- માસિક ૮૦૦થી વધુ હિમોડાયાલિસિસના દર્દીઓને અપાઈ રહી છે નિ:શુલ્ક સેવા
- કોરોના કાળમાં પણ વર્ષ દરમિયાન ૧૦,૬૪૦ ડાયાલિસિસ કરાયા
જામનગર તા.૨૦ ડિસેમ્બર, સૌરાષ્ટ્ર દરિયાકાંઠાનો પ્રદેશ છે, સામાન્ય મેદાની પ્રદેશમાં વસતા લોકોની સાપેક્ષમાં દરિયાકાંઠાના વિસ્તારના લોકોમાં અનેક બીમારીઓ વધુ જોવા મળે છે, જેવી કે, પથરી, કિડનીના અન્ય રોગો, પાણીમાં રહેલા વધુ ક્ષારને કારણે થતા દાંત, કિડની અને મૂત્રાશયના રોગો. વળી, સૌરાષ્ટ્રની સૌથી મોટી ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે કાર્યરત છે. આ હોસ્પિટલના વિવિધ વિભાગો દ્વારા સૌરાષ્ટ્રભરના અનેક દર્દીઓને સેવા આપવામાં આવે છે. ત્યારે જી.જી.હોસ્પિટલનો હિમોડાયાલીસીસ વિભાગ સૌરાષ્ટ્રભરના દર્દીઓને ડાયાલિસિસની ઉત્તમ સેવા પૂરી પાડવામાં સમર્થ પુરવાર થયું છે.
ગુરુ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલ ખાતે ડાયાલિસીસની સુવિધા ૧૯૮૯માં એક ડાયાલિસિસ મશીન સાથે શરૂ કરવામાં આવી, ત્યારબાદ સમયાંતરે ૩ મશીન થતા એક દિવસમાં નવ જેટલા દર્દીઓના ડાયાલિસીસ કરવામાં આવતા હતા, જેમાં કાળક્રમે દર્દીઓ માટેની સુવિધામાં વધારો કરતા ૨૦૧૪માં ૧૦ હિમોડાયાલિસિસ મશીન દ્વારા એક દિવસમાં ૩૦ દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી, ૨૦૧૮માં જી.જી. હોસ્પિટલની નવી બિલ્ડીંગ ખાતે હિમોડાયલીસીસ યુનિટને ૨૦ ડાયાલિસિસ મશીન સાથે વધુ અદ્યતન અને સાધન સંપન્ન બનાવવામાં આવ્યું.
ડાયાલીસીસ યુનિટના વડા ડો. અજય તન્ના કહે છે કે, સૌરાષ્ટ્ર કાંઠાળ વિસ્તાર હોવાથી અન્ય જિલ્લાઓ કરતા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કિડનીની તકલીફો ધરાવતા દર્દીઓની સંખ્યા વધુ જોવા મળે છે, ત્યારે સૌરાષ્ટ્રના દર્દીઓને સારવાર માટે દૂર ન જવું પડે અને પોતાના જ વિસ્તારમાં એક જ જગ્યાએ નિ:શુલ્ક અને સારી ગુણવત્તાલક્ષી સારવાર મેળવી શકે તે માટે હિમોડાયાલિસીસ વિભાગને સતત વધુ સાધન સંપન્ન અને અધ્યતન બનાવાયું.
ઘણીવાર અન્ય સારવાર દરમિયાન પણ દર્દીઓને થોડા સમય પૂરતા ડાયાલિસિસની આવશ્યકતા રહેતી હોય છે તેમને પણ તત્કાલ ડાયાલિસિસની સુવિધા આ યુનિટ દ્વારા પ્રાપ્ય કરાવવામાં આવે છે, ઉપરાંત કિડનીના ઘણાં ગંભીર રોગોના કારણે અનેક દર્દીઓને અઠવાડિયામાં બે થી ત્રણ વાર ડાયાલિસિસ કરાવવાની જરૂરિયાત રહેતી હોય છે, તેઓને પણ આ યુનિટ ખાતે ડાયાલિસિસની સેવા પૂરી પાડવામાં આવે છે. યુનિટ ખાતે માસિક ૮૫૦ જેટલા પેશન્ટને ડાયાલિસિસની સુવિધા આપવામાં આવે છે, જેમાં ૧૨૦ જેટલા દર્દીઓ ગંભીર કિડનીના રોગોથી ગ્રસ્ત હોય છે.
કોરોના કાળમાં પણ ડાયાલિસિસ વિભાગની કામગીરી સતત ચાલુ રહી હતી. કોરોનાગ્રસ્ત દર્દીઓને પણ ડાયાલિસિસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી, જેમાં આશરે ૮૫ દર્દીઓને જેઓને ડાયાલિસિસ આવશ્યકતા રહી હતી તેઓને માટે બે અલાયદા કોટેજની વ્યવસ્થાનું નિર્માણ કરી ૨૨૫ જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા હતા. જામનગરની જી.જી હોસ્પિટલ દ્વારા જામનગર જિલ્લા સિવાય દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, મોરબી, પોરબંદર જિલ્લાઓના દર્દીઓને પણ કોરોનાકાળ દરમ્યાન ડાયાલિસિસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. જી.જી હોસ્પિટલ ખાતે ડાયાલિસીસ માટે આવતા દર્દીઓને સરકારના નિયમ અનુસાર રોકડ રૂપે કેશ ટોકન આપવામાં આવે છે તેમજ દરેક દવાઓ, સેવા સર્વે નિ:શુલ્ક પ્રાપ્ય કરાવવામાં આવે છે.
ડાયાલીસીસ યુનિટના ઈન્ચાર્જ બ્રધર ધર્મેન્દ્ર ભટ્ટ જણાવે છે કે, ડાયાલિસિસના ૧ મશીન થી લઈ આજે ડાયાલીસીસ યુનિટને વધુ વિસ્તૃત કરીને રોજના આશરે ૩૦થી ૩૫ અને માસિક સાડા આઠસો જેટલા દર્દીઓને ડાયાલિસીસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. સન ૨૦૨૦ના કોરોના કાળ દરમ્યાન પણ ૧૦,૬૪૦ ડાયાલિસિસ અને ૨૦૨૧ના વર્ષમાં પણ ડિસેમ્બર માસ સુધીમાં ૯૮૦૦ દર્દીઓને ડાયાલિસિસની સારવાર આપવામાં આવી છે.
હિમોડાયાલિસિસ યુનિટ ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત કાર્યરત છે, હાલ જી.જી. હોસ્પિટલના હિમો ડાયાલીસીસ વિભાગ ખાતે છ ટેકનિશિયન, ચાર નર્સિંગ સ્ટાફ અને છ નર્સિંગ એટેન્ડન્ટ સાથે આ યુનિટ કામગીરી કરી રહ્યું છે. વળી આ યુનિટ દ્વારા ખંભાળિયા, દ્વારકા, જામજોધપુર, પોરબંદર ખાતે ટેકનિકલ આવશ્યકતા માટે પણ સ્ટાફ દ્વારા મદદ કરવામાં આવે છે, તદુપરાંત અન્ય જિલ્લાના દર્દીને ડાયાલિસિસ માટે સેન્ટ્રલ લાઈન લગાવી આપવી અને તેમના વિસ્તારમાં જ ડાયાલિસિસની સુવિધા માટે શેડયુલની વ્યવસ્થા પણ કરી આપવામાં આવે છે.
સામાન્ય રીતે હવે સૌ જાણે છે, ડાયાલિસિસની પ્રક્રિયા દર્દીના જીવનને બચાવવા માટે ખૂબ જ આવશ્યક છે, પરંતુ તેવી જ રીતે આ પ્રક્રિયા શરીર માટે અત્યંત થકાવનારી પણ છે ત્યારે દર્દીઓને એક જ સ્થળે દરેક પ્રકારની સુવિધા, દૂરથી આવનાર દર્દીઓને પોતાના વિસ્તારમાં સુવિધા મળી રહે તે માટે કામગીરી કરી હિમોડાયાલિસિસ વિભાગના કર્મીઓ સાચા અર્થમાં દર્દી નારાયણની સેવા કરી રહ્યા છે.