પાટણ : હારીજમાં બાયોગેસ પ્લાન્ટ થકી મહિલાઓને રસોઈ કરવામાં સરળતા થઈ રહી છે
હારીજના 7 ગામોમાં 200 વ્યક્તિગત બાયોગેસ પ્લાન્ટ આપવામાં આવ્યા
પાટણ : સૌ જાણીએ છીએ તેમ પહેલાના સમયમાં પરંપરાગત રીતે ખોરાક રાંધવામાં લાકડા કાપી અને તેના દ્વારા થતા ધુમાડાથી મહિલાઓના સ્વાસ્થ્યને ખુબ નુકશાન થતું હતુ. માન.વડાપ્રાધનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ને અમલી મુકવામાં આવ્યું. જે અંતર્ગત આજે પાટણ જિલ્લામાં મહેસાણા દુધ સાગર ડેરીના સહયોગથી હારીજ તાલુકાના 7 ગામોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામા આવ્યું છે. આ પ્લાન્ટ થકી પશુ પાલન અને ખેતી કરતા પરીવારોની ગ્રામીણ મહિલાઓને રસોડામાં રાંધણ ગેસ મળી રહે છે અને પરંપરાગત સ્ત્રોત દ્વારા જે ખોરાક રાંધવામાં આવતો હતો તેમાંથી મુક્તિ મળી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
બાયોગેસ પ્લાન્ટ થકી વાયુ પ્રદુષણમાં ઘટાડો થાય છે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. પહેલાના સમયમાં રસોઈ કરવા માટે લાકડા કાપી અથવા છાણ એકત્ર કરીને રસોડામાં રાખવામાં આવતા હતા જેનાથી રસોડામાં અસ્વચ્છતા થતી હતી. આજે બાયોગેસ પ્લાન્ટ દ્વારા અસ્વચ્છતામાંથી પણ મુક્તિ મળી છે. હારીજના રોડા, અસાલડી, નાણાં, સરેલ, માંસા, વાંસા, વાખુંદર, કાસ્યાપરા, કાતરા, કાળવણ ગામોમાં ગોબરધનના કુલ 200 લાભાર્થીઓ છે. વિગતવાર વાત કરીએ તો, રોડામાં 65 લાભાર્થીઓને ત્યાં પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવ્યા છે. અસાલડીમાં 23 લાભાર્થી, નાણાંમા 20, સરેલમાં 19, માંસામાં 14, વાંસામાં 6, વાખુંદરમાં 17, કાસ્યાપરામાં 10, કાતરામાં 21, અને કાળવણમાં 5 લાભાર્થીઓ હાલમાં બાયોગેસ પ્લાન્ટનો લાભ લઈ રહ્યા છે.
બાયોગેસ
પ્રાણવાયુની ગેરહાજરીમાં સેન્દ્રીય પદાર્થો (છાણ/મળમૂત્ર/એંઠવાડ વગેરે) ની સડવાની પ્રક્રિયાથી ઉત્પન્ન થતા બેકટરીયામાંથી જે ગેસ મળે છે તેને બાયોગેસ કહે છે. જેમાં મુખ્યત્વે મિથેન ગેસ (60 ટકા) હોય છે. બાયોગસના ફાયદાની વાત કરીએ તો, બાયોગેસ સસ્તુ અને પ્રદુષણ મુકત બળતણ છે. બાયોગેસનો રસોઈ માટે તેમજ પ્રકાશ માટે ઉપયોગ થાય છે.બાયોગેસથી જનરેટર ચલાવી વિદ્યુત પણ ઉત્પન્ન કરી શકાય છે. સસ્તી, કાયમી અને પ્રદુષણમુકત ઊર્જા મળે છે. કેરોસીન, જલાઉ લાકડા જેવા પરંપરાગત બળતણનો વિકલ્પ છે. એલ.પી.જી. ગેસના બાટલાનો વિકલ્પ પૂરો પણ બાયોગેસ પુરો પાડે છે.
બાયોગેસ ધુમાડા રહિત બળતણ હોવાથી પરંપરાગત બળતણથી થતાં શ્વાસોચ્છવાસના રોગો, આંખના ચેપ, દમ અને ફેફસાંની તકલીફોમાં ઘટાડો કરે છે. બાયોગેસ પ્લાન્ટમાં ટાઈફોઈડ, કોલેરા, મરડા, ચામડી અને આંતરડાના રોગો વગેરે પ્રકારની મુખ્ય બિમારીઓ પેદા કરતાં જીવજંતુઓનો નાશ થાય છે.
બાયોગેસ પ્લાન્ટથી મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારો
ઘરમાં ધુમાડો અને રાખ ભરાતી નથી, આથી ઘર ચોખ્ખું રહે છે અને સફાઈ કામમાં રાહત મળે છે.
ચોમાસામાં બળતણની જરૂરિયાત માટે ઘરમાં છાણાં અને લાકડાના સંગ્રહમાંથી મુક્તિ મળે છે.
ગેસના ચુલાથી રસોઈ કરવી સરળ છે આથી રસોઈ કરવામાં સમયનો બચાવ થાય છે. રસોઇનાં વાસણ કાળા થતાં ન હોવાથી બેહનોને સાફ કરવામાં તકલીફ ઓછી પડે છે.
LPG કરતા બાયોગેસ કેમ ફાયદાકારક?
બાયોગેસના કારણે LPG ખરીદવો પડતો નથી. રસોઈ માટેનો ખર્ચ ખુબ જ ઓછો રહે છે.
LPGની બોટલ ખાલી થઇ જાય ત્યારે ગ્રામીણ ખેડૂતોએ LPG ખરીદવા માટે નજીકના શહેરમાં જવું પડે છે. પરંતુ બાયોગેસના કારણે આ સમય પણ બચી જાય છે.
રસાયણિક ખેતી દ્વારા પ્રદુષણ અને માટીના નુકશાનથી બચવા માટેનો એકમાત્ર ઉપાય એટલે ગોબરધન. પ્લાન્ટની ક્ષમતાના આધારે સમાન માત્રામાં છાણ (ગોબર) અને પાણી નાખવાથી તુરંત પોષક તત્વોથી ભરપુર બાયો-સ્લરી પ્રાપ્ત થાય છે. જેનો ઉપયોગ યુરિયા ખાતરના સબ્સીટ્યુટ તરીકે ખેતીમાં કરી શકાય છે. છાણના ઉકરડાનું છાણીયું ખાતર વાપરવાથી ખેતીમાં નિંદામણ ઉગી નીકળે છે. જયારે આ સ્લરીથી નિંદામણ થતું નથી, શુદ્ધ ખાતર મળી રહે છે. છાણ કોહવાઈ જવાથી ગંદકી અને થતી બીમારીથી બચી શકાય છે. સ્લરીમાં દુર્ગંધ આવતી નથી તેમજ આ સ્લરી અળશીયાનો ખોરાક છે. જેનાથી જમીનમાં અળશીયા પેદા થાય છે. અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. ઉત્પાદન સારું અને ઉચ્ચ ગુણવત્તા વાળુ હોવાથી રાંધેલો ખોરાક પણ સ્વાદિષ્ટ લાગે છે.
બાયોગેસ પ્લાન્ટના બહુવિધ લાભોએ વિવિધ પરીવારના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. LPGથી છુટકારો અને રસોડામાં ઇંધણની બચતથી ગ્રામ્ય લોકો ખુશખુશાલ છે. ઘરેલું કક્ષાએ ફાયદાની સાથે સાથે બાયોગેસ પર્યાવરણનું જતન કરવામાં અને ખેતીની જમીનની ફળદ્રુપતા વધારવામાં પણ અગત્યનો ભાગ ભજવે છે. કારણ કે તેનાથી રાંધવા માટેના લાકડા માટે ઝાડને કાપવા પડતા નથી. તેથી અન્ય ખેડૂત પરિવાર અને ગ્રામીણ મહિલાઓએ આ તકનો લાભ ઉઠાવવો જોઈએ.