Election: કણકોટ સરકારી ઈજનેરી કોલેજ ખાતે મતગણતરી કેન્દ્રનું નિરીક્ષણ કરતા સામાન્ય નિરીક્ષકશ્રીઓ: સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ રૂમની સુરક્ષા અર્થે થયેલી કામગીરી અંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા જાણકારી અપાઈ.
ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ને લઈને રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા એક્શન મોડમાં કામગીરી થઈ રહી છે. આદર્શ આચારસંહિતાના પાલન માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા આઠ વિધાનસભા મતદાર વિસ્તાર દીઠ નિયુક્ત થયેલા સામાન્ય નિરીક્ષકશ્રીઓ અને ખર્ચ નિરીક્ષકશ્રીઓ દ્વારા ચૂંટણી સંબંધિત કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવી રહી છે. ત્યારે આજરોજ જનરલ નિરીક્ષકશ્રીઓએ કણકોટ સરકારી ઇજનેરી કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.
આ તકે સર્વે નિરીક્ષકશ્રીઓએ સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ રૂમનું જાત નિરીક્ષણ કર્યું હતું તેમજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટરશ્રીએ સુરક્ષા સંબંધે થયેલી કામગીરી અંગે જાણકારી પુરી પાડી હતી. આ મુલાકાતમાં સામાન્ય નિરીક્ષક શ્રી નીલમ મીના, શ્રી શિલ્પા ગુપ્તા, શ્રી સુશીલકુમાર પટેલ, શ્રી વી.વી. જ્યોત્સના, શ્રી મિથીલેશ મિશ્રા, શ્રી પ્રીતિ ગેહલોત, અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.જે.ખાચર માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.