Politics: આગામી તા.૨૮ ના રોજ વડાપ્રધાનશ્રીની જામનગર મુલાકાત સંદર્ભે ટ્રાફિક નિયમન માટે જાહેરનામું જારી કરાયું: આગામી તા. ૨૮/૧૧/૨૦૨૨ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જામનગર જિલ્લાના પ્રવાસ કાર્યક્રમ અર્થે પધારનાર હોય જે દરમિયાન કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર જામનગર જિલ્લાના વિસ્તારના રસ્તા પ૨ ટ્રાફિક નિયમન અંગેનુ જાહેરનામુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવેલ છે.
જેમાં તા.૨૮/૧૧/૨૦૨૨ ના રોજ સાંજના ૦૪:૦૦ કલાકથી ૦૮:૦૦ કલાક સુધી લાલપુર બાયપાસથી ખંભાળીયા બાયપાસ, નાઘેડી પાટીયા, ગોરધનપર પાટીયા, સરમત પાટીયા, સિકકા પાટીયા તથા મેઘપર-પડાણા ત્રણ રસ્તા સુધીનો રસ્તો તમામ પ્રકારના ભારે વાહનો માટે બંધ રહેશે આ માટે વૈલ્પિક માર્ગ તરીકે મેઘપર પડાણા ત્રણ રસ્તા, પડાણા કાનાલુસ ફાટક, સેતાલુસ-આરબલુસ-મેઘનુ ગામ-પીપળી-ખોજા બેરાજા-ચંદ્રગઢ-ચંગા પાટીયા ત્રણ રસ્તા, દરેડ ગામ-લાલપુર બાયપાસ તરફનો રસ્તો ઉપયોગમાં લેવાનો રહેશે. તેમજ સરમત પાટીયાથી નાઘેડી પાટીયા સુધી સભા સ્થળની સાઈડ બાજુનો રોડ તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. જેના વૈલ્પિક માર્ગ તરીકે સભા સ્થળની સામેના ભાગના રોડ બન્ને સાઇડના વાહનો માટે ચાલુ રહેશે.
ઈમરજન્સી સેવામાં રોકાયેલ એમ્બ્યુલન્સ, ફાયર સર્વિસ, એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ, માન.પ્રધાનમંત્રીશ્રીના સભાસ્થળ પર આવતા તમામ પ્રકારના વાહનોને તથા માન. પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા તમામ પ્રકારના વાહનોને આ જાહેરનામુ લાગુ પડશે નહિ. આ હુકમનો ભંગ કે ઉલ્લઘન કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.