Ministry : જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને વડાપ્રધાનશ્રી ની જામનગર મુલાકાત અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ : બેઠકમાં ધારાસભ્ય શ્રી આર.સી ફળદુ તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા કલેકટર શ્રી ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર શ્રી વિજય ખરાડી વગેરે હાજર રહ્યા હતા.
હાલારી સંસ્કૃતિ ઝળકે અને સમગ્ર કાર્યક્રમ દીપી ઊઠે તેવું સચોટ આયોજન હાથ ધરવા સૂચન કરતા પ્રભારી મંત્રીશ્રી
જામનગર તા.૦૬ ઓકટોબર, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ ૧૦ ઓક્ટોબરના રોજ જામનગર જિલ્લાની મુલાકાતે પધારનાર છે. જ્યાં તેઓ સૌની યોજના, જામનગર મહાનગરપાલિકા, પાણી પુરવઠા યોજના તથા હરીપર ખાતે સૌર ઉર્જા આધારિત વીજ પરીયોજનાના રૂ.૧૪૬૨ કરોડના ખર્ચે ૯ જેટલા વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરનાર છે. જે કાર્યક્રમ સુચારૂ રીતે યોજાય તથા તમામ આનુસંગિક વ્યવસ્થાઓ જળવાય રહે તે હેતુથી જિલ્લાના પ્રભારી મંત્રી તથા રાજ્ય મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મંત્રીશ્રીએ ઉપસ્થિત પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓને સૂચન કરતા જણાવ્યું હતું કે સમગ્ર કાર્યક્રમમાં હાલારની સંસ્કૃતિ ઝળકે તથા સમગ્ર કાર્યક્રમ દીપી ઊઠે તેવી વ્યવસ્થાઓ સુનિશ્ચિત થાય તે જરૂરી છે. તદુપરાંત મંત્રીશ્રીએ રૂટ વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, સ્ટેજ વ્યવસ્થા, સમગ્ર જિલ્લામાંથી આવતા નાગરિકો માટે સૂચિત પાર્કિંગ તથા અન્ય આનુસંગિક વ્યવસ્થાઓ, લોકોના આવાગમન માટેની વ્યવસ્થાઓ, બેનર્સ-હોર્ડીગ સહિત પ્રચાર પ્રસારની વ્યવસ્થાઓ વગેરે બાબતે જરૂરી સમીક્ષાઓ કરી હતી. બેઠકમાં ધારાસભ્યશ્રી, મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, કલેકટરશ્રી, કમિશનરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વગેરે દ્વારા રજૂ કરાયેલ સૂચનો પરત્વે પણ મંત્રીશ્રીએ જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય શ્રી આર.સી ફળદુ તથા શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, પ્રભારી સચિવ તથા રાજ્યના લેબર કમિશનરશ્રી અનુપમ આનંદ, ઇરીગેશન સેક્રેટરી શ્રી પટેલ, જિલ્લા કલેકટરશ્રી ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનરશ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિહિર પટેલ, શ્રી રમેશભાઇ મુંગરા, શ્રી વિમલભાઇ કગથરા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ તથા વિવિધ સમિતિઓના નોડલ ઓફીસરશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.