Patan: પાટણ જિલ્લામાં એન.આર.એલ.એમ યોજના અંતર્ગત લાભ મેળવી આત્મનિર્ભર બનતા સ્વસહાય જૂથો: જિલ્લાના 10 સ્વસહાય જૂથોને માન.મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે રૂ. 20 લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું. પાટણ જિલ્લો સ્વસહાય જૂથો માટે કાર્ય કરવામાં અગ્રેસરઃ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત.
આજરોજ દિનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વ સહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કન્વેન્શન હોલ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લાના કુલ 10 સ્વસહાય જૂથોને રૂ. 20 લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જિલ્લા ગ્રામવિકાસ એજન્સી પાટણના સહયોગથી આયોજીત આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે માન.મંત્રીશ્રી ઉદ્યોગ,લઘુ,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર,ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર શ્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામ્ય વિસ્તારની ગરીબ મહિલાઓને સંગઠિત કરી તેઓ આર્થિક, સામાજીક, કૌટુંબિક, શૈક્ષણિક તેમજ આરોગ્ય વિષયક ક્ષેત્રમાં વિકાસ તરફ આગળ વધે તે હેતુને ધ્યાનમાં રાખી સરકારશ્રી ધ્વારા અનેકવિધ યોજનાઓનું અમલીકરણ થઇ રહ્યુ છે, દિનદયાળ અંત્યોદય યોજનાના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત અનેક મહિલાઓ લાભ લઈને આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. આ યોજના હેઠળ સ્વસહાય જૂથો માટે બેંક લિંકેજ અન્વયે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ તાલુકાના કુલ 10 સ્વસહાય જૂથોને 20 લાખ રૂ. ની લોન આપવામાં આવી હતી. કુલ 10 સ્વસહાય જૂથોને કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. જેમાં પાટણ જિલ્લાનાં પાટણ, સમી, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સિદ્ધપુર અને સરસ્વતી તાલુકાનો સમાવેશ થાય છે.ગુજરાત લાઈવલીહુડ કંપની દ્વારા પાટણ જિલ્લામાં વર્ષ 2011માં શરૂ થયેલ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના મારફતે આજે અનેક જરૂરિયાતમંદ મહિલાઓ લાભ લઈને આર્થિક રીતે આત્મનિર્ભર બની છે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન એવાં ઉદ્યોગ,લઘુ,સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર,ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ અને રોજગાર શ્રી બળવંતસિંહ રાજપૂતે લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે, આજે જે કેશ ક્રેડીટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે અને સ્વસહાય જૂથોને જે લાભ આપવામાં આવી રહ્યો છે તેની પાછળ આપણા દેશના માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રમોદીજીનો દ્રઢ સંકલ્પ જવાબદાર છે. તેઓએ હંમેશા દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં કંઈ રીતે આગળ વધે તે માટે કાર્ય કર્યું છે. દેશના ગામડાઓનો વિકાસ થાય અને ખાસ કરીને મહિલાઓનો વિકાસ થાય તે મુજબની પરમ પુજ્ય ગાંધીજીની વિચારધારાને આગળ ધપાવવાનું કાર્ય સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. પરિણામે આજે દેશની મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ જોવા મળી રહી છે. રાજ્યના વિકાસ માટે મંત્રીશ્રી થી લઈને તમામ અધિકારીશ્રીઓ કામ કરી રહ્યા છે જે તમામને બિરદાવવા જરૂરી બની રહે છે. બહેનોની ભાગીદારી આજે માત્ર ઘર સંભાળવા પૂરતી સિમીત નથી રહી આજે બહેનો દેશના અને દુનિયાના વિકાસમાં પણ ભાગીદાર થઈ રહી છે જે ખુબ ગર્વની વાત છે.
સ્વસહાય જૂથો માટે આયોજીત આ કાર્યક્રમમાં ઈ.ચા. જિલ્લા કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, ડી.આર.ડી.એ. નિયામકશ્રી આર.કે.મકવાણા, પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ ઠાકોર, ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ નંદાજીભાઈ ઠાકોર, પૂર્વ મહામંત્રીશ્રી ગુજરાત પ્રદેશ ભાજપ કે.સી.પટેલ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા