રાજકોટ : રાજકોટ શહેર તથા જિલ્લાના વિવિધ લોકપ્રશ્નોની સર્વગ્રાહી સમીક્ષા કરતા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ
પ્રજાને અપેક્ષા પૂર્ણ કરવા સદૈવ તત્પર રહીશું- પ્રભારી મંત્રીશ્રી રાઘવજી પટેલ
રાજકોટ તા.૪ ફેબ્રુઆરી- રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજકોટ શહેર તથા જિલ્લાના વિવિધ લોકપ્રશ્નોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓને સંબોધતા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈએ જણાવ્યું હતું પ્રજાની અપેક્ષા પૂર્ણ કરવા રાજ્ય સરકાર સદૈવ તત્પર છે. પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા આવેલી રજૂઆત પ્રત્યે ઊંડાણપૂર્વક સરકારમાં ચર્ચા કર્યા બાદ યોગ્ય નિર્ણયો લેવાની મંત્રીશ્રીએ આ બેઠકમાં ખાત્રી ઉચ્ચારી હતી અને પોતપોતાને ભાગે આવતી જવાબદારી સુપેરે નિભાવવા અધિકારીઓને સૂચના આપી હતી. પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની રજૂઆતો અંગે યોગ્ય કરવા પણ તેમણે ઉપસ્થિતોને સૂચના આપી હતી તથા ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થનારી “સુજલામ સુફલામ” યોજના અંતર્ગત વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે જરૂરી કાર્યવાહી કરવા તેમને ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રાજકોટ માટેની ગ્રાન્ટનો નિયત સમય મર્યાદામાં ઉપયોગ કરવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. ખેડૂતોને પાવર કટની આગોતરી જાણ કરવા, શહેરમાં બની રહેલા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા, પકડાયેલા ઢોર પ્રત્યે માનવીય વર્તન દાખવવા, ગ્રામ્ય સડકોને સુવિધાપૂર્ણ બનાવવા, શહેરમાં ટ્રાફિક સમસ્યાનુ નિવારણ કરવા, ઉપલેટા મામલતદાર કચેરીનુ નવીનીકરણ કરવા, જાહેર જનતાની આરોગ્ય સંબંધી સુવિધાઓની યોગ્ય જાળવણી કરવા વગેરે અંગે આ બેઠકમાં સવિસ્તાર ચર્ચા કરવામાં આવી હતી, જેનો નિયત સમય મર્યાદામાં ઉકેલ લાવવા પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈએ અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી.
કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે નિવાસી અધિક કલેકટરશ્રી કે. બી. ઠક્કરે ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા. આ પ્રસંગે આમંત્રિતોનુ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચન બાદ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી રાજકોટ જિલ્લામાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોથી પ્રભારી મંત્રીશ્રી રાઘવજી પટેલને માહિતગાર કર્યા હતા, જેમાં એઈમ્સ હોસ્પિટલ, હીરાસર એરપોર્ટ, ઘેલા સોમનાથ મંદિર, ગોંડલ રિવરફ્રન્ટ, ઝનાના હોસ્પિટલ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ, પદ્મકુંવરબા હોસ્પિટલ, ગોંડલ રોડ ઓવર બ્રિજ, અમૂલ પ્રોજેક્ટ, ધોરાજી પ્રાંત કચેરીનું બિલ્ડીંગ, મનોદિવ્યાંગ બાળકો માટેનું આશ્રયસ્થાન, પ્રદર્શન માટે કન્વેન્શન સેન્ટર, જેમ્સ એન્ડ જ્વેલરી પાર્ક વગેરેનો સમાવેશ થાય છે.
મ્યુનિસિપલ કમિશનર શ્રી અમિત અરોરાએ રાજકોટ શહેરમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કામોની રૂપરેખા પ્રભારી મંત્રીશ્રી સમક્ષ રજૂ કરી હતી. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવે પણ પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ સમક્ષ તેમના વિભાગની કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો.
ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા તથા મહેન્દ્રભાઈ પાડલીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભુપતભાઈ બોદર, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ વગેરેએ પણ આ બેઠકમાં જાહેર જનતાને સ્પર્શતા મુદ્દાઓનો ઉલ્લેખ કરીને યોગ્ય નિરાકરણ કરવા પ્રભારી મંત્રીશ્રીનુ માર્ગદર્શન મેળવ્યું હતું
આ બેઠકમાં , શહેર ભા.જ.પ. પ્રમુખશ્રી કમલેશ મીરાણી, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોડ, અધિક કલેક્ટરશ્રી એસ. જે. ખાચર, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી અને શ્રી આશિષકુમાર, પ્રાંત અધિકારીશ્રી વિવેક ટાંક,
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી ઠુમર, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક શ્રી સી. એન. મિશ્રા, જીલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર શ્રી કે. વી. મોરી, જીઆઇડીસીના રીજીયોનલ મેનેજર શ્રી દર્શન ઠક્કર, ફરિયાદ અને સંકલન સમિતિના તમામ સભ્યો તથા અન્ય સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.