Gujarat: આજે ગુજરાત માં વિધાનસભાની ચુંટણી જાહેર નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાયા: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં મતદાનની ટકાવારી અને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય તેવા હેતુસર ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
રાજ્યમાં ગત ચૂંટણીઓમાં પ્રમાણમાં જ્યાં ઓછું મતદાન થયું હતું તેવા ૨૦૨૨ મતદાન મથકોને ધ્યાનમાં લઈને આ વિસ્તારોમાં નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા ‘મિશન-૨૦૨૨’ હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ કલેકટર કચેરી ખાતેથી સ્વીપ પ્રવૃત્તિ હેઠળ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ દ્વારા “અવસર રથ”ને ફ્લેગ ઓફ આપીને મતદાર જાગૃતિ અંગે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ તકે કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, નાગરિકો આ લોકશાહીના પર્વમાં જોડાઈને ઉત્સાહભેર મતદાન કરે તેવા આશય સાથે અવસર રથ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ ખાતેથી પ્રસ્થાન થયેલ અવસર રથ રાજકોટ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં પણ પરિભ્રમણ કરીને મતદાન અંગેની જાગૃતિ ફેલાવશે.