દીકરી જન્મને પ્રોત્સાહન, બાળાઓને શિક્ષણ, યુવતીઓને સ્વ-રક્ષા સહિતના સઘન કાર્યકમો હાથ ધરાશે રાજકોટ તા. ૧૧ માર્ચ – તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ દીકરીને શિક્ષણ અને તેમની સુરક્ષાર્થે “બેટી બચાઓ બેટી પઢાઓ” અભિયાન શરુ કરાવેલું. જે અંતર્ગત વિવિધ પ્રોત્સાહક કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ કલેકટર કચેરી ખાતે આજે યોજાયેલી બેઠકમાં સંતુલિત જાતિ પ્રમાણ, બાલિકા શિક્ષણનો વ્યાપ વધે, ડ્રોપ આઉટ રેશીયો ઘટે, યુવતીઓને સ્વ-રક્ષા, ગુડ ટચ – બેડ ટચ અવેરનેસ, સેક્સયુઅલ હેરેસમેન્ટ સામે અસરકારક પગલાંઓ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે કલેકટરશ્રીએ સમાજમાં દીકરીઓ પ્રત્યે લોકોની માનસિકતા બદલાય તે માટે અસરકારક પગલાંઓ લેવા ખાસ ભાર મુક્યો હતો.
જિલ્લા મહિલા અને બાલ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે વિવિધ સંસ્થાઓના માધ્યમથી “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અંતર્ગત અમલી બનાવાયેલા વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોની રૂપરેખા પુરી પાડી હતી. સંલગ્ન સરકારી વિભાગો દ્વારા દીકરી જન્મ વધામણાં કાર્યકમો, પછાત વિસ્તારની વિદ્યાર્થીનીઓને કીટ, એઈડ્સ ગ્રસ્ત વ્યક્તિના પરિવારની બાળાઓને શિક્ષણ કીટ, સ્વ-રક્ષા, સાયબર ક્રાઈમ સમજ, આરોગ્ય સંબંધી સહિતની સેવાઓ પુરી પાડવામાં આવે છે. “બેટી બચાઓ બેટી પઢાઓ” મેસેજ લોકોમાં સારી રીતે પહોંચે તે માટે જુદીજુદી સ્પર્ધાઓ, સેમિનાર સહિતના જનજાગૃતિના વ્યાપક કાર્યક્રમો જિલ્લામાં હાથ ધરવામાં આવે છે. આગામી સમયમાં ટાસ્ક ફોર્સ કમિટીમાં સખી વન સ્ટોપ સેન્ટર, મહિલા પોલીસ, એસ.સી.એસ.ટી. સેલ , સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ,એન.જી.ઓ સહિતના લોકોને સામેલ કરી કામગીરી વધુ સઘન કરવા કલેકટરશ્રી દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં આઈ.સી.ડી.એસ., ડીસ્ટ્રીકટ ચાઈલ્ડ પ્રોટેક્શન, જિલ્લા પોલીસ, હેલ્થ સહિતના વિભાગના અધિકારીશ્રીઓ જોડાયા હતાં.