Cyber Crime : ઓનલાઈન વીજળી બિલ ભરતા લોકો માટે SBI એ એલર્ટ જાહેર કર્યું: SBI Alert Customers: દેશની સૌથી મોટી બેંકે ઓનલાઈન વીજળી બિલ ભરનારાઓ માટે એલર્ટ જાહેર કર્યું છે. હકીકતમાં સાયબર ગુનેગારોએ હવે છેતરપિંડીનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. જેના થકી સાયબર ઠગો લોકોના બેંક એકાઉન્ટ ખાલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ઘણી વીજળી કંપનીઓ અને સપ્લાયર્સ જ્યારે બિલ જારી કરે છે ત્યારે ગ્રાહકોને SMS અથવા WhatsApp મેસેજ દ્વારા બિલની રકમ અને છેલ્લી તારીખની જાણ કરે છે. સાયબર ઠગ આવા જ મેસેજ મોકલીને લોકોને પોતાની જાળમાં ફસાવે છે.
હકીકતમાં આ ઠગ આવા મેસેજમાં બાકી વીજળીનું બિલ જણાવે છે અને તેને અપડેટ કરવા માટે આપેલા નંબર પર તરત જ ફોન કરવાનું કહે છે. આટલું જ નહીં મેસેજમાં તમારી વીજળીને ડિસ્કનેક્ટ કરવાની વાત પણ કરવામાં આવે છે, જેના કારણે ગ્રાહકો તેમની જાળમાં ફસાઈ જાય છે. આમ કરવાથી તમારી નાણાકીય માહિતી તેમના સુધી પહોંચે છે અને તેઓ તમને છેતરે છે.
દેશની સૌથી મોટી સાર્વજનિક ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પણ આવા મેસેજથી લોકોને એલર્ટ (SBI Alert) કર્યા છે. હકીકતમાં ટ્વિટર પર ઘણા લોકોએ આવા મેસેજ મળવાની ફરિયાદ કરી છે. બેંકે જણાવ્યું છે કે આવા કોઈપણ મેસેજનો જવાબ આપશો નહીં કે તેના પર કોલ કરશો નહીં. આમ કરવાથી તમારું એકાઉન્ટ ખાલી થઈ શકે છે. વીજળી બોર્ડ અથવા સપ્લાયર સામાન્ય રીતે સત્તાવાર નંબર પરથી જ SMS મોકલે છે. તેથી હંમેશા તેને તપાસો.
ફ્રોડથી રહો સાવધાન
જો તમે વીજળીનું બિલ પણ ઓનલાઈન ચૂકવો છો, તો તમે આવા મેસેજ અંગે તમારી વીજળી કંપની અથવા સપ્લાયર્સનો પ્રથમ સંપર્ક કરીને વીજળીનું બિલ પણ અપડેટ કરી શકો છો. ઓનલાઈન પેમેન્ટ અથવા કોઈપણ ફાઇનેન્શિયલ એક્ટિવિટી કરતી વખતે હંમેશા ક્રોસ ચેકિંગ દ્વારા વેરિફાય કરી લો.
