કેન્દ્રીય બજેટ 2026-27ને લઈને સમગ્ર દેશમાં ચર્ચા, વિશ્લેષણ અને અપેક્ષાઓનો માહોલ સર્જાયો છે. દેશના સર્વાંગી વિકાસ, આત્મનિર્ભર ભારતના નિર્માણ અને સામાન્ય નાગરિકના જીવનસ્તરને ઉંચું લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા આ ઐતિહાસિક બજેટ અંગે ભારતીય જનતા પાર્ટી દ્વારા જનતા સુધી યોગ્ય માહિતી પહોંચાડવાના હેતુસર વિવિધ સ્થળોએ પત્રકાર પરિષદો યોજવામાં આવી રહી છે. આ જ અનુક્રમે જામનગર શહેર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને આવરી લેતી એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર-જિલ્લા મીડિયા વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા બેઠકના માનનીય સાંસદ શ્રીમતી પૂનમબેન માડમે મુખ્ય ઉદ્બોધન આપ્યું હતું. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા બજેટના વિવિધ પાસાઓને વિસ્તૃત રીતે સમજાવ્યા અને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૃઢ અને દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશ સતત વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. તેમણે ઉમેર્યું કે નાણાકીય વર્ષ 2026-27 માટે રજૂ થયેલું રૂ. 53.5 લાખ કરોડનું બજેટ માત્ર આંકડાઓ પૂરતું સીમિત નથી, પરંતુ ભારતના ભવિષ્યની મજબૂત પાયારચના કરતું સર્વસ્પર્શી અને સર્વસમાવેશક બજેટ છે.
પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, જિલ્લા અધ્યક્ષ ડો. વિનોદભાઈ ભંડેરી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, ભાવેશ ઠુમ્મર, મૃગેશ દવે, જિલ્લા મહામંત્રી અભિષેક પટવા, ભાજપ જામનગર શહેર મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર તથા જિલ્લા મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ એકસ્વરે કેન્દ્રિય બજેટને દેશના ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત, યુવાનો, મહિલાઓ અને ઉદ્યોગકારો માટે લાભદાયક ગણાવ્યું.
સાંસદ પૂનમબેન માડમે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ સતત નવમી વખત દેશનું બજેટ રજૂ કરીને ઇતિહાસ રચ્યો છે. આ માત્ર એક વ્યક્તિગત સિદ્ધિ નહીં પરંતુ દેશની નારીશક્તિના સશક્તિકરણનું પ્રતીક છે. કર્તવ્ય ભવનમાં રજૂ થયેલું આ પ્રથમ બજેટ દેશની વિકાસયાત્રામાં એક નવી દિશા દર્શાવે છે અને વિકસિત ભારત @2047 તથા આત્મનિર્ભર ભારતના લક્ષ્ય તરફ દેશને વધુ ઝડપથી આગળ ધપાવતું બજેટ છે.
આ બજેટ ત્રણ મુખ્ય કર્તવ્યો પર આધારિત હોવાનું તેમણે જણાવ્યું. પ્રથમ, દેશના આર્થિક વિકાસને વધુ ઉત્તેજન આપવું; બીજું, નાગરિકોની આશા અને આકાંક્ષાઓની પૂર્ણતા કરવી; અને ત્રીજું, વિકાસના લાભો સમાજના અંતિમ વ્યક્તિ સુધી પહોંચે તેવો મજબૂત સંકલ્પ. આ ત્રણે આધારસ્તંભોને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે, જેના કારણે દેશનો સર્વાંગી અને સંતુલિત વિકાસ શક્ય બનશે.
પૂનમબેન માડમે વિશેષ ઉલ્લેખ કર્યો કે આ બજેટ યુવાશક્તિ ડ્રિવન બજેટ છે. તેમાં યુવાશક્તિ, નારીશક્તિ, કિસાનશક્તિ, શ્રમિક શક્તિ અને ઉદ્યમી શક્તિને કેન્દ્રમાં રાખવામાં આવી છે. યુવાનો માટે શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સ્ટાર્ટઅપ્સ અને રોજગાર સર્જન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓ માટે સ્વાવલંબન, આરોગ્ય, સુરક્ષા અને આર્થિક સશક્તિકરણ માટેની અનેક યોજનાઓ બજેટમાં સમાવિષ્ટ છે.
રૂ. 53.5 લાખ કરોડના આ બજેટમાં આરોગ્ય અને મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વિશાળ જોગવાઈ કરવામાં આવી છે. નવા મેડિકલ કોલેજો, આરોગ્ય કેન્દ્રો, ડિજિટલ હેલ્થ સુવિધાઓ અને આધુનિક સારવાર વ્યવસ્થાઓથી સામાન્ય નાગરિકોને વધુ સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળશે. જામનગરમાં સ્થિત WHOના ગ્લોબલ મેડિકલ સેન્ટરના અપગ્રેડેશનનો નિર્ણય ગુજરાત માટે ગૌરવરૂપ ગણાવી શકાય એવો છે, જેનાથી જામનગર વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રે વધુ મહત્વનું કેન્દ્ર બનશે.

જનરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લોજિસ્ટિક્સ અને કનેક્ટિવિટી ક્ષેત્રે પણ બજેટમાં ક્રાંતિકારી પગલાં લેવામાં આવ્યા છે. રસ્તા, રેલવે, બંદરો અને એરપોર્ટના વિકાસથી વેપાર, ઉદ્યોગ અને રોજગારની નવી તકો સર્જાશે. પૂર્વ ભારતના દાનકુનીથી સુરત સુધીના ડેડીકેટેડ ફ્રેઇટ કોરિડોરની જાહેરાતથી ગુજરાતના ઉદ્યોગોને વિશેષ લાભ મળશે અને દેશની લોજિસ્ટિક ક્ષમતા વધુ મજબૂત બનશે.
સંસ્કૃતિ, પર્યટન અને વારસાની જાળવણી માટે પણ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાતમાં સ્થિત લોથલ અને ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વ સ્થળોના વિકાસની જાહેરાતથી પર્યટન ક્ષેત્રે નવી ઊર્જા આવશે અને સ્થાનિક રોજગાર વધશે. આ સાથે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનું વૈશ્વિક સ્તરે પ્રચાર-પ્રસાર થશે.
MSME અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે બજેટમાં વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. MSME સેક્ટર માટે 200 ક્લસ્ટર પાર્કની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતમાં આશરે 7 લાખ મેન્યુફેક્ચરિંગ યુનિટ્સ હોવાના કારણે રાજ્યના ઉદ્યોગકારોને આ જાહેરાતોથી વિશાળ લાભ મળશે. સ્ટાર્ટઅપ્સ માટે નાણાંકીય સહાય, ટેક્નોલોજી અપગ્રેડેશન અને બજાર સુધી પહોંચ સરળ બનાવવાના પગલાં લેવામાં આવ્યા છે.
કૃષિ અને ગ્રામ વિકાસ ક્ષેત્રે ખેડૂતની આવક વધારવા, આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા અને ગ્રામિણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી છે. પશુપાલન, ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટેની જોગવાઈઓથી ગ્રામિણ અર્થતંત્રને નવી ગતિ મળશે.
AIના સકારાત્મક ઉપયોગ પર ભાર મૂકતા બજેટમાં નવી ટેક્નોલોજી, ડિજિટલ ઇન્ડિયા અને ઇનોવેશન માટે પણ વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. સંરક્ષણ અને સ્પોર્ટ્સ ક્ષેત્રે કરાયેલી જોગવાઈઓથી દેશની સુરક્ષા સાથે યુવા પ્રતિભાને પ્રોત્સાહન મળશે.
ગુજરાત માટે ખાસ કરીને આ બજેટ અનેક આશાસ્પદ તકો લઈને આવ્યું હોવાનું પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું. ગિફ્ટ સિટીમાં આવેલ IFSCમાં કંપનીઓ માટે 20 વર્ષ સુધી ટેક્સ હોલીડે લંબાવવાથી વૈશ્વિક કંપનીઓનું રોકાણ વધશે અને મોટી માત્રામાં રોજગારીની તકો સર્જાશે. મ્યુનિસિપલ બોન્ડ માટે જાહેર થયેલા પ્રોત્સાહનોનો લાભ ગુજરાતની નગરપાલિકાઓને મળશે, કારણ કે ગુજરાત મ્યુનિસિપલ બોન્ડ ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર રહ્યું છે.
પ્રેસ કોન્ફરન્સના અંતે ભાજપના આગેવાનોએ જણાવ્યું કે કેન્દ્રીય બજેટ 2026-27 ભારતના ઉજ્જવળ ભવિષ્યની મજબૂત પાયારચના કરે છે. આ બજેટ માત્ર આજની જરૂરિયાતોને નહીં પરંતુ આવનારી પેઢીની આશાઓને પણ ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર-જિલ્લા મીડિયા વિભાગ દ્વારા આયોજિત આ પ્રેસ કોન્ફરન્સમાં બજેટ અંગેની સ્પષ્ટતા અને માહિતીથી પત્રકારો તથા જનતામાં સકારાત્મક સંદેશ પહોંચ્યો હોવાનું આગેવાનોએ જણાવ્યું.








