Election: ૨૭ ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગર દ્વારા મતદાન જાગૃતિ રેલી કાર્યક્રમ યોજાયો: ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ યોજાવા જઈ રહી છે ત્યારે મહત્તમ લોકો મતદાન કરવા માટે જાગૃત બને, તે હેતુને ધ્યાનમાં રાખીને ચૂંટણી વિભાગ જામનગર દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીની કચેરી, જામનગર ખાતે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના માર્ગદર્શન હેઠળ ૨૭ ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગર દ્વારા મતદાન જાગૃતિ રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી ડો. સૌરભ પારઘી દ્વારા રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં ૨૭ ગુજરાત બટાલિયન એન.સી.સી. જામનગર દ્વારા મતદાન જાગૃતિ વિષય અંતર્ગત અલગ અલગ સૂત્રો લખેલા બેનર્સ, હોર્ડિંગ દર્શાવવામાં આવ્યા હતા. જિલ્લા કલેકટરશ્રીની કચેરીથી પ્રદર્શન ગ્રાઉન્ડ સુધી ૩૫૦ એન.સી.સી. કેડેટ્સ દ્વારા લોકોમાં મતદાન જાગૃતિ આવે તેમજ પોતાના મતાધિકારથી અવગત બને તે હેતુસર મતદાન જાગૃતિ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી.
કાર્યક્રમમાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન. ખેર, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કલ્પના ગઢવી, નોડલ ઓફિસરશ્રી ફોરમબેન કુબાવત, પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી એચ.એન. વાળા, કેપ્ટ્નશ્રી પ્રભાંશુ અવસ્થી, સુબેદાર મેજરશ્રી લાલ બહાદુર, નાયબ સુબેદારશ્રી હરવિન્દર, સુબેદારશ્રી મહેશ તેમજ અન્ય આર્મી કમાન્ડર ઉપસ્થિત રહયા હતા.