અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત અને હિન્દુ ધર્મસેના, રાજકોટ દ્વારા આજે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં હિન્દુ ધર્મ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, સી.આર. પાટીલનો જન્મદિવસ 16 માર્ચના રોજ છે. પરંતુ આજે રાજકોટમાં હિન્દુ સેના દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે સંતો-મહંતોએ તેમનું ફૂલોના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને આશીર્વાદ પણ પાઠવ્યા હતા. પાટીલનું આગમન થતા જ સંતો-મહંતોએ તેમને આવકાર્યા હતા. તેમજ લોકોએ ગુલાબની પાંદડીનો પાટીલ પર વરસાદ કર્યો હતો.
આ સંમેલનમાં શાકોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાટીલે જણાવ્યું હતું કે, અખિલ ભારતીય સંત સમિતિએ 20 જિલ્લામાં સંગઠન બનાવ્યું છે. હિન્દુ ધર્મના લોકોને સંગઠિત કરવા રાષ્ટ્રરક્ષા, ધર્મરક્ષા, ગૌગંગા રક્ષા તથા સંસ્કૃતિ પરંપરાને જીવંત કરવા સમગ્ર ગુજરાતમાં સંતો દ્વારા આવા જન જાગરણરૂપી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભારતના 137 મતપંથ અને સંપ્રદાયના સંતો મહંતો એક મંચ પર જોવા મળ્યા છે