સુરત ક્રાઈમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાએ ભાગળ કાંસકીવાડની ઝેન ફુટવેર નામની દુકાનમાં છાપો મારી ત્યાં દિલ્હીથી વગર બિલે રોકડમાં ડુપ્લીકેટ શૂઝ ખરીદી પોતાનો નફો ચઢાવી બ્રાન્ડેડ કંપનીના શુઝના નામે વેચતા દુકાનદારને ઝડપી પાડી બ્રાન્ડેડ કંપનીના રૂ.26.15 લાખના ડુપ્લીકેટ શુઝ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
આર્થિક ગુના નિવારણ શાખાના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પીએસઆઈ સાગર પ્રધાનને મળેલી બાતમીના આધારે આર્થિક ગુના નિવારણ શાખાએ ભાગળ કાંસકીવાડ ચાર રસ્તા ગજ્જર બિલ્ડીંગ સીપ કોલ્ડ્રીકસની બાજુમાં ઝેન ફુટવેર નામની શુઝની દુકાનમાં છાપો મારી દુકાનમાંથી તેમજ દુકાનની બાજુમાં ઈકરા ટાવરા બિલ્ડીંગના બીજા માળે આવેલા ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી જુદીજુદી બ્રાન્ડેડ કંપનીના રૂ.26.15 લાખની કિંમતના 1046 નંગ શુઝ મળ્યા હતા.આર્થિક ગુના નિવારણ શાખાએ દુકાનદાર સરફરાજ યુસુફ્રભાઇ અડવાણી ( રહે.301, કોહિનુર એપાર્ટમેન્ટ, રાણીતળાવ, લાલગેટ, સુરત ) ની ધરપકડ કરી
તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે દિલ્હી ગુરુદ્વારા કરોલબાગ ગલી નં.13 ખાતે હોલસેલનો વેપાર કરતાં નાગપાલ ઉર્ફે રિન્કુ તથા શેખર પાસેથી વગર બિલે રોકડમાં ડુપ્લીકેટ શૂઝ ખરીદી પોતાનો નફો ચઢાવી બ્રાન્ડેડ કંપનીના શુઝના નામે પોતાની દુકાનમાં વેચતો હતો. આ અંગે લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધી દુકાનદાર સરફરાજ અડવાણીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.