Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝ

જૂનાગઢમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં અખાડા અને આશ્રમોના સંતો-મહંતોના આશીર્વાદ લીધા

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ

  • ગુજરાતની ઉન્નતિ અને સુખાકારી માટે ભવનાથના મેળામાં સંતોના આશીર્વાદ મેળવવા આવ્યો છું
  • ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં શ્રી ભવનાથ મંદિર,
  • શ્રી ભારતી આશ્રમ, શ્રી શેરનાથ બાપુના આશ્રમ અને
  • શ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમના દર્શન કરી
  • સંતોના આશીર્વાદ લેતા મુખ્યમંત્રીશ્રી
  • બ્રહ્મલીન ભારતી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડશી ભંડારા મહોત્સવમાં સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી
  • સાદગી પૂર્ણ, સરળ સ્વભાવના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ પર જનતાની સેવા માટે ભોળાનાથના આશીર્વાદ હરહંમેશ રહે તેવી પ્રાર્થના :માનસ મર્મજ્ઞ-કથાકાર શ્રી મોરારી બાપુ

જૂનાગઢ તા.૨૮ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે જૂનાગઢના ભવનાથના મહાશિવરાત્રીના મેળામાં અખાડા અને આશ્રમોના સંતો-મહંતોના આશીર્વાદ લઇ શ્રધ્ધા પૂર્વક જણાવ્યુ હતુ કે, સંતો-મહંતો ભાવિકોને ભગવાને ચિંધેલા માર્ગ પર લઇ જાય છે.

મહાશિવરાત્રીના મેળામાં શિવ અને જીવનુ મિલન થાય છે. તે સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ ભાવમય થઇને કહ્યુ કે, જે રીતે આપણને છોડમાં રણછોડના દર્શન થાય તે રીતે મહાશિવરાત્રીમાં જીવમાં શિવના દર્શન કરી શ્રધ્ધાના માર્ગે પરમ સુખ-શાંતિની પ્રાપ્તિ કરવાની છે.

મુખ્યમંત્રીશ્રીએ સંતો-મહંતોએ ચિંધેલી કેડી પર પ્રજાની સેવા કરી શાસન ચલાવવુ છે તેમ જણાવી નાનામા નાના માણસને તકલીફ ન પડે તે રીતે સેવા કાર્યો કરવા છે તેમ પણ કહ્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ બ્રહ્મલીન ભારતી બાપુની મૂર્તિ પ્રતિષ્ઠા, ષોડશી ભંડારા મહોત્સવમાં સહભાગી થઇ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતી આશ્રમમાં હંમેશાથી જ્ઞાતી, જાતિના ભેદભાવ વગર ભંડારો ચાલે છે અને આગળ પણ ચાલતો રહેશે. સંતોના આશીર્વાદ પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પ્રાપ્ત થયા છે. સંત સમાજ માટે વડાપ્રધાનશ્રીને પણ વિશેષ આદર છે. એ કેડી પર ગુજરાતનુ શાસન ચલાવવું છે. અમારી સરકાર ટીમ વર્કથી કામ કરી રહી છે. છેવાડાના માનવી સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે, નાનામા નાના માણસને કોઇ તકલીફ ન પડે તે ધ્યેયથી આગળ વધી રહ્યા છે. અમે આ રીતે જનતાની સેવા કરતા રહીએ તેવી શિવજીના ચરણમાં પ્રાર્થના કરું છું..

મુખ્યમંત્રીશ્રીએ શિવરાત્રીના પાવન પર્વ પર ગુજરાત રાજ્યના દરેક નાગરિકના સર્વાંગી, સુખાકારી, ઉન્નતી માટે સદૈવ કાર્યરત રહેવા ભવનાથ મહાદેવ અને સંતોના આશીર્વાદ મેળવ્યા હતા.

રામકથાકાર માનસ મર્મજ્ઞશ્રી મોરારીબાપુએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સામાન્ય જનની જેમ રહી ગુજરાતની પ્રજાની સેવા કરે છે તેમ જણાવી વધુમાં કહ્યુ કે, તેઓ સરળ, સાદગી અને નિખાલસ સ્વભાવના છે. શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ આ જ રીતે ગુજરાતની પ્રજાના કલ્યાણના કાર્યો કરતા રહે અને ભોળાનાથના આશીર્વાદ સદૈવ તેમના પર રહે તેવી પ્રાર્થના કરી હતી.

શ્રી મોરારી બાપુએ વધુમાં કહ્યુ કે, શાસન સાધુ-સંતોના અનુશાસનમાં રહે ત્યારે રામ રાજયની સંકલ્પના સાકાર થતી હોય છે. આ રામ રાજ્યનો સિદ્ધાંત છે. મહાશિવરાત્રીના મેળામાં ભજન-ભોજનનું સદાવ્રત અને સાધુ-સંતો દ્વારા શિવનુ સ્મરણ થાય છે. મેળામાં મુખ્યમંત્રીશ્રી પધાર્યા તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીશ્રી મહાશિવરાત્રીના મેળામાં સૌ પ્રથમ ભવનાથ મહાદેવના દર્શન કર્યા હતા. બાદમાં શ્રી શેરનાથ બાપુના આશ્રમમાં ધૂણાના દર્શન કર્યા હતા. મહંતશ્રી ઇન્દ્રભારતી બાપુના આશ્રમે ગુરૂ ગાદીના દર્શન પણ કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ બ્રહ્મલીન મહામંડલેશ્વરશ્રી વિશ્વંભર ભારતી બાપુની મૂર્તિ સમાધિના સ્થળે દર્શન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી.

આ પ્રસંગે રામકથાકાર શ્રી મોરારીબાપુ, આંતરરાષ્ટ્રીય મહામંત્રીશ્રી જુના અખાડા મહંત હરીગીરીજી મહારાજ, અગ્નિ અખાડાના સભાપતિશ્રી મુક્તાનંદ બાપુ, મહંત ઉમાશંકર ભારતીજી મહારાજ, મહંત પ્રેમગીરીજી મહારાજ, શ્રી જેન્તીરામ બાપા સહિતના સંતો-મહંતોએ મુખ્યમંત્રીશ્રીનું પુષ્પમાળા, શાલ, સ્મૃતિચિહ્નથી સન્માન કર્યુ હતુ.

ભારતી આશ્રમના મહંતશ્રી હરીહરાનંદ ભારતી મહારાજે મુખ્યમંત્રીશ્રીનુ સ્વાગત કર્યુ હતુ.

આ પ્રસંગે ઉદ્યોગ, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રીશ્રી જગદીશભાઇ પંચાલ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજયમંત્રીશ્રી દેવાભાઇ માલમ, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયા, જૂનાગઢ સાસંદશ્રી રાજેશભાઇ ચુડાસમા, પૂર્વ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી જવાહરભાઇ ચાવડા, ધારાસભ્યશ્રી ભીખાભાઇ જોશી, જૂનાગઢ મહાનગરપાલિકા મેયરશ્રી ગીતાબને પરમાર, ડે.મેયરશ્રી ગીરીશભાઇ કોટેચા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કીરીટભાઇ પટેલ, શહેર ભાજપ પ્રમુખશ્રી પુનીતભાઇ શર્મા, દિનેશભાઇ ખટારીયા, શૈલેષભાઇ દવે સહિતના પદાધિકારીઓ, અગ્રણીઓ, અધિકારીઓ અને શ્રધ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સુરત માં હુનર હાટમાં જવારાની જ્વેલરી બની આકર્ષણનું કેન્દ્ર

samaysandeshnews

કચ્છ : જી-૨૦ ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટમાં પધારેલા પ્રતિનિધિશ્રીઓએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી

cradmin

ટેકનોલોજી: ઓપનએઆઈએ ચેટજીપીટીમાં વેબ બ્રાઉઝિંગ વિકલ્પ શરૂ કર્યો, તેની ક્ષમતાઓને વધુ વિસ્તારી, જાણો વિગતો

cradmin

Leave a Comment

error: Content is protected !!