Election: દરેક નાગરિકોને અચૂક મતદાન કરી લોકશાહીના પર્વમાં સહભાગી થવા જામસાહેબ દ્વારા અનુરોધ કરાયો: નિર્દિષ્ટ મતદારો માટે ઘર આંગણે જ મતદાનની સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્રને અભિનંદન પાઠવતાં જામસાહેબશ્રીસગા સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને પોતાનો મત આપવો જોઈએ.
જામનગર તા.21, “આપણા દેશને લોકશાહી મળતા આપણને સૌને મતદાન કરવાનો હક મળ્યો છે ત્યારે દરેક નાગરિકો અચૂક પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. આંખ બંધ કરી સગા-સંબંધી કે નાત-જાત જોઈને નહીં પરંતુ દેશની અને પ્રજાની સેવા કરવા લાયક હોય તેવા ઉમેદવારને અચૂક પોતાનો મત આપવો જોઈએ”… આ શબ્દો છે જામનગરના જામ સાહેબ શ્રી શત્રુશૈલ્યજીસિંહજીના કે જેઓએ આજરોજ ટપાલ મતપત્ર મારફત પોતાના નિવાસ સ્થાનેથી વિધાનસભા 2022 ચૂંટણી માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વિધાનસભા 2022 ની ચૂંટણીમાં એક પણ મતદાર ન છૂટે અને 100 ટકા મતદાન થાય તે હેતુથી જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા 80 વર્ષથી વધુ વય ધરાવતા નિર્દિષ્ટ મતદાર નાગરિકો, દિવ્યાંગો તથા કોવિડ ગ્રસ્ત લોકો માટે આ ચૂંટણીમાં ઘર આંગણે જ ટપાલ મતપત્રથી મતદાન કરવાની વિશેષ સુવિધા ઉભી કરાઈ છે.
ત્યારે આજરોજ જામસાહેબ શ્રી શત્રુશૈલ્યસિંહજીએ પણ ચૂંટણી અધિકારી-78 તથા પ્રાંત અધિકારી શ્રી ડી.ડી. શાહ સહિતના અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલ આ સુવિધા મારફત પોતાના નિવાસ્થાનેથી પોતાનો અમૂલ્ય મત આપ્યો હતો.
આ સુવિધા હેઠળ જિલ્લા કલેક્ટર શ્રી ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ સમગ્ર જામનગર જિલ્લામાંથી ચૂંટણી તંત્ર દ્વારા 442 નિર્દિષ્ટ મતદારોની ઓળખ કરવામાં આવી હતી જે મતદારોને આગામી એક અઠવાડિયા દરમિયાન પોસ્ટલ બેલેટ દ્વારા ઘર આંગણે જ મતદાનની સુવિધા પૂરી પાડવામાં આવનાર છે.