- કોટસફીલ રોડ પર DKM હોસ્પિટલની બાજુમાં ધારાસભ્ય દ્વારા મંડપની આડમાં દિવાલ બનાવી દેવામાં આવી
સુરતમાં ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ મનમાની કરીને સુરત મહાનગરપાલિકાની મંજૂરી લીધા વગર જ રોડ પર જ એક દિવાલ બનાવી દીધી હતી. ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ કોટસફીલ રોડ પર DKM હોસ્પિટલની બાજુમાં ધારાસભ્ય દ્વારા મંડપની આડમાં દિવાલ બનાવી દેવામાં આવી હતી. આ બાબતે શાસક પક્ષના નેતા અમિત રાજપૂત દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ વાત મને મીડિયાના માધ્યમથી જાણવા મળી છે.
આ બાબતે અધિકારીઓ સાથે વાતચીત કરીને જે પણ લીગલ હશે તે બાબતે કાર્યવાહી કરવામાં આવશે. ધારાસભ્ય નહીં પણ કોઈ પણ વ્યક્તિ આ પ્રકારે રોડ પર દબાણ કરતું હોય અને બાંધકામ કરતુ હોય તો આ બાંધકામનું ડીમોલીશન કરવામાં આવે છે અને જવાબદાર વ્યક્તિને દંડ કરવામાં આવે છે. તેને પર કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે.આ બાબતે ધારાસભ્ય અરવિંદ રાણાએ એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે, સુરત શહેર સેન્ટ્રલ ઝોનમાં કોટસફીલ રોડ પર મંદિર પાસે રસ્તા પર ખાંચો છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી થઇ રહી છે.
સ્થાનિક લોકોની વારંવાર રજૂઆત અને વારંવાર ફરિયાદ હતી કે આ ખાચામાં કેટલાક અસામાજિક તત્ત્વો તેમના વાહનો મૂકી જાય છે. તો ઘણા દિવસો સુધી આ વાહનો ત્યાં જ રહેતા હતા. સ્થાનિક રહેવાસીઓની ફરિયાદને ધ્યાનમાં લઇને અમે વારંવાર સફાઈ પણ કરાવીએ છીએ પણ રાત્રે જે પરિસ્થિતિ થાય છે તેને લઇને અમે ચૂંટાયેલા કોર્પોરેટરોએ આ જગ્યા પર શાંતિકુંજ બનવવા માટે રજૂઆત કરી છે. ત્યાં સુધી આ જગ્યા પર ગંદકી અટકે એટલે ત્યાં એક નાની દિવાલ બનાવીને તે જગ્યાનો ઉપયોગ શાંતિકુંજ તરીકે સ્થાનિક લોકો કરી રહ્યા છે. આ જગ્યા પર રાત્રીને સમયે ખોટા કામો થતા હોય છે તેને લઇને સ્થાનિક લોકોની ઉગ્ર રજૂઆતના કારણે આ બધું કરવામાં આવી રહ્યું છે.
જે કઈ પણ તૈયાર થશે તેનો ઉપયોગ સ્થાનિક લોકો માટે કરવામાં આવશે.મહત્ત્વની વાત છે કે, સુરતમાં કોઈ વ્યક્તિએ પોતાની ખાનગી જગ્યામાં પણ બાંધકામ કરવું હોય તો પણ મહાનગરપાલિકાની મંજૂરી લેવી પડે છે. પણ અહિયાં તો સરકારી જમીન પર જ કોર્પોરેશનની મંજૂરી વગર જ સ્થાનિક ધારાસભ્ય દ્વારા દિવાલ ચણવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. દિવાલ ચણવાની કામગીરી કોઈને દેખાય નહીં એટલા માટે તેની ફરતે એક મંડપ સર્વિસનું કાપડ પણ લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સુરત મહાગરપાલિકા દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે.