રાજકોટ : રાજકોટ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા જામકંડોરણા ખાતે યોજાયો આયુષ મેળો
‘‘આઝાદી કા અમૃત મહોત્સવ’’ અન્વયે “હર દિન-હર ઘર આયુર્વેદ” અભિયાન અંતર્ગત જામકંડોરણા લેઉવા પટેલ સમાજ ખાતે “આયુષ મેળા’’નું આયોજન કરાયું હતું, જે અન્વયે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો ગ્રામ્ય પ્રજાના લાભાર્થે યોજાયા હતા.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત,રાજકોટ તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ, રાજકોટનાં ઉપક્રમે આયોજિત આ આયુષ મેળાનું ઉદઘાટન રાજકોટ સહકારી ડેરીના પૂર્વ પ્રમુખશ્રી ગોવિંદભાઈ રાણપરીયા, તાલુકા પ્રમુખશ્રી, મામલતદારશ્રી સહીત રાજકીય આગેવાનો અને અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પ્રજાજનોની આરોગ્ય સુખાકારી અર્થે આયુર્વેદ અને અન્ય ચિકિત્સાઓનો વ્યાપ વધારવા માટે આ આયુષ મેળામાં દિનચર્યા, ઋતુચર્યા, યોગ નિદર્શન, રસોડા/આંગણાની ઔષધિઓ અને વનસ્પતિ ચાર્ટ પ્રદર્શન, ગર્ભ સંસ્કાર, વિરૂધ્ધ આહાર, તરૂણાવસ્થા માર્ગદર્શન, પંચકર્મ સારવાર, હોમિયોપેથી ચાર્ટ વગેરેની વિસ્તૃત સમજ સાથેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
તદુપરાંત નિષ્ણાત આયુષ ચિકિત્સકો દ્વારા પાચનતંત્રના રોગો, શ્વસન તંત્રના રોગો, ચામડીના રોગો, સ્ત્રી રોગો જેવા તમામ રોગોનું આયુષ પદ્ધતિથી નિદાન તથા સારવાર, આયુર્વેદની વિશિષ્ટતા એટલે કે અગ્નિકર્મ ચિકિત્સા દ્વારા કમર, ઘુંટણ જેવા દરેક પ્રકારના સાંધાના દુખાવાની સારવાર, પંચકર્મ, પ્રકૃતિ પરીક્ષણ દ્વારા આહાર વિહારનું માર્ગદર્શન, વૃદ્ધાવસ્થાજન્ય રોગોની વિશેષ સારવાર અને માર્ગદર્શન, બાળકના સર્વાંગી વિકાસ માટે ૦ થી ૧૨ વર્ષના બાળકોને સુવર્ણ પ્રાશન, તંદુરસ્ત માતૃ બાળ માટે ગર્ભ સંસ્કાર બાબતે માર્ગદર્શન તથા સ્વસ્થ અને લાંબા આયુષ્ય માટે યોગ નિદર્શન કરવામાં આવ્યું હતું.
જામકંડોરણા તથા આસપાસના વિસ્તારના લોકોને આયુર્વેદિક સારવાર પદ્ધતિથી અવગત કરાવવા માટે આ આયુષ મેળો ખૂબ ઉપયોગી સાબિત થયો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય તેમજ વૈદિક મંત્રગાન દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં માર્કેટીંગ યાર્ડ પ્રમુખશ્રી વિઠ્ઠલભાઇ બોદર, મામલતદારશ્રી કે. બી.સાંગાણી, જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી કે.જી. મોઢ તેમજ તાલુકાના આગેવાનો, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.