરાથી આવે છે જયેશ ત્રિવેદી

વિશ્વની ટોચની મૅરથૉનની યાદીમાં આવતી મુંબઈ મૅરથૉનનું ઘેલું મુંબઈની બહાર રહેતા ગુજરાતીઓને પણ એટલું જ છે. વડોદરાથી ખાસ મુંબઈ મૅરથૉનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જયેશ ત્રિવેદી. સિનિયર સિટિઝન રનમાં ૭૨ વર્ષના જયેશભાઈએ આ વખતે ત્રીજી વાર ભાગ લીધો હતો. જયેશભાઈ કહે છે, ‘પહેલી વાર આવ્યો ત્યારે બહુ જ સરસ અનુભવ રહ્યો. ત્યારથી હવે દર વર્ષે રન માટે આવું છું. આ ખૂબ વેલ-મૅનેજ્ડ ઇવેન્ટ છે અને દર વખતે મને મૅરથૉનમાં દોડવાનો આનંદ થાય છે.’

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

શુ તમને ચૂંટણીમા રસ છે. ?