Election: જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડો.સૌરભ પારધીએ વિભાજી હાઈસ્કૂલ ખાતેથી મતદાન કર્યુ: લોકશાહીના પર્વમાં સહભાગી થવા બદલ વરિષ્ઠ મતદારોને પ્રમાણપત્ર આપી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ સન્માનિત કર્યા.
જામનગરના નાગરિકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા અપીલ કરતા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ડો.સૌરભ પારધીએ શહેરની વિભાજી હાઈસ્કૂલ ખાતેથી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે પોતાનો પવિત્ર મત આપી મતદાન કર્યું હતું. આજે વહેલી સવારથી જ જામનગર જિલ્લામાં શાંતિપૂર્ણ મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે મોટી સંખ્યામાં લોકો મતદાન કેન્દ્રો ઉપર જઇ મતદાન કરી રહયા છે.ઉલ્લેખનીય છે કે આ ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે સખી બુથ, યુવા બુથ, મોડલ પોલિંગ બુથ તેમજ દિવ્યાંગ બુથ સહિતની વ્યવસ્થાઓ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો.સૌરભ પારધીએ મતદાન કર્યા બાદ સૌ જામનગરવાસીઓને અપીલ કરતાં જણાવ્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં તમામ નાગરિકો ઉત્સાહભેર જોડાઈ અવશ્ય મતદાન કરે તેમજ પોતાના પરિવારજનો તથા અન્યોને પણ મતદાન કરવા પ્રેરિત કરે.આ ચૂંટણીમાં જામનગર જિલ્લામાં સૌથી વધુ મતદાન થાય તેવી આ તકે તેઓએ અપેક્ષા વ્યકત કરી હતી અને જામનગર મતવિસ્તારના 1289 મથકોમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકતંત્રને મજબુત બનાવવા માટેની લોકોને અપીલ કરી હતી.