આણંદ : આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ : આણંદ ખાતે અંદાજિત રૂપિયા ૧૭૫ કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજી સાથેના સાધનોથી સજજ સિવિલ હોસ્પિટલના અત્યાધુનિક ભવનનું નિર્માણ થશે.
ગુજરાતમાં ૫૭૮ જગ્યાએ જેનેરીક દવાના સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. આગામી સમયમાં વધુને વધુ લોકોને પણ જેનેરીક દવાનો લાભ મળી રહે તે માટે આ નેટવર્કને છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડાશે.
H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ.
વાયરલ ઇન્ફેક્શન માટે ચિંતા નહી પરંતુ ચિંતન કરવું આવશ્યક છે. ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં પરંતુ તકેદારી રાખવાની જરૂર.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
બોરસદ તાલુકાને રૂ. ૨૭.૭૪ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપતા આરોગ્ય મંત્રીશ્રી બોરસદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને નાપા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરાયું ઝારોલા રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ તેમજ કઠાણા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું ઈ-ખાતમુહૂર્ત
આણંદ, રવિવાર :: આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે બોરસદ ખાતે રૂ.૩.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, નાપા ખાતે રૂ. ૮૫ લાખના ખર્ચે નિર્માણ પામેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૬૪ પર રૂ. ૧૮.૮૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ઝારોલા રેલવે ઓવરબ્રિજનું ઈ-લોકાર્પણ અને કઠાણા ખાતે રૂ. ૪.૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર સામુહિક આરોગ્ય કેન્દ્રનું ઈ-ખાતમુહૂર્ત દ્વારા બોરસદ તાલુકાને રૂ.૨૭.૭૪ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી.
આ પ્રસંગે પ્રેરક ઉદ્દબોધન કરતા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આણંદ જિલ્લાના વર્ષો જૂના સિવિલ હોસ્પિટલ બનાવવાના પ્રશ્નનું સુખદ નિરાકરણ કર્યું છે. આગામી સમયમાં આણંદ જિલ્લા મથકે અંદાજિત રૂપિયા ૧૭૫ કરોડના ખર્ચે આધુનિક ટેકનોલોજીના સાધનોથી સજજ સિવિલ હોસ્પિટલના અત્યાધુનિક ભવનનું નિર્માણ થશે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છેવાડાના વિસ્તાર સુધી આરોગ્યની સુવિધા પહોંચાડી લોકોની આરોગ્ય સુખાકારીનું કાર્ય કર્યું છે. એટલું જ નહીં પરંતુ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને રૂપિયા પાંચ લાખ સુધીની આરોગ્ય સારવાર વિનામૂલ્યે મળી રહે તે માટે તેમને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય સુરક્ષા કવચ પણ પૂરું પાડવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
સરકારે ગુજરાતમાં જેનેરીક દવાના સ્ટોરના માધ્યમથી લોકોને સ્ટાન્ડર્ડ કંપનીની દવાઓ સસ્તા ભાવે ઉપલબ્ધ બનાવી છે. તેમ જણાવી તેમણે કહ્યું હતું કે, હાલમાં ગુજરાતમાં ૫૭૮ જગ્યાએ જેનેરીક દવાના સ્ટોર શરૂ કરવામાં આવ્યા છે. તથા આગામી સમયમાં વધુને વધુ લોકોને પણ જેનેરીક દવાનો લાભ મળી રહે તે માટે આ નેટવર્કને છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે.
ગુજરાતમાં જોવા મળેલા વાયરલ ઇન્ફેક્શનનો ઉલ્લેખ કરતા આરોગ્ય મંત્રીશ્રીએ વાયરલ ઇન્ફેક્શન માટે ચિંતા નહી પરંતુ ચિંતન કરવું આવશ્યક છે. તેમ જણાવી ગુજરાતની પ્રજાએ H3N2 ફ્લુથી ગભરાવવાની નહીં પરંતુ તકેદારી રાખી હાલના સંજોગોમાં લોકોને માસ્ક પહેરવા, હાથ ધોવા અને ડોક્ટરની સલાહ મુજબ દવા લેવા અનુરોધ કર્યો હતો.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, H1N1 અને H3N2 સીઝનલ ફ્લુની તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા રાજ્ય સરકાર સજ્જ છે. સીવીલ હોસ્પિટલો અને જનરલ હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડ, જરૂરી દવાઓ, વેન્ટીલેટર્સ, પી.પી.ઇ.કીટ અને માસ્કનો જથ્થો પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ ઉપરાંત સીઝનલ ફ્લુના લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટીંગ માટે રાજ્યની તેર (૧૩) સરકારી લેબોરેટરીઓમાં વિનામુલ્યે ટેસ્ટીંગ સુવિધા તેમજ ૬૦ ખાનગી લેબોરેટરીમાં પણ ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ છે તથા રાજ્યમાં ઇન્ફ્લુએન્ઝાની સારવારમાં અસરકારક ઓસેલ્ટામાવીર (૭૫ મી.ગ્રા., ૩૦ મી.ગ્રા., ૪૫ મી.ગ્રા અને બાળકો માટેની સીરપ) નો કુલ ૨,૭૪,૪૦૦ જેટલો જથ્થો રાજ્યમાં વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે.
આ તકે મંત્રીશ્રીએ સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલીસ અંતર્ગત સ્ટાર્ટ અપ કરવા ઈચ્છતા યુવાનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, તેમ જણાવી આ પોલીસી અંતર્ગત આજે રાજ્ય અને સમગ્ર દેશમાં અનેક યુવાનો સ્ટાર્ટઅપ થકી મોટા પાયે રોજગારીનું નિર્માણ કરી રહ્યા હોવાનું ઉમેર્યુ હતું.
આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, બોરસદ તાલુકામાં આરોગ્ય સુખાકારી ક્ષેત્રે ખૂબ સારું કાર્ય થયું છે. ગુજરાત સરકારે ગરીબ પરિવારની ચિંતા કરી આરોગ્ય ક્ષેત્રને વધુ સુદ્રઢ બનાવી પ્રજાની સુખાકારીનું કાર્ય કર્યું છે. તેમણે બોરસદ તાલુકામાં પીવાના પાણી સહિતની સુવિધાઓ માટે આગામી સમયમાં કરોડો રૂપિયાના વિકાસ કામો હાથ ધરાનાર હોવાનું પણ જણાવ્યું હતું.
આણંદના સાંસદ શ્રી મિતેષભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આરોગ્ય સુવિધામાં વધારાની સાથે આરોગ્ય કેન્દ્રને વધુ સુદ્રઢ બનાવ્યા છે. હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતને સર્વાંગી વિકાસ ક્ષેત્રે અગ્રેસર બનાવ્યું હતું. ગુજરાતના વિકાસને આ સરકારે તેના કાર્ય થકી નવી દિશા સાથે ગતિ આપી છે. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય ક્ષેત્રે બજેટમાં કરવામાં આવેલ જોગવાઈનો ઉલ્લેખ કરી વધુમાં ઉમેર્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય ક્ષેત્રે હાથ ધરેલા પ્રયાસોના પરિણામે આજે લોકોમાંથી સરકારી આરોગ્ય કેન્દ્રોની નકારાત્મક છબી દૂર થઈ છે.
આ પ્રસંગે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે આયુષ્માન કાર્ડ તથા આયુષ્માન રથની કિટનું વિતરણ કરવામાં આવ્યું હતુ, આ તકે મંત્રીશ્રી અને મહાનુભાવોએ ૪ આયુષ્માન રથને લીલી ઝડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું, આ રથના માધ્યમથી જિલ્લામાં આયુષ્માન કાર્ડ કાઢવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.
કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. મેઘા મહેતાએ સ્વાગત પ્રવચન તથા અંતમાં બોરસદ તાલુકા આરોગ્ય અધિકારીશ્રી બી. એમ. મહિડાએ આભારવિધિ કરી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પરમાર, ધારાસભ્યો સર્વશ્રી વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકાના સદસ્યો, આરોગ્ય વિભાગના પદાધિકારી-અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.