“વો હી તિરંગા, વો હી ઉડાન… એકસાથ ખડા હિંદુસ્તાન”
પ્રથમ જ્યોતિર્લિંગ Somnath Temple ના પવિત્ર સાનિધ્યમાં યોજાઈ રહેલા “સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬” અંતર્ગત આ વર્ષે એક ઐતિહાસિક અને રોમાંચક ક્ષણ સર્જાવા જઈ રહી છે. પહેલીવાર ભારતીય વાયુસેના દ્વારા સોમનાથના આકાશમાં દિલધડક “સૂર્યકિરણ એર શો” યોજાશે, જેમાં છ ફાઇટર જેટ ત્રિરંગાની ભવ્ય પ્રતિકૃતિ સાથે આકાશને રંગીન બનાવશે.
11મી મેના રોજ સવારે 11 કલાકે યોજાનાર આ એર શો માત્ર એક સૈન્ય પ્રદર્શન નહીં, પરંતુ રાષ્ટ્રપ્રેમ, શૌર્ય અને આધુનિક ભારતની હવાઈ શક્તિનું જીવંત પ્રતીક બનશે. “વો હી તિરંગા, વો હી ઉડાન… એકસાથ ખડા હિંદુસ્તાન”ના સંદેશ સાથે યોજાનાર આ ભવ્ય કાર્યક્રમ માટે પ્રભાસક્ષેત્રમાં ભારે ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.
ભારતીય વાયુસેનાની પ્રખ્યાત Surya Kiran Aerobatic Team દ્વારા આ એર શો રજૂ કરવામાં આવશે. આ ટીમ દેશ-વિદેશમાં પોતાની હવાઈ કરામતો માટે જાણીતી છે. સોમનાથના આકાશમાં પહેલીવાર યોજાનાર આ પ્રદર્શનને લઈને સ્થાનિકો, શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં ભારે આતુરતા જોવા મળી રહી છે.
એર શો દરમિયાન હૉક-એમ.કે-132 શ્રેણીના કુલ છ ફાઇટર જેટ પ્રભાસક્ષેત્રના આકાશમાં એકસાથે ઉડાન ભરી દિલધડક કરતબો કરશે. આ દરમિયાન આકાશમાં “ટ્રાઈકલર સ્મોક ટ્રેઈલ” દ્વારા તિરંગાની રચના કરવામાં આવશે, જે સમગ્ર કાર્યક્રમનું સૌથી મોટું આકર્ષણ બનશે.

તે ઉપરાંત “કલર સ્મોક”, “લૂપ્સ એન્ડ રોલ્સ”, “ક્લોઝ ફોર્મેશન”, “ડાયમંડ ફોર્મેશન” અને અન્ય અદ્ભુત હવાઈ કરતબો દ્વારા દેશની હવાઈ તાકાત અને પાયલટ્સની કુશળતાનું જીવંત પ્રદર્શન કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ વડાપ્રધાન Narendra Modi ની ઉપસ્થિતિમાં યોજાનાર હોવાનું જણાવાઈ રહ્યું છે.
ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર Janmeet Sharma એ એર શો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 11મી મેના રોજ સવારે 11 વાગ્યાથી સૂર્યકિરણ એર શોનું આયોજન કરવામાં આવશે. આ કવાયત માટે એરફોર્સના હૉક-એમ.કે-132 શ્રેણીના છ ફાઇટર જેટનો ઉપયોગ કરવામાં આવશે.
તેમણે જણાવ્યું હતું કે આ એર શો માત્ર પ્રદર્શન પૂરતો મર્યાદિત નથી, પરંતુ ભારતીય વાયુસેનાની તાલીમ, શિસ્ત અને તકનિકી ક્ષમતાનું પણ પ્રતિબિંબ છે. હવાઈ કરતબો દરમિયાન જેટ્સ આશરે 800થી 900 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરશે, જે પ્રેક્ષકો માટે અદભુત અને રોમાંચક અનુભવ બની રહેશે.
ફ્લાઇટ લેફ્ટનન્ટ તથા ટીમના કમેન્ટેટર Kanwal Sandhu એ જણાવ્યું હતું કે, ઈતિહાસમાં પહેલીવાર સોમનાથ મંદિરના આકાશમાં સૂર્યકિરણ એર શો યોજાવા જઈ રહ્યો છે. ગ્રુપ કેપ્ટન અને ટીમ લીડર Ajay Dashrath ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કવાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ફાઇટર પ્લેનનો ઉપયોગ માત્ર હવાઈ કરતબો માટે જ નહીં પરંતુ પાયલટોની તાલીમ, દુર્ગમ વિસ્તારોમાં આપત્તિ સમયે મદદ અને જરૂર પડે ત્યારે યુદ્ધ પરિસ્થિતિમાં પણ કરવામાં આવે છે.
સૂર્યકિરણ એર શોના ફાઈનલ કાર્યક્રમ પૂર્વે 10મી મેના રોજ સવારે 11 વાગ્યાથી રિહર્સલ પણ યોજાશે. આ તમામ ફાઇટર જેટ Jamnagar Air Force Station પરથી ઓપરેટ થશે. રિહર્સલ દરમિયાન પણ વિવિધ ફોર્મેશનનું નિદર્શન કરવામાં આવશે, જેના કારણે પ્રભાસક્ષેત્રમાં બે દિવસ સુધી દેશભક્તિ અને રોમાંચનો માહોલ રહેશે.

એર શોની ટેકનિકલ તૈયારીઓ અંગે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ પાયલટ્સ આધુનિક રેડિયો કમ્યુનિકેશન સિસ્ટમથી સજ્જ રહેશે. જમીન પર સ્ક્વોડ્રન લીડર Aman Goyal સતત તમામ જેટ્સ પર નજર રાખશે અને પાયલટ્સને હવાની ગતિ, એકબીજા વચ્ચેનું અંતર અને સંભવિત જોખમ અંગે માર્ગદર્શન આપશે.
આ પ્રકારના એર શોમાં પક્ષીઓ સૌથી મોટો પડકાર બની શકે છે. તેથી ભારતીય વાયુસેના દ્વારા ખાસ “બર્ડ હેઝાર્ડ કંટ્રોલ” ટીમ તૈયાર રાખવામાં આવી છે. સ્થાનિક તંત્રના સહયોગથી નાગરિકોને વધેલો ખોરાક ખુલ્લામાં ન ફેંકવા માટે અપીલ કરવામાં આવી છે, જેથી પક્ષીઓની અવરજવર ઓછી થાય.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જરૂર પડે ત્યારે આકાશમાં ખાસ પ્રકારના ફટાકડા છોડીને પક્ષીઓને દૂર કરવામાં આવે છે. આ ફટાકડાનો અવાજ પક્ષીઓને દૂર રાખે છે, પરંતુ તેમને કોઈ નુકસાન પહોંચાડતું નથી.
સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬ દરમિયાન યોજાનાર આ એર શો માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવનો વિષય બની રહ્યો છે. પ્રથમ જ્યોતિર્લિંગના આકાશમાં ભારતીય વાયુસેનાનું શૌર્ય અને ત્રિરંગાની ઝલક દેશભક્તિના ભાવને નવી ઊંચાઈ આપશે.
પ્રભાસક્ષેત્રમાં હાલથી જ દેશના વિવિધ રાજ્યોમાંથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓનું આગમન શરૂ થઈ ગયું છે. સ્થાનિક વેપારીઓ, હોટલ વ્યવસાયકારો અને પ્રવાસન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સુરક્ષા વ્યવસ્થા દ્રષ્ટિએ પણ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. પોલીસ, તટરક્ષક દળ, વાયુસેના અને સ્થાનિક તંત્ર સંકલિત રીતે કામગીરી કરી રહ્યા છે જેથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થઈ શકે.
સોમનાથના પવિત્ર આકાશમાં જ્યારે છ ફાઇટર જેટ ત્રિરંગાના રંગોથી ભારતની એકતા અને શક્તિનું પ્રતિક સર્જશે, ત્યારે તે ક્ષણ હજારો લોકો માટે જીવનભરની યાદગાર બની રહેશે. “સૂર્યકિરણ એર શો” સોમનાથ અમૃતપર્વ-૨૦૨૬નું સૌથી ભવ્ય અને ઐતિહાસિક આકર્ષણ બની રહેવાની પૂરી શક્યતા છે.







