Election: મતદાન જાગૃતિ માટે એ.વી.પી.ટી.આઈ રાજકોટ ખાતે વોટર્સ અવેરનેસ સેમિનાર યોજાયો: વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨માં દરેક નાગરિક સમાન રીતે અને ગર્વભેર જોડાઈને મત આપવાની નૈતિક ફરજ સમજીને મતદાન કરે તે માટે જાગૃતતા કેળવવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ સ્વીપ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મતદાન જાગૃતિની કામગીરીના ભાગ રૂપે રાજકોટની એ.વી.પી.ટી.આઈ. ખાતે સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટીસિપેશન (સ્વીપ) અને જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીના નેજા હેઠળ વોટર્સ અવેરનેસ સેમિનાર યોજાયો હતો.જેમાં એન્જિનિયરિંગની વિવિધ વિદ્યાશાખાના વિદ્યાર્થી જોડાયા હતા. જે વિદ્યાર્થીઓ પ્રથમ વખત મતદાન કરવાના છે તેમને ચૂંટણી અને તેમાં થતા મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ વોટર્સ હેલ્પલાઈન મોબાઈલ એપ્લિકેશન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓએ મતદાન કરવાના શપથ લીધા હતા કે, હું ભારતના બંધારણને સાક્ષી માનીને શપથ લઉં છું કે, ગુજરાત વિભાનસભા સામાન્ય ચૂંટણીમાં હું કોઈપણ ધર્મ, જાતિ અને ભાષાના ભેદભાવથી દુર રહીને અન્ય કોઈ રીતે પ્રલોભિત થયા વીના મતદાન કરીને લોકશાહીનો અવસર ઉજવીશ.
આ સેમિનારમાં જિલ્લા વોટિંગ અવેરનેસ અંતર્ગત યોજાનારી વિવિધ પ્રવૃત્તિઓ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરી દ્વારા કરવામાં આવેલા એમ. ઓ. યુ. અનુસાર નિયુક્ત થયેલા આર.જે. ધારા દ્વારા સંપૂર્ણ માર્ગદર્શિકાઓ પૂરી પાડવામાં આવી હતી. આ તકે ઈનચાર્જ આચાર્યશ્રી આર.જે.ધ્રુવ, વિવિધ વિદ્યાશાખાના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.