Election: પાટણ મતગણતરી કેન્દ્ર કતપુરની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સુપ્રિત સીંઘ ગુલાટી: સરકારી એન્જીનીયરીંગ કોલેજ કતપુર ખાતે થવાની છે પાટણ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોની મતગણતરી ભારતીય ચૂંટણી પંચ દ્વ્રારા તા.03.11.2022 ના રોજ ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022ની જાહેરાત કરી દેવામાં આવી છે. તા.01.12.2022 અને તા.05.12.2022 ના રોજ બે તબક્કામાં મતદાન થશે અને તા.08.12.2022 ના રોજ મતગણતરી કરવાંમાં આવશે. ચૂંટણીની તારીખ જાહેર થતા જ રાજ્યભરમાં વહિવટી તંત્ર દ્વારા ચૂંટણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં તા.05.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન કરવામાં આવશે. જિલ્લામાં તા.08.12.2022ના સરકારી એન્જીયનીયરીંગ કોલેજ કતપુર ખાતે મતગણતરી કરવામાં આવશે ત્યારે મતગણતરી કેન્દ્ર પર વ્યવસ્થા મામલે નોડલ અધિકારીશ્રીઓ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વ્રારા જાતચકાસણી કરવામાં આવી હતી.
પાટણ જિલ્લાની મતગણતરી એન્જીનીયરીંગ કોલેજ કતપુર ખાતે કરવામાં આવશે, તેથી મતગણતરી કેન્દ્ર પર પોલીસ બંદોબસ્ત, વીજળી વ્યવસ્થા, ઇમર્જન્સી વ્યવસ્થા, પીવાનું પાણી, શૌચાલય, અગ્નિશમન વ્યવસ્થા, વાહન વ્યવહાર, મિડીયા સેન્ટર વગેરે અંગે પૂરતી ચકાસણી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા કરવામાં આવી હતી. પાટણ જિલ્લાના નોડલ ઓફિસર્સ સાથે મતગણતરી કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટીએ મતગણતરી કેન્દ્ર પરની વ્યવસ્થા મામલે માર્ગદર્શન આપ્યું હતુ અને સંબધિત નોડલ ઓફિસર્સ પાસેથી જરૂરીયાત મુજબ સુચનો પણ લીધા હતા.
સરકારી એન્જીનીયરીંગ કોલેજ કતપુર ખાતે તા.08.12.2022ના રોજ મતગણતરી થવાની છે ત્યારે દિવસ દરમિયાન આવેલા ઉમેદવારો અને તેમના ટેકેદારો માટે વ્યવસ્થા ગોઠવવામાં આવશે. મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે. તદઉપરાંત ઉમેદવારો અને તેઓના ટેકેદારો માટે પાર્કિંગની વ્યવસ્થામાં દિવસ દરમિયાન કોઈ કચાશ ન રહી જાય તેનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવશે. મતગણતરી કેન્દ્રની મુલાકાત દરમિયાન મતગણતરીના દિવસે બીજા કયા પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ તે અંગે સંબધિત નોડલ ઓફિસર્સ દ્વારા સુચનો પણ કરવામાં આવ્યા હતા. તમામ સુચનોનો અમલ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વ્રારા નાયબ ચૂંટણી અધિકારીશ્રીને સુચન કરવામાં આવ્યુ હતુ. મતગણતરીના દિવસે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઈ રહે, ભારતીય ચૂંટણીપંચની માર્ગદર્શિકાનો ચુસ્તપણે અમલ થાય તેમજ શાંતિપૂર્ણ રીતે મતગણતરી થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટી દ્વારા સંબધિત અધિકારીશ્રીઓને યોગ્ય તૈયારીઓ કરવા અંગે સુચન કરવામાં આવ્યું હતુ.
મતગણતરી કેન્દ્રની મુલાકાત દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સુપ્રિત સીંઘ ગુલાટીની સાથે પોલીસ અધિક્ષકશ્રી પાટણ વિજય પટેલ, નાયબ ચૂંટણી અધિકારીશ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી-માર્ગ અને મકાન વિભાગ(સ્ટેટ), નાયબ કલેક્ટરશ્રી, નાયબ માહિતી નિયામકશ્રી, કાર્યપાલક ઈજનેરશ્રી-યુજીવીસીએલ, ચીફ ઓફિસરશ્રી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તેમજ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા….