જેતપુર ખાતે ખેડૂતોએ વીજ પુરવઠાને લઇ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને વીજ કચેરીનો ઘેરાવો કરી આવેદન પત્ર આપવામાં આવ્યુ હતું. આંદોલન કરી રહેલા ખેડૂતોએ વીજ કચેરીનો ઘેરાવો કરી સરકારની વિરુદ્ધ હૂંડી ગાઈ વિરોધ નોંધાવ્યો.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં છેલ્લા કેટલાય સમયથી વીજકાપને લઇ ઠેર ઠેર ખેડૂતો હવે આંદોલનના માર્ગે વળ્યા છે ત્યારે જેતપુર ખાતે ખેડૂતોએ સવારે વીજ કચેરીનો ઘેરાવો કર્યા અને નારેબાજી સાથે ટોપલીમાં કોલસો તેમજ છાણા રાખી વીજ કચેરી આગળ જ સરકારની સામે હૂંડી લગાવી ધરણાં ઉપર બેસી 8 કલાક વીજ પુરવઠો આપવાની માગ કરી હતી.તેમજ સરકારને કોલસો અમે આપીશું તેવી પ્રતિક્રિયા આપી હતી.
રાજ્ય સરકાર ખેડૂતોને ઉનાળુ પાક માટે રાત્રીના સમયે છ કલાક વીજળી આપી રહી છે. પરંતુ છ કલાક વીજળી માત્ર કાગળ પર જ આપતી હોય તેવો જેતપુર તાલુકાના થાણાગાલોર, ચાંપરાજપુર, બોરડી સમઢીયાળા, જૂની નવી સાંકળી, જેતલસર ગામ તેમજ જંકશન જેવા ગામના ખેડૂત આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. દસ ગામના ખેડૂત આગેવાનો આજે વીજ ધાંધીયા બાબતે પીજીવીસીએલ કચેરીએ પહોંચ્યા હતાં. નારા લગાવ્યા હતા.મોટા ભાગના ખેડૂતો દિવસે મજૂરી કામે જતા હોય અને રાત્રીના પિયત માટે ખેતરે જતા હોય અને તેમાં વીજળીના ધાંધીયા સર્જાતા હોવાથી ખેડૂતો ઉંઘ પણ કરી શકતા નથી.ખેડૂતોના ખેતરોમાં સુકાઈ રહેલા પાકની વ્યથા પ્રગટ કરતાં ખેડૂતો વહેલી તકે સરકાર દ્વારા 8 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માગ કરી રહ્યાં છે.ખેડૂતોએ ધોમ ધખતા તાપમાં નીચે બેસી આક્રોશ સાથે આઠ વીજ પુરવઠો આપવા માંગ કરી હતી.
ખેડૂતો ધરણા પર બેસવાની સાથે જ પોલીસના ધાડેધાડા ઉતરી દેવામાં આવ્યા હતા જેથી કોઇ અનિચ્છનીય બનાવ બનવાના પામે આખરે જેતપુર વીજ કચેરીના સત્તાધીશોએ લેખિતમાં ઝડપથી નિરાકરણ આવે તેવી બાહેંધરી આપતા ખેડૂતોએ આંદોલન સમેટયું હતું પરંતુ આ આ બાબતે કોઈ નિરાકરણ નહિ આવે તો હજુ ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેમજ ધરણા પર બેસવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.